ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનનો બીજો ફેઝ 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેની પહેલા IPLએ એક મ્યૂઝિકલ એડ વીડિયો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં ધોનીનો રંગીન લુક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જોકે ચોંકવનારી વાત એ રહી કે IPL-14ની શરૂઆત પહેલા ધોનીનો ભિક્ષુક અવતાર વાઇરલ થયો હતો. તેવામાં અચાનક ફેઝ-2માં ધોનીનો તદ્દન વિપરિત અવતાર જોઇને ફેન્સ પણ અચંબિત થઈ ગયા છે. ફેન્સને કેપ્ટન કૂલનો આ લુક પસંદ નથી આવ્યો. અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રિકેટ ફેન્સ ધોનીને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહથી દૂર રહેવાની સલાહ પણ આપી રહ્યા છે.
IPL ફેઝ-2 પહેલા ધોનીનો વાઇરલ 'અતરંગિ લુક'
પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન પણ મહેન્દ્ર સિંહ ધોનીની નવી-નવી હેરસ્ટાઈલ હંમેશાં ચર્ચામાં રહી છે. પછી ભલે એ કરિયરની શરૂઆતના દિવસોમાં લાંબા ભૂરા વાળ હોય અથવા વર્લ્ડકપની જીત પછી અચાનક મુંડન કરાવી લેવાની વાત હોય. ધોનીએ હંમેશાં તેના લૂક માટે તેના ફેન્સને ચોંકાવ્યા જ છે.
તેવામાં આ વીડિયોમાં ધોની રોકસ્ટાર લુકમાં જોવા મળ્યો હતો. તેણે સ્પાઇકી હેર સ્ટાઇલ સાથે વાળને કલર પણ કરાવ્યો હતો. આ વીડિયોના છેલ્લા પાર્ટમાં ધોનીએ એમપણ કહ્યું હતું કે IPL-14નો ફેઝ-1 તો માત્ર એક ટ્રેલર હતું બીજા ફેઝનું પિક્ચર હજુ બાકી છે.
રોહિત-ધવનની સાથે પોતાના હેલિકોપ્ટર શોટનો પણ કર્યો ઉલ્લેખ
ધોનીએ આ વીડિયોમાં ફેઝ-2 અંગે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ ફેઝમાં હિટમેન અને ગબ્બર બંને જોવા મળશે. ક્રિકેટ જગતની વાત કરીએ તો રોહિત શર્માને ફેન્સ હિટમેન, શિખર ધવનને ગબ્બર કહીને સંબોધે છે. એટલું જ નહીં ધોનીએ હેલિકોપ્ટર ટેક ઓફ થશે એવું કહેતા સ્પષ્ટપણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે આ સિઝનમાં આક્રમક બેટિંગ કરતો જોવા મળી શકે છે.
ફેન્સે રણવીર સિંહથી દૂર રહેવા ટકોર કરી
મહેન્દ્રસિંહ ધોનીનો રોકસ્ટાર લુક ક્રિકેટ ફેન્સને ગમ્યો નહતો. તેવામાં સોશિયલ મીડિયા યૂઝર્સે કહ્યું હતું કે રણવીર સિંહ સાથે મિત્રતા થયા પછી ધોની આમ કરવા લાગ્યો છે. ત્યારે બીજા એક યૂઝરે કહ્યું હતું કે તમે ભિક્ષુકથી સીધા ગલી બોય જેવા લુકમાં કેમ આવી ગયા? તમને પણ રણવીર સિંહનો રંગ લાગ્યો લાગે છે.
રણવીર સાથે ફૂટબોલ રમતો દેખાયો હતો
ધોની થોડા દિવસો પહેલાં જ રણવીર સિંહ સાથે ફૂટબોલ મેચમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન રણવીરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. એક ફોટોમાં તો રણવીર ધોનીના પગ પાસે બેઠો હતો અને લખ્યું હતું, મોટા ભાઈનાં ચરણોમાં હંમેશાં.
ધોની અને રણવીર બંને ફૂટબોલ ક્લબનો હિસ્સો છે. આ ક્લબ બોલિવૂડ અને ક્રિકેટ સેલેબ્સ સિવાય બાકીના લોકો માટે પણ ફૂટબોલ મેચ ઓર્ગેનાઈઝ કરતી હોય છે અને આ મેચ દ્વારા ચેરિટી માટે ફંડ ભેગું કરવામાં આવે છે.
IPL-14 પહેલા ધોનીએ ભિક્ષુક લુક અપનાવ્યો હતો
ધોની પોતાના લુકને બદલવામાં પારંગત છે, તેણે ગત IPLની સીઝનની શરૂઆતમાં પણ અલગ હેર-સ્ટાઈલ કરાવી હતી. તેવામાં 14 માર્ચ 2021ના રોજ સોશિયલ મીડિયા પર ધોનીનો મુંડન કરાવેલી તસવીર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં તે બૌદ્ધ ભિક્ષુકના કપડા પહેરીને જંગલમાં તપસ્યા કરતો હોય તેવો જણાઈ રહ્યો હતો. તેવામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી સન્યાસ લીધા પછી ધોનીના આ પ્રકારના ફોટોઝ સામે આવતા મીડિયા અને ક્રિકેટ ફેન્સમાં પણ તે ચર્ચાનો વિષય બન્યો હતો.
IPL ફેઝ-1 પોઝિટિવ કેસ આવતાં સ્થગિત, ફેઝ-2 19 સપ્ટેમ્બરથી શરૂ થશે
તમને જણાવી દઇએ કે IPLનો પહેલો ફેઝ 9 એપ્રિલ 2021થી શરૂ થયો હતો, જેની ઓપનિંગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાઈ હતી, જેમાં RCBની જીત થઈ હતી. જોકે IPLની 14મી સીઝનમાં 29 મેચ રમાયા પછી અલગ-અલગ ટીમના ખેલાડી કોરોના સંક્રમિત આવતાં લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. હવે લીગનો સેકન્ડ ફેઝ 19 સપ્ટેમ્બરે UAEમાં રમાશે.
IPL ફેઝ-2ની ઓપનિંગ મેચ ધોની અને રોહિતની ટીમ વચ્ચે રમાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.