ધોનીનો દેશપ્રેમ:ધોની T-20 વર્લ્ડકપમાં મેન્ટોરની ભૂમિકા માટે કોઈ ફી નહીં લે, જય શાહે આભાર માન્યો

9 દિવસ પહેલા
મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી- ફાઈલ ફોટો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહનું કહેવું છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથે મેન્ટોર તરીકે પસંદ કરાયેલા ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બોર્ડથી કોઈ પણ ચાર્જ નહીં લે. શાહે ANIને જણાવ્યું હતું કે એમ.એસ ધોની ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમના મેન્ટોર તરીકેની તેમની સેવાઓ માટે કોઈ ફી લઈ રહ્યા નથી.

ધોની મેન્ટોરની ભૂમિકામાં નજરે આવશે
ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈ ખાતે થવાનો છે. ધોનીને ટુર્નામેન્ટ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં માર્ગદર્શક તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યા છે. તેઓ ડ્રેસિંગ રૂમમાંથી ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળશે. વર્લ્ડકપ જેવી ટુર્નામેન્ટ માટે માર્ગદર્શક તરીકે એમ.એસ ધોનીની નિમણૂક ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ સકારાત્મક પાસું માનવામાં આવે છે. જણાવી દઈએ કે ધોનીએ 15 ઓગસ્ટ, 2020ના રોજ નિવૃત્તી લીધી હતી.

ફાઈનલ જીતી નથી શકતું ભારત
ભારતે 2017ની ICC ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ, 2019ના વન-ડે વર્લ્ડકપની સેમીફાઈનલ અને આ વર્ષે રમવામા આવેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. જોકે, દરેકની નોકઆઉટ મેચોમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ વખતે ધોનીનો અનુભવ નોકઆઉટ જેવી અગત્યની મેચોમાં ટીમ અને કેપ્ટન કોહલીને કામે આવી શકે છે.

24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ
ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરુઆત 24 ઓક્ટોબરે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ કરશે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો દુબઈના મેદાનમાં રમવામાં આવશે. ત્યાર બાદ 31 ઓક્ટોબરે ન્યુઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમશે.

અન્ય સમાચારો પણ છે...