ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સના હાઈ વોલ્ટેજ મુકાબલા સાથે લીગની શરૂઆત થશે.
41 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીએ આ મુકાબલાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તે સિઝન પહેલાં પ્રેક્ટિસ સેશનમાં ઊતર્યો છે. રવિવારે તેનો પ્રેક્ટિસ કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ધોનીએ બે બોલનો સામનો કર્યો અને બંનેને ટાઈમિંગ કરતા નજરે પડ્યો હતો. CSKએ આ વીડિયો પોસ્ટ કરતા લખ્યું કે 'શુક્રવારની લાગણીને ખરેખર કોઈની સાથે સરખાવી શકાય તેમ નથી.' તેના પર સોશિયલ મીડિયા ફેન્સ મજેદાર જવાબ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પ્લીઝ, એવું ના કહેતા કે ધોનીની આ છેલ્લી સિઝન છે. અન્ય એક યુઝરે લખ્યું, એમએસ ધોનીની લાંબી સિક્સરોને ફરીથી જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
એરપોર્ટ પર શાનદાર વેલકમ આ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીનું ચેન્નઇ એરપોર્ટ પર ફુલોથી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.
ધોનીની છેલ્લી IPL હોઈ શકે છે
ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. ગઈ સિઝનમાં એક મેચ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે સંન્યાસ લઈ શકે છે. ત્યારે ધોનીએ તેના જવાબમાં કહ્યું હતું કે હું જ્યારે પણ સંન્યાસ લઈશ, ત્યારે મારા નજીકના ફેન્સની વચ્ચે લઈશ. આ વખતે CSK લીગની છેલ્લી મેચ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 14 મેના રોજ રમશે. ટીમે 7 મે 2019ના રોજ ઘરઆંગણે મેચ રમી હતી. એવામાં અટકળો લગાવવામાં આવી રહી હતી કે ધોની તે મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી શકે છે, જો કે આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહોતું.
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. તેણે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2019માં વનડે વર્લ્ડકપની સેમીફાઈનલમાં રમી હતી.
CSK ધોનીની કેપ્ટનશિપમાં ચાર વખત ચેમ્પિયન બની છે
ભારતીય લીગમાં CSKની ટીમ MI બાદ સૌથી સફળ ટીમમાંની એક છે. MIએ પાંચ ટાઈટલ જીત્યાં છે, જ્યારે ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં CSKને 4 વખત ચેમ્પિયન બનાવી છે. ધોનીની કેપ્ટનશિપમાં CSKની ટીમે 2010માં પ્રથમ ટાઈટલ જીત્યું હતું. પછી 2011 અને 2018માં ટીમ ધોનીની કેપ્ટનશિપમાં ચેમ્પિયન બની હતી. જ્યારે છેલ્લી વખત તે 2021માં ટાઇટલ જીત્યું હતું. ત્યારે પણ ધોની જ CSKનો કેપ્ટન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.