ડિસિલ્વા રમૂજી રીતે આઉટ થયો:શ્રીલંકન બેટર પોતાની વિકેટ બચાવવા જતાં સ્ટમ્પને બેટ મારી બેઠો, કરિયરમાં બીજીવાર હિટ વિકેટ આઉટ થયો

5 દિવસ પહેલા

મેદાન પર તમે ઘણા બેટરને આઉટ થતા જોયા હશે, પરંતુ શ્રીલંકન ખેલાડી ધનંજય ડિસિલ્વા જેવી રીતે આઉટ થયો છે, તેને જોઈને તમને પણ આશ્ચર્ય થશે. બોલ સરળતાથી સ્ટમ્પ મિસ કરીને જઈ રહ્યો હતો, પરંતુ ડિસિલ્વાએ સામે ચાલીને તેની સાથે ચેડા કર્યા અને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

ગેબ્રિયલની ઓવરમાં ડિસિલ્વા હિટ વિકેટ આઉટ
ગાલેમાં રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી છે. જેમાં પહેલી ઈનિંગની 95મી ઓવરમાં શ્રીલંકન બેટર ધનંજય ડિસિલ્વા વિચિત્ર રીતે હિટ વિકેટ આઉટ થયો હતો. ડિસિલ્વાએ વિંડિઝના બોલર શેનન ગેબ્રિયલના આઉટ સાઈડ ઓફ સ્ટમ્પ શોર્ટ બોલ પર હળવા હાથે શોટ રમ્યો હતો. જેના પરિણામે એડ્જ લીધા પછી બોલ હવામાં ઉછળ્યો હતો. ડિસિલ્વાને લાગ્યું કે આ બોલ કદાચ સ્ટમ્પ પર હિટ થઈ જશે, જેથી તે પોતાની વિકેટ બચાવા બેટ આમ તેમ ફેરવવા લાગ્યો હતો. પરંતુ આ પ્રતિક્રિયાને તેને ઘણી મોંઘી પડી હતી અને બોલ સ્ટમ્પ પર વાગે તે પહેલા બેટ વાગી ગયું અને તે પેવેલિયન ભેગો થયો હતો.

વિચિત્ર રેકોર્ડ પોતાને નામ કર્યો, બીજીવાર હિટ વિકેટ આઉટ
પહેલી ઈનિંગમાં ધનંજય ડિસિલ્વા 95 બોલમાં 61 રન કરી આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વાર છે જ્યારે ડિસિલ્વા હિટ વિકેટ આઉટ થઈ પેવેલિયન ભેગો થયો હતો. આની પહેલા 2019માં ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કની ઓવરમાં તે હિટવિકેટ થયો હતો. તેવામાં ડિસિલ્વા, રોમેશ કાલુવિથારાના પછી શ્રીલંકા તરફથી રમતા 2 વાર હિટ વિકેટ થનારો બીજો ખેલાડી બની ગયો છે. કાલુવિથારાના 1997માં 2 વાર હિટ વિકેટ આઉટ થયો હતો.

ન્યૂઝીલેન્ડ સામે હર્ષલ પણ હિટ વિકેટ આઉટ
હર્ષલ પટેલે ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી T20 મેચમાં તોફાની 18 રનની ઈનિંગ રમી મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જોકે ત્યારપછી હર્ષલ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં હિટ વિકેટ આઉટ થતાં બધા અચંબિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયામાં ફેન્સ તેને હાર્દિક પંડ્યા સાથે સરખાવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે જો T20 ક્રિકેટની વાત કરીએ તો હર્ષલ પટેલ બીજો ઈન્ડિયન પ્લેયર છે, જે હિટ વિકેટ આઉટ થયો છે. તેની પહેલા કે.એલ.રાહુલ આવી રીતે પેવેલિયન ભેગો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...