તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Devon Conway Sold His Fortune To Play International Cricket, Also Leaving The South African Country; Breaking Veteran Records In Debut Test

ન્યૂઝીલેન્ડનો 'રાઈઝિંગ સ્ટાર':ડેવોન કૉનવેએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા માટે સંપત્તિ વેચી, તક ન મળતા દેશ છોડ્યો; ડેબ્યુ ટેસ્ટમાં દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા

13 દિવસ પહેલા
  • ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં કૉનવેએ ઓપનિંગમાં આવીને 200 રન બનાવ્યા, 10મી વિકેટ તેની પડી હતી
  • ન્યૂઝીલેન્ડ આ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 378 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું

ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ડેવોન કૉનવેએ પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં એક પછી એક રેકોર્ડ તોડ્યા હતા. કૉનવેએ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં 200 રન બનાવ્યા હતા. ડેવોન કૉનવેએ પોતાની કારકિર્દીને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડવા માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તે મૂળ સાઉથ આફ્રિકાનો વનતી હતો, પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક ના મળતાં સાઉથ આફ્રિકાને છોડીને ન્યૂઝીલેન્ડ જવાનું પસંદ કર્યું હતું. પોતાના ક્રિકેટપ્રેમને પગલે તેણે ઘર, ગાડી બધું વેચી દીધું હતું. તો ચલો, જાણીએ રાતોરાત સ્ટાર ખેલાડી બની જનાર ડેવોન કૉનવેની કારકિર્દીની સફરને....

ડેવોન ફિલિપ કૉનવેનો જન્મ 8 જુલાઈ 1991ના રોજ સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગમાં થયો હતો. ઓગસ્ટ 2015થી તેણે સાઉથ આફ્રિકાના ઘરેલુ ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું હતું. તેણે 26 વર્ષની ઉંમર સુધી સાઉથ આફ્રિકામાં ગૉટેંગ તરફથી રમવાનું શરૂ કર્યું હતું. આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમવા માટે પોતાની તમામ સંપત્તિ, ઘર અને ગાડી વેચીને સાઉથ આફ્રિકા છોડવાનો નિર્ણય કર્યો હતો. આમ જોવા જઈએ તો સાઉથ આફ્રિકાની ટીમની પ્લેઈંગ-11માં તક ન મળતાં તેણે આ નિર્ણય લીધો હતો. હવે કૉનવે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં વસવાટ કરે છે.

કૉનવે વેલિંગ્ટનનો રન મશીન બન્યો
કૉનવે ઓગસ્ટ 2017માં વેલિંગ્ટન પહોંચ્યો હતો. તે વિક્ટોરિયા યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ સાથે એક ખોલાડી અને કોચ તરીકે જોડાયો હતો. ન્યૂઝીલેન્ડ પહોંચ્યાના 4 દિવસની અંદર તેને ઘર મળી ગયું હતું. 2 વર્ષની અંદર જ પોતાના સારા પ્રદર્શનથી સિલેક્ટરની નજરે ચઢીને ન્યૂઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય જગતમાં સારું સ્થાન મેળવવાનો પ્રમુખ દાવેદાર બની ગયો હતો.

કૉનવેએ વેલિંગ્ટન ફાયરબર્ડસની તરફથી 17 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી, જેમાં તેણે 72.63ની સરેરાશથી 1598 રન બનાવ્યા હતા. કૉનવેએ ઓક્ટોબર 2019માં કેન્ટબરી વિરુદ્ધ 327 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. કૉનવે 2019-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો હતો.

ભવિષ્ય અંગે હું ઘણો ચિંતિત અને અનિશ્ચિત હતોઃ કૉનવે
કૉનવેએ ઈએસપીએનક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું હંમેશાં ઘરેલુ ટીમમાં અંદર-બહાર થતો રહેતો હતો. ટીમમાં મારો બેટિંગ ક્રમાંક પણ નિશ્ચિત નહોતો. મારે અલગ-અલગ ક્રમાંક પર બેટિંગ કરવી પડતી હતી. હું T-20 મેચમાં ઓપનિંગ કરતો હતો. વળી, વનડે મેચમાં પાંચમાં ક્રમાંક પર મને બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતારતા હતા. 4 દિવસીય મેચમાં મને ત્યારે જ સામેલ કરવામાં આવતો હતો જ્યારે ટીમની અંદરથી કોઈ ઈજાગ્રસ્ત હોય અથવા પ્લેઈંગ-11માં કોઈ રમતું ના હોય.

મેં દરેક નંબર પર બેટિંગ કરી હતી, ઘણી વેળાએ તો મને 7મા ક્રમાંક પર પણ બેટિંગ કરવા માટે મોકલી દેવાતો હતો. આટલું જ નહીં, મને બોલિંગ કરવા માટે પણ અનુમતિ પ્રદાન કરવામાં આવતી નહોતી. આ તમામ કારણોસર ભવિષ્ય અંગે હું ઘણો ચિંતિત અને અનિશ્ચિત હતો, જેણે મને આ પ્રમાણેનો નિર્ણય લેવા માટે પ્રેરણા આપી હતી.

ડેવોન કૉનવેએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ડેબ્યુ ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી હતી.
ડેવોન કૉનવેએ ઈંગ્લેન્ડ વિરુદ્ધની ડેબ્યુ ટેસ્ટમાં બેવડી સદી નોંધાવી હતી.

અંતિમ મેચમાં બેવડી સદી નોંધાવી
ડેવોન કૉનવેએ માર્ચ 2017માં વાંડરર્સના મેદાન પર પ્રદર્શન દાખવતા સમયે ગોટેંગ પ્રોવિંસ માટે પોતાની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી. સાઉથ આફ્રિકા માટે કૉનવેની આ છેલ્લી ઈનિંગ હતી. આ પ્રકારની સારી ઈનિંગ રમી હોવા છતાં તેને ઘરેલુ ક્રિકેટથી આગળ વધાવાની તક મળી નહોતી.

કૉનવેએ પ્રાંતીય સ્તરની લેવલ-2 ક્રિકેટમાં સતત રન બનાવ્યા હતા, પરંતુ તે ઉચ્ચ સ્તરીય ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં પ્રાપ્ત થયેલી તકનો લાભ ઉઠાવી શક્યો નહોતો. તે લૉયન્સમાંથી 12 મેચમાં 21.29ની સરેરાશથી જ રન બનાવી શક્યો હતો, જેમાં માત્ર 1 અર્ધસદી સામેલ હતી.

પાર્ટનરના કહેવા પર જોખમ લીધું
ડેવોન કૉનવે માટે કોલપેક અંતર્ગત ઈંગ્લેન્ડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હતો, કારણ કે તે વધુ સમય સુધી ઈંગ્લેન્ડમાં રમતો હતો, પરંતુ પોતાની પાર્ટનર કિમના કહ્યા પર કૉનવેએ ન્યૂઝીલેન્ડ જઈને વસવાટ કરવાનો નિર્ણય કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું.

'કોલપેક' અંગે જાણવા જેવી તમામ વિગતો
યુરોપિયન યુનિયન (EU)માં સામેલ દેશોના નાગરિકોએ યુનિયનના કોઈપણ દેશમાં જઈને કામ કરવાની છૂટ આપવામાં આવે છે, પરંતુ આ કોલપેક ડીલ અંતર્ગત એવા પણ કેટલાક દેશ આવે છે જેનું યુરોપિયન યુનિયન સાથે એગ્રીમેન્ટ હોય છે. આમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે જેવા દેશો સામેલ છે. આ દેશના ખેલાડીઓ યુરોપિયન યુનિયનના દેશોમાં જઈને ક્રિકેટ રમી શકે છે. ત્યાં તેમને વિદેશી ખેલાડીઓ તરીકે માનવામાં આવતા નથી.

કૉનવેએ જણાવ્યું હતું કે વાંડરર્સમાં મારી અંતિમ મેચ પૂર્વે હું મારાં દોસ્ત કિમ સાથે ગોલ્ફ રમી રહ્યો હતો. ત્યારે મેં કિમને કહ્યું હતું કે મને નથી લાગતું કે હવે અહીં મારી કારકિર્દી વધુ આગળ વધી શકશે. મારી કારકિર્દીને યોગ્ય દિશા પ્રાપ્ત થતી નથી.

હું ન્યૂઝીલેન્ડમાં જઈને રમવા ઇચ્છું છું. આ અંગે મારા દોસ્તે કહ્યું કે હા, એમ જ કરવું જોઈએ. પહેલા મને લાગ્યું હતું કે તે મજાક કરી રહી છે, પરંતુ કિમ સિરિયસ હતી. ત્યાર પછી મેં જોખમ લઇને આ નિર્ણય લીધો હતો. મને લાગે છે કે આ મારો લાઈફ ચેન્જિગ નિર્ણય હતો, જેને હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં.

કૉનવેની મહત્ત્વપૂર્ણ ડેબ્યુ ઈનિંગમાં તૂટેલા રેકોર્ડ્સ
ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે 10 વિકેટના નુકસાને 378 રન બનાવ્યા હતા, જેમાં ટીમમાં પોતાની ડેબ્યુ ટેસ્ટ મેચમાં ડેવિડ કૉનવેએ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. કૉનવેએ વિવિધ રેકોર્ડ્સ તોડવાની સાથે પોતાના અંગત 200 રન પણ બનાવ્યા હતા, જેને પરિણામે ન્યૂઝીલેન્ડનો સ્કોર 378 રન પર પહોંચ્યો હતો.

  • ડેવોન કૉનવેએ 125 વર્ષ જૂનો રણજિત સિંહનો રેકોર્ડ અને 25 વર્ષ જૂનો ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો હતો.
  • વર્ષ 1896માં રણજિત સિંહે ઈંગ્લેન્ડની ટીમમાંથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં અણનમ 154 રનની ઇનિંગ રમી હતી.
  • આની પહેલાં લોર્ડ્સના મેદાનમાં પોતાની ડેબ્યુ ટેસ્ટમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 131 રન બનાવ્યા હતા. વર્ષ 1996માં સૌરવ ગાંગુલીએ આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેને 25 વર્ષ પછી ડેવોન કોનવેએ ઓવરટેક કરી દીધી છે.
  • કૉનવેએ 188મો રન નોંધાવીને ધવનને પાછળ છોડી દીધો હતો, જેને કારણે WTC ફાઈનલ અંગે વિરાટ કોહલીની ચિંતામાં પણ વધારો થયો છે.
કૉનવેએ વેલિંગ્ટન ફાયરબર્ડસની તરફથી 17 ફર્સ્ટ ક્લાસ મેચ રમી.
કૉનવેએ વેલિંગ્ટન ફાયરબર્ડસની તરફથી 17 ફર્સ્ટ ક્લાસ મેચ રમી.

કોહલીના પ્રદર્શનથી પ્રભાવિત થયો
કૉનવેએ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને જૉ રૂટ પાસેથી ઘણુ ંબધું શીખ્યું હતું. તેણે આ ત્રણે ખેલાડીઓના પગની મૂવમેન્ટને અનુસરવાનું શરૂ કર્યું હતું, જેમાં તેણે સૌથી પહેલા વિરાટ કોહલીની મૂવમેન્ટને અનુસરી હતી. શરૂઆતમાં તેણે ઘણી તકલીફો સામે આવી અને જેને કારણે તેનું પ્રદર્શન પણ નબળું જણાયું હતું. કોચે પણ તેને આ રણનીતિને દૂર કરવાની સલાહ આપી, પરંતુ તે આ નીતિમાં અડગ રહ્યો હતો.

29 વર્ષીય ડેવોન કૉનવે નવેમ્બર 2020માં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય T-20માં ડેબ્યુ કર્યું હતું. 14 T-20 મેચમાં 59.12ની એવરેજ અને 151.11નો સ્ટ્રાઈક રેટ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 5 T-20 મેચમાં કૉનવેએ 48ની એવરેજથી 192 રન બનાવ્યા હતા. તેણે આ વર્ષે બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડેમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. કૉનવેએ 3 મેચની શ્રેણીમાં 225 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...