MCCએ ક્રિકેટને બચાવવાની અપીલ કરી:ક્રિકેટના નિયમ બનાવનાર સંસ્થાએ કહ્યું- T20 લીગની નાની ટીમ પર પડી રહી છે અસર

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ક્રિકેટના નિયમ બનાવનાર સંસ્થા MCCએ એટલે કે મેરિલેબોન ક્રિકેટ ક્લબે ક્રિકેટને બચાવવાની ICCને અપીલ કરી છે. MCCની WCC વિંગ એટલે કે વર્લ્ડ ક્રિકેટ કમિટીએ કહ્યું હતું કે 'દુનિયાભરમાં T20 લીગની સંખ્યા વધવાના કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ પર તેની અસર પડી રહી છે. લીગ ઉપરાંત મોટી ટીમ જેવી ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા જ પોત-પોતાની રીતે ટેસ્ટ ક્રિકેટ રમે છે. પરંતુ વર્ષ દરમિયાન લીગ હોવાના કારણે નાની ટીમ જેવી કે અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેને મોટી ટીમ સામે ટેસ્ટ રમવાની તક જ મળતી નથી. આ જ કારણે ટીમની વચ્ચે અસમાનતા વધતી જઈ રહી છે અને ICCને ટૂર પ્લાન કરવામાં સમસ્યા નડી રહી છે.'

શું છે MCC?
MCC ક્રિકેટના નિયમો બનાવે છે અને સમયાંતરે ફેરફારો પણ કરે છે. મેરિલેબોન ક્રિકેટ ક્લબ આજથી વર્ષ 1787માં અસ્તિત્વમાં આવી હતી. તેનું મુખ્ય મથક ઇંગ્લેન્ડમાં લોર્ડ્સ ગ્રાઉન્ડ ખાતે છે. ICCના આવ્યા પહેલા MCCના નિયમો પર જ ક્રિકેટ રમાતી હતી. ICC હજુ પણ MCCના નિયમોનું પાલન કરે છે. MCC હજુ પણ ક્રિકેટના નિયમો બનાવે છે, પરંતુ તે ICCથી પસાર થાય છે.

દુબઈમાં બેઠક બોલાવાઈ
MCCએ દુબઈમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કેવી રીતે બચાવી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દર વર્ષે થનારી તમામ લીગ વચ્ચે આવતા 10 વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શું હાલત થશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પ્રાથમિકતા આપવા માટે કંઈક કરવું પડશે.

નાણાકીય રીતે મજબૂત - MCC
MCCએ કહ્યું કે, પૈસાની દૃષ્ટિએ, ક્રિકેટ આ સમયે ક્યારેય સારું રહ્યું નથી. પરંતુ, હવે ICCના દેશોએ સાથે આવવું જોઈએ અને આ નાણાંનો ઉપયોગ બધા વચ્ચે કરવો જોઈએ અને એકબીજાને મદદ કરવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સુધારણા માટે કામ કરવું જોઈએ.

વુમન્સ ક્રિકેટમાં યોગ્ય સંતુલન આવવા લાગ્યું - MCC
MCCએ કહ્યું હતું કે વુમન્સ ક્રિકેટમાં અત્યારે સારું સંતુલન છે. ICCને વુમન્સ FTP એટલે કે ટૂર પ્રોગ્રામ બનાવવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો નથી. પરંતુ, વુમન્સ ક્રિકેટમાં પણ ખેલાડીઓ લીગ તરફ આકર્ષાય રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

MCCએ વધુમાં કહ્યું કે, વુમન્સ ક્રિકેટમાં મેન્સ ક્રિકેટની જેમ હવે આવકમાં સમાનતા આવવા લાગી છે. વુમન્સ ક્રિકેટમાં પૈસાને લઈને કોઈપણ પ્રકારની ચિંતા નથી.

ટેસ્ટ ક્રિકેટ સૌથી મહત્વપૂર્ણ છે - ગાંગુલી
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને WCC સભ્ય સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું હજુ પણ માનું છું કે ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો તબક્કો છે. ત્યાં જ તમને મહાન ખેલાડીઓ મળે છે અને તેથી જ તેને ટેસ્ટ કહેવામાં આવે છે. તે કૌશલ્યની કસોટી છે.

49% ખેલાડીઓ માટે દેશથી ઉપરની T20 લીગ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સની સંસ્થા FICAના સર્વે અનુસાર, 49% ક્રિકેટરોએ કહ્યું- તેઓ IPL, BBL જેવી ફ્રેન્ચાઇઝી લીગ રમવા માટે દેશના કેન્દ્રીય કરારને પણ નકારી શકે છે. જો તેમને આ લીગમાં તેમના દેશ કરતા વધુ પૈસા મળશે તો તેઓ લીગ રમવાનું પસંદ કરશે.

હાલમાં જ ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, જેના કારણે તેને ભારત સામેની વન-ડે અને T20 સિરીઝમાં ટીમનો ભાગ બનાવવામાં આવ્યો નહોતો. બોલ્ટની ટીમના સાથી માર્ટિન ગપ્ટિલને ખરાબ ફોર્મના કારણે પસંદ કરવામાં આવ્યો નહોતો. જે બાદ તે વિદેશી લીગ રમવા ગયો હતો. આ માનસિકતાની અસર અન્ય સ્ટાર ખેલાડીઓ પર જોવા મળી છે. જેના કારણે ક્યારેક ખેલાડીઓ તો ક્યારેક તેમના દેશને નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...