એશિયા કપ ફાઇનલના ટોપ-5 મોમેન્ટ્સ:શાદાબ આસિફ સાથે ટકરાયો અને લોહી નીકળ્યું, મધુશંકાએ બોલ ફેંક્યા વિના 9 રન દઈ દીધા

14 દિવસ પહેલા

એશિયા કપ 2022નું ચેમ્પિયન શ્રીલંકા બન્યું છે. તેણે ફાઈનલમાં પાકિસ્તાનને 23 રને હરાવીને છઠ્ઠીવાર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. શ્રીલંકાની ટીમ અફઘાનિસ્તાન સામેની એશિયા કપની પ્રથમ મેચ હારી હતી. પણ પછી તે પૂરી ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર દેખાવ કરીને ચેમ્પિયન બની હતી.

પાકિસ્તાન અને શ્રીલંકા બન્ને ટીમ વચ્ચે રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં અમુક શાનદાર મોમેન્ટ્સ જોવા મળ્યા હતા. અમે તમને મેચના 5 મોમેન્ટ્સ વિશે જણાવીશું...

મેચની પહેલી જ ઓવરમાં નસીમે મેન્ડિસને બોલ્ડ કર્યો

નસીમ શાહે પાકિસ્તાનને સફળતા અપાવી હતી. તેણે કુસ મેન્ડિસને બોલ્ડ કર્યો હતો.
નસીમ શાહે પાકિસ્તાનને સફળતા અપાવી હતી. તેણે કુસ મેન્ડિસને બોલ્ડ કર્યો હતો.

એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે પાકિસ્તાનની બોલિંગની શરૂઆત યુવા ફાસ્ટ બોલર નસીમ શાહે કરી હતી. તેણે ઓવરના ત્રીજા બોલ પર શ્રીલંકાના ઓપનર કુસલ મેન્ડિસને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે એ બોલ 142 કિમીની ઝડપે નાખ્યો હતો.

એ બોલ ઇનસ્વિંગ આવ્યો હતો અને કુસલ મેન્ડિસ એ બોલને સમજી શક્યો નહોતો અને તે ક્લીન બોલ્ડ થયો હતો. આ વિકેટ સાથે જ નસીમ શાહે મેચમાં પાકિસ્તાનને શાનદાર શરૂઆત અપાવી હતી.

કુસલ મેન્ડિસ નસીમના બોલને સમજી શક્યો નહોતો અને ક્લીન બોલ્ડ થયો હતો.
કુસલ મેન્ડિસ નસીમના બોલને સમજી શક્યો નહોતો અને ક્લીન બોલ્ડ થયો હતો.

શાદાબ ખાને અમ્પાયરની આંગળી પકડીને શ્રીલંકાના બેટ્સમેનને આઉટ દેવાની અપીલ કરી

શાદાબ ખાને મજાકમાં અમ્પાયરની આંગળી પકડીને આઉટ આપવાની અપીલ કરી હતી.
શાદાબ ખાને મજાકમાં અમ્પાયરની આંગળી પકડીને આઉટ આપવાની અપીલ કરી હતી.

પાવરપ્લેમાં શ્રીલંકાની એક પછી એક વિકેટ પડતી હતી, પરંતુ મેચમાં એક મજેદાર ક્ષણ જોવા મળી હતી. શાદાબ ખાને અમ્પાયરનો હાથ પકડીને જબરદસ્તી બેટરને આઉટ કરવાની અપીલ કરી હતી. વાત એમ છે કે મેચની છઠ્ઠી ઓવરમાં હારિસ રઉફે ભાનુકા રાજપક્ષેને એક શાનદાર યોર્કર નાખ્યો હતો, જેના પર પાકિસ્તાનના ખેલાડીઓએ LBW માટે જોરદાર અપીલ કરી હતી, પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ આપ્યો હતો.

આ પછી પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે DRS લીધો હતો. જોકે થર્ડ અમ્પાયરે પણ તેને નોટઆઉટ જાહેર કર્યો હતો, પરંતુ શાદાબ ખાન વિકેટ લેવા માટે એટલો ઉત્સુક હતો કે તેણે મજાકમાં ઓન-ફિલ્ડ અમ્પાયરની આંગળી પકડીને બેટરને આઉટ દેવાની માગણી કરી હતી.

ભાનુકા રાજપક્ષેનો કેચ છોડ્યો અને શાદાબ ઈજાગ્રસ્ત થયો

રાજપક્ષેનો કેચ પકડવા જતાં આસિફ અલી અને શાદાબ ખાન એકબીજા સાથે અથડાયા હતા.
રાજપક્ષેનો કેચ પકડવા જતાં આસિફ અલી અને શાદાબ ખાન એકબીજા સાથે અથડાયા હતા.

શ્રીલંકાની ઇનિંગની 19મી ઓવરના છેલ્લા બોલ પર રાજપક્ષેની સામે બોલિંગમાં હારિસ રઉફ હતો. શ્રીલંકાને સારા સ્કોર સુધી પહોંચાડવા માટે રાજપક્ષેએ મિડ વિકેટ પર છગ્ગો ફટકારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બોલ બાઉન્ડરીની પહેલાં જ આસિફ અલી કેચ પકડી લેત, પણ બીજી તરફથી શાદાબ ખાન ડાઈવ મારીને આવ્યો હતો અને તે આસિફ અલી સાથે ટકરાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે શાદાબના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ કારણથી મેચને 10-15 મિનિટ સુધી રોકવી પડી હતી.

આ કેચ છોડવો પાકિસ્તાનને ભારે પડ્યો હતો. રાજપક્ષે એ સમયે 57 રન ઉપર બેટિંગ કરી રહ્યો હતો. આ પછી તેણે છેલ્લી ઓવરમાં 14 રન બનાવ્યા હતા, જેના લીધે શ્રીલંકા 170ના સ્કોર સુધી પહોંચી શક્યું હતું.

મધુશંકાએ 11 બોલની એક ઓવર ફેંકી

મધુશંકાએ પહેલી ઓવરમાં 4 વાઈડ અને 1 નો-બોલ નાખ્યો હતો.
મધુશંકાએ પહેલી ઓવરમાં 4 વાઈડ અને 1 નો-બોલ નાખ્યો હતો.

પાકિસ્તાનને એશિયા કપ જીતવા માટે 171 રનનો ટાર્ગેટ ચેઝ કરવાનો હતો. દિલશાન મધુશંકા પહેલી ઓવર નાખવા આવ્યો હતો. તે ફાઈનલ મેચનું પ્રેશરને હેન્ડલને કરી શક્યો નહોતો અને પહેલી ઓવરમાં તેણે 11 બોલ ફેંક્યા હતા. ઇનિંગ્સના પહેલો જ બોલ તેણે નો બોલ નાખ્યો હતો. આ પછી તેણે વાઈડ બોલની લાઈન લગાવી દીધી હતી.

0.1: મધુશંકાએ બેક ઑફ ધ લેન્થ બોલ નાખ્યો હતો. બોલ નાખવા સમયે તેણે નો બોલ નાખ્યો હતો.

0.1: બીજી વખત તેણે શોર્ટ બોલ નાખ્યો હતો અને અમ્પાયરે એ બોલને વાઈડ બોલ આપ્યો હતો.

0.1: રિઝવાન મેચની પહેલી બોલ રમવા માટે તૈયાર હતો, પરંતુ તેણે ફરી એકવાર વાઈડ બોલ નાખ્યો હતો.

0.1: મધુશંકાએ ફરી એકવાર લેગ સાઈડ પર બોલ નાખ્યો હતો અને એ વાઈડ ગયો હતો. આ ઉપરાંત બોલ એટલો વાઈડ હતો કે એ બોલમાં પાકિસ્તાનને ચોગ્ગો પણ મળ્યો હતો.

0.1: અત્યારસુધીની પાકિસ્તાનના ઇનિંગમાં એકપણ લીગલ ડિલિવરી ફેંકાય નહોતી અને પાકિસ્તાનનો સ્કોર 8 રન થઈ ગયો હતો. મધુશંકાએ ફરી એકવાર વાઈડ બોલ નાખ્યો હતો. આ પછી વિકેટકીપર મેન્ડિસ અને કેપ્ટન શનાકાએ તેને સમજાવ્યો હતો. ત્યારે જઈને તેણે પહેલી લીગલ ડિલિવરી બોલ ફેંકી હતી. ત્યારે પાકિસ્તનનો સ્કોર 1 બોલ પર 10 રન થઈ ગયો હતો.​​​​​​​

પ્રમોદ મદુશનની શાનદાર બોલિંગ​​​​​​​​​​​​​​

પ્રમોદ મદુશને મેચમાં 4 વિકેટ ઝડપીને શ્રીલંકાની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
પ્રમોદ મદુશને મેચમાં 4 વિકેટ ઝડપીને શ્રીલંકાની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

પાકિસ્તાનની ઇનિંગની ચોથી ઓવર પ્રમોદ મદુશને કરી હતી. પહેલી જ ઓવરમાં 4 વાઈડ અને એક નો-બોલ આપ્યા પછી શ્રીલંકાની શરૂઆત સારી રહી નહોતી. ક્રીઝ પર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન હતા. મદુશને બાબરને લેગ સ્ટંપ પર બોલ નાખ્યો હતો, જેને બાબર ફ્લિક કરવા ગયો હતો. ફાઈન લેગ પર ઊભેલા મધુશંકાએ કેચ પકડી લીધો હતો.

બીજી બોલ પર ફખર ઝમન કવર ડ્રાઈવ કરવામાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. ફાઈનલમાં મદુશન શ્રીલંકાનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી.