ક્રિસ હવે ક્રિકેટની ક્રિઝની બહાર:દક્ષિણ આફ્રિકન ઓલરાઉન્ડર મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહ્યું, હવે કોચિંગ કરતા દેખાશે

9 દિવસ પહેલા

દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેને 2021 T20 વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમમાં જગ્યા મળી નહોતી. IPLના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ હવે કોચિંગ કરતો નજરે પડશે. 2021 સીઝન માટે, રાજસ્થાન રોયલ્સે તેને 16.25 કરોડમાં ખરીદ્યો હતો, જોકે આ નિર્ણયે બધાને ચોંકાવી દીધા હતા. મોરિસે ટૂર્નામેન્ટના ફેઝ-1માં પોતાના પ્રદર્શનથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

ફેઝ-2માં કંઈ ખાસ કરી શક્યો નહીં
IPLના ફેઝ-1માં તેણે 7 મેચમાં 14 વિકેટ લીધી હતી. જોકે, બીજા ફેઝ દરમિયાન તેનું પ્રદર્શન પહેલા જેવું રહ્યું નહોતું. તે 4 મેચમાં માત્ર એક જ વિકેટ લઈ શક્યો હતો.
આ સીઝનની IPLમાં રાજસ્થાને તેને રિલીઝ કર્યો છે.

  • આવતા વર્ષે આયોજિત IPL મેગા ઓક્શનમાં ભાગ્યે જ કોઈ ટીમ તેના પર આટલા પૈસા ખર્ચશે એમ લાગી રહ્યું હતું.
  • હવે અનુમાન લગાવાઈ રહ્યું છે કે મોરિસ આ નિર્ણય સાથે IPLની કોઈ ટીમ સાથે કોચિંગ સ્ટાફમાં જોડાઈ શકે છે.

2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર મોરિસે દક્ષિણ આફ્રિકા માટે 4 ટેસ્ટ, 42 ODI અને 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 12, 48 અને 34 વિકેટ ઝડપી છે. ઉપરાંત, તેણે ત્રણેય ફોર્મેટમાં કુલ 773 રન કર્યા છે.

હવે મોરિસ કોચિંગ કરતો જોવા મળશે
34 વર્ષીય મોરિસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાણકારી આપી હતી. તે હવે આફ્રિકાની હોમ ટીમ ટાઇટન્સ ક્રિકેટમાં કોચની ભૂમિકા ભજવતો જોવા મળશે. દક્ષિણ આફ્રિકાના સિલેક્ટર્સે લાંબા સમયથી મોરિસની અવગણના કરી હતી. તેને સૌથી મોટો ફટકો ત્યારે લાગ્યો જ્યારે T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં તેની ટીમમાં પસંદગી થઈ નહોતી. તે જ સમયે, IPLનો બીજો ફેઝ પણ તેના માટે ખાસ રહ્યો નહોતો. આવી સ્થિતિમાં મોરિસે રાજસ્થાન રોયલ્સમાંથી રિલીઝ થયા પછી નિવૃત્તિનો નિર્ણય લીધો છે.

મોરિસે જુલાઈ 2019માં દક્ષિણ આફ્રિકા માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારપછી તેને ક્યારેય આફ્રિકન ટીમ માટે રમવાની તક મળી નથી.

અન્ય સમાચારો પણ છે...