ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. સોમવારે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચ બાદ ભારતે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. મેચ દરમિયાન એક ઘટનાએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. મેદાનમાં હાજર લોકોએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
મેચ બાદ જ્યારે કેપ્ટન રોહિત શર્માને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેને આ અંગે કંઈ ખબર નથી.
અમદાવાદ સ્ટેડિયમમાં શું થયું...
ટેસ્ટના પ્રથમ દિવસે જ્યારે બ્રેક ચાલી રહ્યો હતો ત્યારે સૂત્રોચ્ચારની ઘટના બની હતી. મો. શમી ચેતેશ્વર પૂજારા, કુલદીપ યાદવ, સૂર્યકુમાર, શુભમન ગિલ, ઉમેશ યાદવ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ સાથે બાઉન્ડ્રી નજીક હાજર હતા. સ્ટેન્ડ પર હાજર દર્શકો ભારતીય ટીમને ચીયર કરી રહ્યા હતા.
આ દરમિયાન કેટલાક લોકો જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. થોડીવાર સૂત્રોચ્ચાર કર્યા બાદ ભીડે શમીના નામનો જયઘોષ પણ શરૂ કર્યો હતો. એક વ્યક્તિએ પોકાર કર્યો- શમી... જય શ્રી રામ.
જય શ્રી રામના નારા પર રોહિત શર્માએ શું કહ્યું...
રોહિતે કહ્યું- મને જય શ્રી રામના નારા બાબતે ખબર નથી. મેં પહેલી વાર જ સાંભળ્યું છે. મને ખબર નથી કે ત્યાં શું થયું હતું
મેચ અંગે રોહિતે કહ્યું કે અમારી સામે પડકારો આવ્યા, પરંતુ અમે તેનો મક્કમતાથી જવાબ આપ્યો. પ્રથમ બે ટેસ્ટ અમારા માટે ખાસ રહી છે. મને લાગે છે દિલ્હી ટેસ્ટ મેચ કંઈક આવી હતી જેના પર મને ખરેખર ગર્વ છે. અમે તે મેચમાં ઘણા પાછળ હતા અને તે સ્થિતિમાંથી પાછા આવવા માટે અમે જે એટિટ્યુડ બતાવ્યો, તે બરાબર હતો.
ભારત 2-1થી સિરીઝ જીત્યું
ભારતે ઓસ્ટ્રેલિયા સામે સતત ચોથી વખત ટેસ્ટ સિરીઝ જીતી. 4 મેચોની સિરીઝની છેલ્લી મેચ ડ્રો રહી છે. એવામાં સિરીઝ 2-1થી ભારતના નામે રહી છે. ટીમ ઈન્ડિયા કાંગારુંઓ સામે સતત ચોથી મેચ જીતનારી એશિયાની પ્રથમ ટીમ બની ગઈ છે.
એટલું જ નહીં, ભારતે સતત છઠ્ઠી વખત ઘરઆંગણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પોતાના નામે કરી છે. આ પહેલાં ટીમ ઈન્ડિયાને 2004માં ઘરઆંગણે હારનો સામનો કરવા પડ્યો હતો.
બંને કેપ્ટનોની પરસ્પર સંમતિથી મેચ વહેલીતકે પૂરી થઈ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 175/2 પર ડિકલેર કર્યો હતો. કોઈ પરિણામ ન જોઈને બંને કેપ્ટનોએ એક કલાક પહેલેથી જ પરસ્પર સંમતિથી મેચ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ માર્નસ લાબુશેન 63 અને સ્ટીવ સ્મિથ 10 રને અણનમ પરત ફર્યા હતા. લાબુશેનની આ ટેસ્ટમાં 15મી અને ભારતમાં પ્રથમ ફિફ્ટી છે.
આ પહેલાં, ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરતા 480 રનોનો મજબૂત સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 571 રન બનાવતા પ્રથમ ઈનિંગમાં 91 રનની સરસાઈ મેળવી હતી. સોમવારે, મેચના અંતિમ દિવસે, કાંગારુંઓએ 3/0ની તેમની બીજી ઇનિંગ્સને આગળ વધારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.