એશિયા કપમાં પૈસાનો વરસાદ:ચેમ્પિયન શ્રીલંકાને મળ્યા કરોડો રૂપિયા, પાકિસ્તાન પણ માલામાલ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટને 12 લાખ

20 દિવસ પહેલા

એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવી છઠ્ઠી વખત ટાઈટલ જીત્યું છે. પહેલા બેટિંગ કરી શ્રીલંકાએ 170/6 રન ફટકાર્યા હતા.તેના જવાબમાં પાકિસ્તાન ની ટીમ 20 ઓવરમાં માત્ર 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

શ્રીલંકાના બે ખેલાડી ભાનુકા રાજપક્ષે અને વાનિંદુ હસરંગાએ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું. રાજપક્ષેએ 45 બોલમાં 71 રન માર્યા. જ્યારે હસરંગાએ માત્ર 21 બોલમાં શાનદાર 36 રન ફટકાર્યા. સાથે જ એક ઓવરમાં તેણે 3 વિકેટ પણ લીધી. શ્રીલંકાની આ જીત પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલે ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો. ચાલો જાણીયે કોને કેટલા પૈસા મળ્યા...

શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમ થઈ માલામાલ
જીત પછી એશિયન ક્રિકેટ કાઉન્સિલે ચેમ્પિયન શ્રીલંકાને ટ્રોફીની સાથે લગભગ 1 કરોડ 19 લાખ રૂપિયા પણ આપ્યા છે. જ્યારે રનરઅપ પાકિસ્તાનને લગભગ 59.74 લાખ રૂપિયાની ઈનામની રકમ મળી છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ વાનિંદુ હસરંગાને 11.94 લાખ અને પ્લેયર ઓફ ધ મેચ ભાનુકા રાજપક્ષેને 3.98 લાખ રૂપિયા મળ્યા છે.

રાજપક્ષેએ 9 બાઉન્ડ્રી ફટકારી
પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા ભાનુકા રાજપક્ષેએ 157.77ની સ્ટ્રાઈક રેટથી 71 રન બનાવ્યા. રાજપક્ષેની સારી બેટિંગને કારણે જ શ્રીલંકાની ટીમ 170 રનનો સ્કોર બનાવી શકી. રાજપક્ષેની અડધી સદીની ઈનિંગમાં 9 બાઉન્ડ્રી હતી. જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.

બોલ અને બેટ બંનેથી હસરંગાનો દબદબો
શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાએ પૂરી ટુર્નામેન્ટમાં બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું. 25 વર્ષના ખેલાડીએ ટુર્નામેન્ટમાં 66 રન બનાવ્યા અને 9 વિકેટ પણ લીધી. ફાઈનલમાં તેની 3 વિકેટે આખી મેચ બદલી નાખી.

તેણે પાકિસ્તાનની ઇનિંગની 17મી ઓવરમાં ત્રણ બેટ્સમેન રિઝવાન (55), આસિફ અલી (0) અને ખુશદિલ શાહ (2)ને આઉટ કર્યા હતા. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો અને તે પછી પાકિસ્તાન વાપસી કરી શક્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...