નિર્ણયો પર સવાલ:ઋષભ પંત માટે બોલિંગ ચિંતાનો વિષય, ઉમરાનને તક મળી શકે છે

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારત અને દ.આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ આજે
  • 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે મહેમાન ટીમ

ભારત અને દ.આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ રવિવારે કટકમાં રમાશે. પ્રથમ ટી-20 મેચ જીતી દ.આફ્રિકા 5 મેચની સીરિઝમાં 1-0થી આગળ છે. દિલ્હીમાં યોજાયેલી મેચમાં પંતની કેપ્ટન્સી અને ઝડપી બોલિંગ લયમાં ન જોવા મળી. એવામાં ભારતે બીજી ટી-20 જીતવા માટે ઝડપી બોલર્સના પ્રદર્શનમાં સુધાર કરવો પડશે. બીજી મેચમાં પ્રથમ મેચની ભૂલો થશે તો સીરિઝમાં આગળ કમબેક કરવું મુશ્કેલ બનશે.

સીરિઝના 1 દિવસ અગાઉ રાહુલ ઈજાગ્રસ્ત થતા પંતને કેપ્ટન્સી મળી હતી. બોલર્સના ખરાબ પ્રદર્શનને કારણે 211 રનનાં સ્કોર બાદ પણ ટીમે હારનો સામનો કરવો પડ્યો. આવેશને બાદ કરતા તમામ બોલર્સે 10થી વધુની ઈકોનોમીથી રન આપ્યા. પંતને લિમિટેડ ઓવર્સ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના ભાવિ કેપ્ટન મનાતો હતો, તેની કેપ્ટન્સીમાં IPLમાં દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહીં. આ કારણે તેનો દાવો થોડો નબળો પડ્યો છે. હાર્દિકે ટીમને ચેમ્પિયન બનાવી કેપ્ટન્સીથી પ્રભાવિત કર્યો હતો. એવામાં બીજી ટી-20માં જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરશે તો પંત પર અમુક અંશે દબાણ જોવા મળી શકે છે.

શ્રેયસ ઝડપી બોલર્સ વિરુદ્ધ સંઘર્ષ કરી રહ્યો છે
પૂર્વ ઓપનર વસીમ જાફરે શ્રેયસ અય્યરની બેટિંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, શ્રેયસને ઝડપી બોલર્સ વિરુદ્ધ પોતાની રમતમાં સુધાર કરવો પડશે. જાફરે કહ્યું કે,‘શ્રેયસ બહાર નીકળી ઓફ સાઈડ રમવા માગે છે. આ દરમિયાન તે ઝડપી બોલર્સ વિરુદ્ધ વધુ બાઉન્ડ્રી નથી ફટકારી શકતો. તેણે અમુક નવા શૉટ્સ શીખવા પડશે જેથી ઝડપી બોલર્સ સામે વધુ રન કરી શકે.’ૉ

પંતની કેપ્ટન્સી પર સવાલ ઉઠ્યા
પ્રથમ ટી-20માં કેપ્ટન્સી ડેબ્યૂમાં પંત દબાણમાં જોવા મળ્યો હતો. તેના ઘણા નિર્ણયો પર સવાલ પણ ઉઠ્યા. IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ચહલને તેણે માત્ર 2 ઓવર જ આપી હતી. તેની માટે બીજી મેચમાં પણ બોલિંગ જ ચિંતાનો વિષય રહેશે, ખાસ કરીને ઝડપી બોલર. પ્રથમ મેચમાં ત્રણેય બોલર્સ મોંઘા સાબિત થયા હતા. એવામાં જમ્મુ-કાશ્મીરના ઉમરાન મલિકને બીજી મેચમાં તક મળી શકે છે. તેણે પ્રેક્ટિસમાં 160+ કિ.મી.ની ગતિએ બોલ નાંખ્યો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ડાબોડી ઝડપી બોલર અર્શદીપ સિંહ પણ પ્લેઈંગ-11માં સ્થાન મેળવવાની રેસમાં છે. આ મામલે ઝડપી બોલર ભુવનેશ્વરે કહ્યું કે,”ખરાબ બોલિંગને કારણે અમે પ્રથમ મેચ હાર્યા. બોલિંગ સારી ન હોય તો કેપ્ટન કંઈ ન કરી શકે.”

અન્ય સમાચારો પણ છે...