વર્લ્ડ કપની પ્રેક્ટિસ ભારતમાં:ઓસ્ટ્રેલિયામાં બાઉન્સ મોટો પડકાર હશે છતાં ભારતીય ટીમ ચિંતામુક્ત કેમ છે એ જાણો

6 દિવસ પહેલા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મંગળવારથી મોહાલીમાં ત્રણ T20 મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. ત્યાર બાદ ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સાથે પણ T20 અને વન-ડેની શ્રેણી ભારતમાં રમશે.

કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ ત્રણ મેચની શ્રેણીનું આયોજન એટલા માટે કર્યું છે, જેથી ભારતની ટીમને આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપની પ્રેક્ટિસ થઈ શકે, પરંતુ સૌથી મોટો સવાલ તો એ છે કે ઓસ્ટ્રેલિયાની કંડિશન ભારતની પરિસ્થિતિથી અલગ છે. ત્યાંની પિચ પર બોલરોને વધારે બાઉન્સ મળે છે. ભારતમાં બોલ વધારે મહેનત કર્યા બાદ ઊછળે છે. તો પછી ભારતની ફ્લેટ પિચ પર રમીને વર્લ્ડ કપની પ્રેક્ટિસ કેવી રીતે મેળવી શકાય?

આ સવાલ પર વિસ્તૃત જવાબ આ આર્ટિકલમાં જાણીશું. આ સાથે તમને એ પણ ખબર પડશે કે ભારતમાં ટી20 મેચ ઓસ્ટ્રેલિયાની મેચોથી કેવી રીતે અલગ છે.

ટીમ કોમ્બિનેશન પર ફોકસ
ભારતીય ટીમનું ફોકસ હાલ કંડિશનથી વધારે કોમ્બિનેશન પર છે. એશિયા કપમાં ભારતની ટીમ ફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. આનું સૌથી મોટું કારણ એ સામે આવ્યું કે ટીમની થિંક ટેન્ક હજુ સુધી એ શોધી શકી નથી કે બેસ્ટ કોમ્બિનેશન કયું છે. કોની જોડે ઓપન કરાવવું અને કોને મિડલ ઓર્ડરમાં મોકલવો.

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દ્વારા તેના શ્રેષ્ઠ ટીમ સંયોજનને જાણવા માગે છે. આ જ કારણ છે કે ભારતે આ બંને શ્રેણી માટે લગભગ એક જ ટીમ પસંદ કરી છે, જે વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા જશે.

T20 ક્રિકેટમાં મોટા ભાગના દેશો બેટિંગ ફ્રેન્ડલી પિચ બનાવે છે
વર્લ્ડ કપની પ્રેક્ટિસ ભારતમાં મેચ રમીને કરવાનું બીજું કારણ એ છે કે T20 પિચ ગમે ત્યાં હોય, પણ પિચ બેટિંગને અનુકૂળ હોય છે. ઓસ્ટ્રેલિયામાં બાઉન્સ વધારે હશે, પણ પરિસ્થિતિ એટલી પણ ખરાબ નહીં હોય કે એશિયાઈ ખેલાડીઓ રમી ન શકે, તેથી ઓસ્ટ્રેલિયા ઈચ્છે તોપણ આવી પિચો બનાવી શકતું નથી, જ્યાં ભારત સહિત એશિયાના તમામ દેશોના બેટરને મુશ્કેલી પડે છે.

બાઉન્સથી હવે ભારતીય ખેલાડીઓને ડર નથી લાગતો
વર્લ્ડ કપ પ્રેક્ટિસ માટે બાઉન્સ કંડિશન પાછળ ન ભાગવાનું ત્રીજું કારણ એ છે કે ભારતીય બેટર છેલ્લા સમયથી બાઉન્સનો સામનો કરતા શીખી ગયા છે. હાલમાં ભારતીય ટીમ વિશ્વની એકમાત્ર એવી ટીમ છે, જેણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર સતત બે વખત ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સિવાય છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓસ્ટ્રેલિયામાં ભારતનું પ્રદર્શન ODI અને T20 ક્રિકેટમાં પણ સારું રહ્યું છે.

હવે જાણીએ ભારત અને ઓસ્ટ્રેલિયામાં યોજાનારી મેચમાં શું અલગ છે

  • ભારતમાં અત્યારસુધી 111 T20 ઈન્ટરનેશનલ મેચ યોજાઈ છે, જેમાં 8.15 પ્રતિ ઓવરની એવરેજથી રન બન્યા છે. ઓસ્ટ્રેલિયામાં અત્યારસુધી 54 T20 ઈન્ટરનેશનલ મેચ યોજાઈ છે, જ્યાં 7.91 રન પ્રતિ ઓવરની એવરેજથી રન બન્યા છે.
  • ભારતની મેચોમાં ઝાકળની ભૂમિકા ખૂબ મહત્ત્વની હોય છે. રાત્રે ઝાકળ પડવાને કારણે બોલ ભીનો થઈ જાય છે અને પકડવામાં મુશ્કેલી પડે છે. ઓસ્ટ્રેલિયામાં ઝાકળની સમસ્યા બહુ નથી. એટલા માટે આખી 40 ઓવરની સ્થિતિ એક સરખી રહે છે.
  • ઓસ્ટ્રેલિયામાં 54 T20 ઈન્ટરનેશનલ મેચમાં બેટરોએ 63 વખત 50+ સ્કોર બનાવ્યો છે, જેમાં 3 સદી અને 60 અડધી સદીનો સમાવેશ થાય છે, એટલે ત્યાં એક મેચમાં એવરેજ 1.16 વખત બેટર 50+ સ્કોર બનાવે છે.
  • ભારતમાં 111 મેચમાં 1178 વિકેટ પડી છે (રન આઉટ વગર), એટલે કે પ્રત્યેક મેચમાં 10.6 વિકેટ બોલર લેય છે. ઓસ્ટ્રેલિયામાં 54 મેચમાં 601 વિકેટ બોલરોએ લીધી છે, એટલે કે પ્રત્યેક મેચમાં લગભગ 11.13 વિકેટ બોલર લેય છે.

ઉપરોક્ત ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય પરિસ્થિતિઓ વધુ બેટિંગ ફ્રેન્ડલી છે. એ જ સમયે ઓસ્ટ્રેલિયામાં બોલરોને વધુ મદદ મળી રહી છે. જોકે તફાવત બહુ નથી. તેથી વર્લ્ડ કપ પહેલાં ભારત કે ઓસ્ટ્રેલિયામાં મેચ પ્રેક્ટિસ કરવામાં આવે છે કે કેમ, એનાથી ભારતીય મેનેજમેન્ટને બહુ ફરક પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...