ટીમ ઈન્ડિયાને ધોની-યુવરાજ જેવા ખેલાડીઓની જરૂર છે:બંનેની પાવર હિટિંગની દુનિયા દિવાની હતી, જાણો એનાં 3 કારણ- કેમ પડી રહી છે આજે તેમની ખોટ

સ્પોર્ટ્સ ડેસ્ક3 મહિનો પહેલા

13 ફેબ્રુઆરી 2006નો દિવસ. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રેણીની ત્રીજી વન-ડે રમાઈ રહી હતી. પ્રથમ બેટિંગ કરતાં પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 288 રન બનાવ્યા હતા. શોએબ મલિકે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ 190 રનમાં ગુમાવી દીધી હતી.

સચિન તેંડુલકર 95 રન બનાવીને આઉટ થઈ જતાં ભારતીય ચાહકોની આશાનો ઝટકો લાગ્યા હતો. તેના સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહોતો. એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે, પરંતુ એ દિવસે ભારતના બે એવા સુપરસ્ટાર સામે આવ્યા, જેમણે આવનારા દિવસોમાં ભારતને અસંખ્ય મેચોમાં જીત અપાવી. આ ખેલાડીઓ મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ હતા.

બંને વચ્ચે 102 રનની ભાગીદારી થઈ હતી અને ભારતે 47.4 ઓવરમાં 292 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ધોની માત્ર 46 બોલ પર 72 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. જ્યારે યુવરાજના બેટમાંથી 79 રન બનાવ્યા હતા.

આ બંને ખેલાડી ફિનિશર તેમજ મલ્ટી- ટેલન્ટેડ હતા. ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી પણ બહાર થઈ ગઈ છે. જો આપણે ઓક્ટોબરમાં વર્લ્ડ કપ જીતવો હોય તો આવા ખેલાડીઓની જરૂર છે. આપણે આ કેમ કહી રહ્યા છીએ. ચાલો... 3 મુદ્દામાં સમજાવીએ...

3. બંને શાનદાર પાવર હિટર્સ
ટીમ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી રિષભ પંતને ટી-20 ક્રિકેટમાં પાવર હિટર બેટ્સમેન તરીકે તૈયાર કરી રહી છે, પરંતુ તે સતત નિષ્ફળ થઈ રહ્યો છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 126 છે. પંત ઉપરાંત હાર્દિક પંડ્યાની હાલત પણ કંઈક એવી જ છે. ઈજાને કારણે તે લાંબા સમયથી ટીમની બહાર હતો અને જ્યારે તે પાછો ફર્યો છે ત્યારે તેના પ્રદર્શનમાં કંઈ વિશેષ દેખાતું નથી.

જ્યારે આ બંનેને યુવરાજ અને ધોનીના વિકલ્પ તરીકે પણ માનવામાં આવે છે. જ્યારે યુવરાજ અને ધોની બેટિંગ કરતા હતા ત્યારે તેમની પાવર હિટિંગ બેટિંગની આખી દુનિયા દિવાની હતી. 2007માં જ્યારે પહેલીવાર T-20 વર્લ્ડ કપ રમાયો ત્યારે યુવીએ ઈંગ્લેન્ડ સામે 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી, જ્યારે ધોનીનું બેટ હંમેશાં છેલ્લી ઓવરોમાં તોફાન મચાવે છે.

ધોની પોતાના પાવર હિટિંગને કારણે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત મેચ જીતી ચૂક્યો છે. જો ઓછા બોલમાં વધુ રનની જરૂર પડતી હતી અને જ્યાં સુધી ધોની આઉટ થતો નહોતો ત્યાં સુધી ભારતીય ચાહકો વિશ્વાસ ગુમાવતા નહોતા. જ્યારે આજે ટીમ પાસે એવા ઘણા ઓછા બેટ્સમેન છે, જે છેલ્લી ઓવરોમાં ઓછા બોલ રમીને વધુ રન બનાવવામાં સક્ષમ હોય અને ટીમ ઈન્ડિયાને જિતાડી શકે.

2. બંને મલ્ટી ટેલન્ટેડ હતા
યુવરાજ સિંહ અને ધોની બંને માત્ર બેટિંગને કારણે ટીમનો ભાગ નહોતા. તેમનામાં એક કરતાં વધુ ગુણો હતા. યુવરાજને જ લો, તે બેટિંગની સાથે સાથે અદ્ભુત બોલિંગ અને ફિલ્ડિંગ પણ કરતો હતો. વન-ડેમાં યુવીના નામ 111 વિકેટ છે. જ્યારે આ ખેલાડીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28 વિકેટ લીધી છે.

જ્યારે ધોની તેની શાનદાર વિકેટકીપિંગ અને કેપ્ટનશિપથી આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગયો. વન-ડેમાં ધોનીના નામે 321 કેચ અને 123 છે સ્ટમ્પિંગ છે. T-20 ક્રિકેટમાં તેણે 57 કેચ અને 34 સ્ટમ્પિંગ કર્યા છે.

ધોનીની કેપ્ટનશિપમાં ભારત 28 વર્ષ બાદ 2011માં વન-ડે વર્લ્ડ પર જીત્યો હતો, સાથે જ પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન માહીની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયા બની હતી. જ્યારે છેલ્લી વખત ભારતે જે ICC ટ્રોફી જીતી છે, તેનો કેપ્ટન પણ ધોની જ હતો. ભારતે 2013માં ઈંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી.

1. શાનદાર ફિનિશર
યુવરાજ અને ધોનીની અંદર મેચને ખતમ કરવાની શાનદાર ક્ષમતા હતી. છેલ્લી ઓવર સુધી બંને મેચને લઈ જતા હતા અને ટીમને જીત અપાવતા હતા. બંનેની મોટી ભાગીદારીથી ભારતે વન-ડે અને ટી-20માં અનેક મેચ જીતી છે.

જો ટોપ બેટ્સમેન ફ્લોપ થઈ જાય તો બંને છેલ્લે સુધી ટીમની આશા બની રહેતા હતા. આજે તો જો ટોપ બેટ્સમેન આઉટ શઈ જાય તો પાછળના ક્રમના બેટ્સમેન પણ હથિયાર નીચે મૂકી દે છે. યુવી અને માહી જ્યારે બેટિંગ કરતા તો જ્યાં સુધી તેઓ મેદાન પર રહેતા ત્યાં સુધી સામેની ટીમની હાલત નબળી રહેતી હતી.

આ બંનેના સંન્યાસ લીધા પછી આજ સુધી ભારતીય ટીમ મેનેજમેન્ટ તેમના માટે કોઈ વિકલ્પ શોધી શક્યું નથી. આ એક મોટું કારણ છે કે આપણે છેલ્લાં 9 વર્ષમાં ICC ટ્રોફી જીતી શક્યા નથી.

અન્ય સમાચારો પણ છે...