WPLની ટેબલ ટોપર્સ DC અને MI વચ્ચે આજે મેચ:ટૂર્નામેન્ટમાં બન્ને ટીમ હજુ સુધી અજેય, જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઇંગ-11

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સની સામે દિલ્હી કેપિટલ્સની મેચ સાંજે 7:30 વાગે મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. આ બન્ને ટીમ અત્યારસુધીમાં એક પણ મેચ હારી નથી. મુંબઈએ બેંગ્લોર અને ગુજરાતને હરાવ્યું હતું, તો દિલ્હીએ યુપી અને બેંગ્લોરની સામે જીત મેળવી હતી. દિલ્હીની કેપ્ટનશિપ ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મેગ લેનિંગ કરશે, તો મુંબઈની કેપ્ટનશિપ ભારતની હરમનપ્રીત કૌર કરશે.

થોડા દિવસો પહેલા આ બન્ને કેપ્ટન આમને-સામને ટકરાઈ હતી. જેમાં T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે એ જોવાનું રહેશે કે WPLની આ બે ટૉપ ટીમની વચ્ચે મેચ કેવી રહેશે.

મુંબઈની પાસે ઓલરાઉન્ડર્સ છે...
મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર્સના પ્રદરેશનથી અત્યારસુધી WPLમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. મુંબઈએ પોતાની પહેલી મેચમાં ગુજરાતને 143 રને હરાવ્યું હતું. તો બીજી મેચમાં RCBને એકતરફી મેચમાં 9 વિકેટે હાર આપી હતી. બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં RCBએ MIને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને MIએ 1 વિકેટના નુક્સાને 14.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. આમ, બન્ને મેચ MIએ એકતરફી રીતે જીતી લીધી હતી.

દિલ્હીની ઓપનિંગ જોડી વિસ્ફોટક
દિલ્હીની ટીમ પણ મુંબઈની રીતે ટૂર્નામેન્ટમાં ઘણી મજબૂત છે. દિલ્હીએ પણ પોતાની શરૂઆતની બન્ને મેચ જીતી લીધી છે. લેનિંગની કેપ્ટનશિપમાં દિલ્હીએ શાનદાર શરૂઆત કરી છે. ઓસ્ટ્રેલિયાની કેપ્ટન દિલ્હી તરફ ઓપનિંગમાં આવે છે. તેણે બન્ને મેચમાં ફિફ્ટી ફટકારી છે. તો તેની સાથે શેફાલી વર્મા પણ પહેલી જ ઓવરથી વિસ્ફોટક બેટિંગ શરૂ કરી દે છે. આ ઓપનિંગ જોડીના દમ પર પહેલી બેટિંગ કરતા બન્ને મેચમાં ટીમે 200+ રન બનાવ્યા હતા.

તો મિડલ ઑર્ડરમાં ટીમની જેમિમા રોડ્રિગ્સ, મેરિયન કેપ, એલિસ કેપ્સી અને જેસ જોનાસન જેવી પાવરહીટર પ્લેયર્સ છે. ટીમમાં તારા નોરિસ, રાધા યાદવ, જોનાસન, કેપ્સી અને શિખા પાંડે જેવી શાનદાર બોલર્સ છે, જે ટીમને સતત સફળતા અપાવે છે.

આ ખેલાડીઓ ઉપર રહેશે નજર
મુંબઈ તરફથી હરમનપ્રીત કૌર, હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર અને સાઇકા ઈશાક પર નજર રહેશે. તો દિલ્હીની કેપ્ટન મેગ લેનિંગ, શેફાલી વર્મા, મેરિયન કેપ, જેમિમા રોડ્રિગ્સ, એલિસ કેપ્સી, જેસ જોનાસન અને તારા નોરિસ કમાલ કરી શકે છે.

વેધર કંડિશન
ભારતમાં આ વખતે ઉનાળાની સિઝન છે, તો મુંબઈમાં પણ અત્યારે ગરમી પડતી હોય છે. આજનું હવામાન સાફ રહેશે, વરસાદની કોઈ સંભાવના નથી. રાતનું ટેમ્પરેચર 31-32 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

પિચ રિપોર્ટ
બ્રેબોર્ન સ્ટેડિયમની જેમ જ ડિ વાય પાટીલ સ્ટેડિયમની પિચ પણ હાઇ સ્કોરિંગ છે. MI અને DCની ટીમ અહીં પહેલા બેટિંગ કરતા 200+ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેવામાં ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરતા મોટો સ્કોર બનાવવા પર ફોકસ કરશે.

હવે જાણો બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11...

દિલ્હી કેપિટલ્સ (DC): મેગ લેનિંગ (કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, મેરિયન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, શિખા પાંડે, રાધા યાદવ અને તારા નોરિસ.

મુંબઈ ઈન્ડિયન્સ (MI): હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યૂઝ, નેતાલી સીવર બ્રન્ટ, અમીલિયા કેર, હુમૈરા કાઝી, પૂજા વસ્ત્રાકર, ઇસાબેલ વોંગ, અમનજોત કૌર, જીંતીમની કલિતા અને સાઇકા ઈશાક.

અન્ય સમાચારો પણ છે...