ટીમ ઈન્ડિયાએ પહેલા T20માં બનાવ્યા 4 રેકોર્ડ્સ:ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો મોટો સ્કોર, હાર્દિક પંડ્યાએ રમી T20 કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ

4 દિવસ પહેલા

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે T20 મેચની સિરીઝની પહેલી મેચ મોહાલીમાં રમાઈ ગઈ હતી. આ મેચમાં ભારતને હાર મળી છતાં ટીમ ઈન્ડિયાએ 4 રેકોર્ડ્સ બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પોતાના T20 કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તો ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવ્યો હતો. તો ચાલો જાણીએ આ મેચમાં બનેલા એ ચાર રેકોર્ડ્સ વિશે...

1. હાર્દિક પંડ્યાનો T20 કરિયરમાં બેસ્ટ રેકોર્ડ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 મેચમાં 30 બોલમાં 71* રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. આ તેના T20 કરિયરનો બેસ્ટ સ્કોર રહ્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 236.66ની રહી હતી. આ તેના T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી અર્ધસદી હતી.

હાર્દિકે છેલ્લી ઓવરમાં સતત 3 બોલમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાની તરફથી છેલ્લી ઓવર કેમરુન ગ્રીને કરી હતી.

2. ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે T20માં સૌથી મોટો સ્કોર

ટીમ ઈન્ડિયાએ મોહાલીમાં ટૉસ હારીને બેટિંગ કરવી પડી હતી. જેમાં ટીમે 6 વિકેટના નુક્સાને 208 રનનો સ્કોર કર્યો હતો. આ ભારતનો ઓસ્ટ્રેલિયા સામેની T20 મેચમાં સૌથી મોટો સ્કોર છે. ટીમ ઈન્ડિયાએ 9 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. આ અગાઉ વર્ષ 2013માં રાજકોટમાં રમાયેલી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં બેટિંગ કરતા 19.4 ઓવરમાં 4 વિકેટે 202 રન બનાવ્યા હતા.

3. કેએલ રાહુલ સૌથી ઓછી ઇનિંગમાં T20માં 2000 રન પૂરા કરનારો ચોથા નંબરનો બેટર બન્યો​​​​​​​

પહેલી T20 મેચમાં ભારતીય ઓપનર કેએલ રાહુલે 32 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 18મી અર્ધસદી મારી હતી. તે T20માં સૌથી ઓછી ઇનિંગમાં 2000 રન પૂરા કરનારો ચોથા નંબરનો બેટર બની ગયો છે.

તો મેચના આધાર ઉપર વાત કરીએ તો તે ત્રીજા નંબરે પહોંચી ગયો છે. રાહુલે 63 મેચમાં 58 ઇનિંગ પછી 2000 રન પૂરા કર્યા હતા. તેનાથી આગળ પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છે. બાબર આઝમે 54 મેચમાં 52 ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. તો રિઝવાને 64 મેચમાં 52 ઇનિંગમાં બે હજાર પૂરા કર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 60 મેચમાં 56 ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા.

4. સૂર્યકુમાર યાદવે કર્યો કમાલ

મેચમાં સૂર્યકુમાર યાદવે 184ની સ્ટ્રાઈક રેટથી 25 બોલમાં જ 46 રન બનાવ્યા હતા. તેણે પોતાની આ ઇનિંગમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા કર્યા હતા. આ સાથે જ તે આ વર્ષે T20માં સૌથી વધુ રન બનાવનારની લિસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે. તેનીથી આગળ નેપાળનો ડીએસ. એરી છે. જેણે 18 મેચમાં 17 ઇનિંગમાં 136.68ની સ્ટ્રાઈક રેટથી 626 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે જો નેક્સ્ટ મેચમાં 13 રન બનાવી લે છે, તો તે આ વર્ષે T20માં સૌથી વધુ રન બનાવનારની લિસ્ટમાં પહેલા નંબરે આવી જશે.