• Gujarati News
  • Sports
  • Cricket
  • Became The First Cricketer In The World To Have More Than 20 Crore Followers, Earning Rs 5 Crore From Each Post

ઇન્સ્ટાગ્રામ પર કોહલીના વિરાટ ફોલોઅર્સ:20 કરોડથી વધુ ફોલોઅર ધરાવતો વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો, એક-એક પોસ્ટથી 5 કરોડ રૂપિયાની કમાણી

17 દિવસ પહેલા

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું પ્રદર્શન ભલે મેદાન પર શાંત હોય, પરંતુ તેણે સોશિયલ મીડિયામાં બેવડી સદી નોંધાવી દીધી છે. છેલ્લાં બે વર્ષમાં તેણે કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી. જોકે આ દરમિયાન તેણે સોશિયલ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર મોટી ઈનિંગ રમી છે.

આ પ્લેટફોર્મ પર વિરાટ કોહલીના 20 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે, એટલે કે તે 200 મિલિયન ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પહેલો ક્રિકેટર બની ગયો છે. કોહલી 9 જૂનથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નથી, પરંતુ તેના ફોલોઅર્સની સંખ્યા પરથી આનો અંદાજ લગાવી શકાય છે કે હજુ પણ ફેન્સમાં વિરાટનો ક્રેઝ યથાવત્ છે. વિરાટ કોહલી આ સોશિયલ પ્લેટફોર્મ પરથી એક પોસ્ટથી પાંચ કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે.

રોનાલ્ડો-મેસ્સી બાદ ત્રીજા નંબરે વિરાટનો ડંકો

કોહલી ઈન્સ્ટાગ્રામમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવવામાં ત્રીજા નંબરે આવી ગયો છે. આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલોઅર્સની વાત કરીએ તો પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું નામ વિશ્વભરના ખેલાડીઓમાં ટોચ પર આવે છે. તેના 451 મિલિયન (45.1 કરોડ) ફોલોઅર્સ છે. રોનાલ્ડો પછી આવે છે આર્જેન્ટીનાના સ્ટાર લિયોનેલ મેસ્સી. મેસ્સીને 334 મિલિયન (334 મિલિયન) ફેન્સ ફોલો કરે છે.

રિચ લિસ્ટમાં 19મા ક્રમે છે, જે ભારતીયોમાં સૌથી વધુ છે
વિરાટ આ સોશિયલ પ્લેટફોર્મની રિચ લિસ્ટમાં 19મા ક્રમે છે. ટોપ-20માં તે એકમાત્ર ભારતીય છે. કોહલી દરેક પોસ્ટ માટે 5 કરોડ રૂપિયા કમાય છે. ગયા વર્ષે, Hopperhq.comએ ઇન્સ્ટાગ્રામની રિચ લિસ્ટ બહાર પાડી હતી. આમાં કોહલી ભારતીયોમાં ટોપ પર હતો. તેમના સિવાય પ્રિયંકા ચોપરા 27મા સ્થાને છે. પ્રિયંકા પ્રતિ પોસ્ટ 3 કરોડ રૂપિયા કમાય છે. તેના સિવાય સૌથી વધુ કમાણી કરનારા સેલિબ્રિટી ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. તેણે દરેક પેઇડ પોસ્ટમાંથી 11.9 કરોડ રૂપિયાની કમાણી કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમના પછી ડ્વેન જોન્સન અને એરિયાના ગ્રાન્ડે બીજા અને ત્રીજા સ્થાને છે. એરિયાના દરેક પેઇડ પોસ્ટથી 10 કરોડ કમાય છે.

IPLમાં પણ કોહલી કંઈ ખાસ કરી શક્યો નહોતો
IPLની 15મી સીઝનમાં પણ કોહલીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. RCB માટે કોહલીએ 22.73ની એવરેજથી માત્ર 341 રન કર્યા છે. આ દરમિયાન તેણે માત્ર બે ફિફ્ટી જ ફટકારી છે અને તે ત્રણ વખત ગોલ્ડન ડક (0 રન) પેવેલિયન ભેગો થયો છે.

અન્ય સમાચારો પણ છે...