17 મહિના પછી વનડેમાં નંબર 1 બુમરાહ:ન્યુઝીલેન્ડનાં બોલ્ટને પછાડીને નંબર 1 બન્યો, ટૉપ-10માં એકમાત્ર ભારતીય બોલર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહમ્મદ શમીને પણ ફાયદો

ટીમ ઈન્ડિયાનાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડેમાં 6 વિકેટ ખેરવીને તરખાટ મચાવ્યો હતો. આ શાનદાર પ્રદર્શન બાદ તે ICC વનડે રેંકિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. ટૉપ-10માં તે એક માત્ર ભારતીય બોલર છે.

બુમરાહ ફેબ્રુઆરી 2020 પછી પહેલી વાર નંબર-1 બન્યો છે. ત્યારે તેને ન્યુઝીલેન્ડનાં બોલ્ટે નંબર-1નાં સ્થાન પરથી પછાડ્યો હતો. તે સમયે બુમરાહ સતત 730 દિવસો સુધી નંબર-1નાં સ્થાન પર રહ્યો હતો. જસપ્રીત બુમરાહ કપિલ દેવ પછી બીજો ભારતીય ફાસ્ટ બોલર બન્યો હતો કે જે નંબર-1નાં સ્થાન પર પહોંચ્યો હોય.

મોહમ્મદ શમીને પણ ફાયદો

ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડેમાં 3 વિકેટ ઝડપનાર શમીના રેંકિંગમાં પણ ફાયદો થયો છે. શમી 4 સ્થાનની છલાંગ લગાવીને 23માં નંબર પર પહોંચી ગયો છે. તો રવિન્દ્ર જાડેજાને 6 રેંકનું નુક્સાન થયું છે. તે હવે 40માં સ્થાન પર છે.

ODIમાં 100+ વિકેટ લેનારા ભારતીય ફાસ્ટ બોલરોમાં સૌથી સર્વશ્રેષ્ઠ એવરેજ

બુમરાહ એ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 71 મેચમાં 119 વિકેટો ખેરવી છે. તેણે આ વિકેટો માત્ર 24.30ની એવરેજથી લીધેલી છે. એટલે કે તેણે એક વિકેટ માટે વનડેમાં 25થી પણ ઓછા રન આપેલા છે. વનડેમાં 100+ વિકેટ લેનારા અન્ય ભારતીય ફાસ્ટ બોલરોમાંથી આટલી સારી એવરેજ કોઈની નથી.

પ્રથમ વનડેમાં ભારતે ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યુ
ટીમ ઈન્ડિયાએ મંગળવારે રમાયેલા 3 મેચની સિરિઝમાં પહેલા વનડેમાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી મ્હાત આપી હતી. 48 વર્ષોમાં આ પ્રથમવાર બન્યું કે ભારતે ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યુ હોય. ભારત ઇંગ્લેન્ડ સામે સૌપ્રથમવાર 1974માં વનડે મેચ રમી હતી.

ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બુમરાહની (19/6) કરિયરની બેસ્ટ બોલિંગનાં સહારે ઇંગ્લેન્ડને 25.5 ઓવરમાં 110 રન પર ઓલ-આઉટ કરી નાખ્યું હતુ. આ સાથે બુમરાહ ઇંગ્લેન્ડની સામે એક વનડે મેચમાં રેકોર્ડ ફિગર્સ ધરાવનાર બોલર બની ગયો છે. તેણે આશિષ નેહરાનો 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. 2003નાં વર્લ્ડ કપમાં નેહરાએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 23 રન દઈને 6 વિકેટ ઝડપી હતી.