મધ્યપ્રદેશ 23 વર્ષ પછી રણજીની ફાઈનલમાં પહોંચ્યું:બંગાળને 174 રનથી હરાવ્યું, કુમાર કાર્તિકેયે 5 વિકેટ લીધી; મુંબઈ સામે ટાઈટલ મેચ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

મધ્યપ્રદેશે રણજી ટ્રોફીની સેમિફાઇનલ-1માં બંગાળને 174 રને હરાવીને રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. છેલ્લી વખત મધ્યપ્રદેશ 1999માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું હતું. હવે ફાઇનલમાં તેનો સામનો મુંબઈ સામે થશે. વળી બીજી સેમીફાઈનલમાં મુંબઈએ પ્રથમ દાવની લીડના આધારે યુપીને હરાવ્યું હતું. મધ્યપ્રદેશે બંગાળ સામે પ્રથમ દાવમાં 341 રન કર્યા હતા, જેના જવાબમાં બંગાળની ટીમ 273 રન જ કરી શકી હતી.

હિમાંશુ મંત્રી પ્રથમ દાવના આધારે મેન ઓફ ધ મેચ બન્યો
મધ્યપ્રદેશે 68 રનની લીડ લીધી હતી. ત્યારપછી બીજા દાવમાં મધ્યપ્રદેશે 281 રન કર્યા હતા. બંગાળને જીતવા માટે 350 રનનો ટાર્ગેટ હતો, પરંતુ બીજી ઇનિંગમાં બંગાળની ટીમ 175 રન જ કરી શકી હતી.

મધ્યપ્રદેશ માટે પ્રથમ દાવમાં 165 રન કરનારા ઓપનર હિમાંશુ મંત્રીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ કુમાર કાર્તિકેયે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.

મંત્રીની સદી અને અક્ષત રઘુવંશીના શાનદાર 63 રનની મદદથી મધ્યપ્રદેશ પ્રથમ દાવમાં 341 રન કરી શક્યું હતું. જેના જવાબમાં મનોજ તિવારી (102) અને શાહબાઝ અહેમદ (116)ની સદી છતાં બંગાળ 272 રનમાં સમેટાઈ ગયું હતું. મધ્યપ્રદેશ માટે બીજા દાવમાં, એમપી કેપ્ટન આદિત્ય શ્રીવાસ્તવ (82) અને રજત પાટીદાર (79)ની અડધી સદીના કારણે બીજી ઈનિંગમાં 281 રન કરવામાં સફળ રહ્યો હતો. અગાઉ 1999માં એમપીની ટીમ કર્ણાટક સામે તેની એકમાત્ર ફાઈનલ રમી હતી.

મુંબઈ માટે યશસ્વી જયસ્વાલનું શાનદાર પ્રદર્શન
બીજી સેમીફાઈનલમાં મુંબઈની ટીમે 393 અને 533 રનનો તોતિંગ સ્કોર બનાવ્યો હતો. આ સાથે જ ઉત્તર પ્રદેશની ટીમ 180 રન જ કરી શકી હતી. આવી સ્થિતિમાં મુંબઈએ પ્રથમ દાવની લીડના આધારે જીત મેળવી હતી અને ટીમ ફાઇનલમાં પહોંચી હતી. મુંબઈ માટે યશસ્વી જયસ્વાલે બંને દાવમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 100 રન અને બીજી ઇનિંગમાં 181 રન બનાવ્યા હતા. તે પ્લેયર ઓફ ધ મેચ પણ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...