કન્ફર્મ:BCCI અને વીવોએ IPL 2020 માટેની પાર્ટનરશિપ સસ્પેન્ડ કરી, આ વખતે ચાઇનીઝ કંપની ટાઇટલ સ્પોન્સર નહિ હોય

એક વર્ષ પહેલા

ચીની મોબાઈલ કંપની વીવો 2020માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટાઇટલ સ્પોન્સર નહિ હોય. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ ગુરુવારે આની પુષ્ટિ કરી હતી. બોર્ડે કહ્યું કે, "BCCI અને વીવો મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડે IPL 2020 માટે પોતાની પાર્ટનરશિપ સસ્પેન્ડ કરવાનું નક્કી કર્યું છે." આ સિવાય બોર્ડ દ્વારા અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.

વીવો IPLને દર વર્ષે 440 કરોડ રૂપિયા આપે છે

  • મોબાઇલ કંપની વીવો IPLની ટાઇટલ સ્પોન્સર છે, જે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે.
  • કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થવાનો હતો.
  • તાજેતરમાં, ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

બોર્ડે વીવોને સ્પોન્સર તરીકે જાળવી રાખતા વિરોધ થયો હતો

  • IPLમાં મોબાઇલ કંપની વિવો સહિતની ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ સામે વિરોધ થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચે સોમવારે કહ્યું કે લોકોએ IPLનો બહિષ્કાર કરવો જોઇએ.
  • સ્વદેશી જાગરણ મંચના સહ-કન્વિનર અશ્વની મહાજને એક નિવેદનમાં કહ્યું કે, IPLમાં ચાઇનીઝ કંપનીઓની સ્પોન્સરશિપ જાળવી રાખવાનો BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલનો નિર્ણય ચોંકાવનારો છે. આ નિર્ણયથી તેમણે ગલવાન ખીણમાં ચીનના જઘન્ય કૃત્યમાં શહીદ થયેલા સૈનિકોનું અપમાન કર્યું છે.
  • જ્યારે આખો દેશ આપણા અર્થતંત્રને ચીનના પ્રભુત્વથી મુક્ત કરવા મક્કમ છે, સરકાર ચીનને આપણાં બજારોમાંથી બહાર રાખવાના તમામ પ્રયાસ કરી રહી છે તેવા સમયે IPL ગવર્નિંગ કાઉન્સિલનું આ કૃત્ય દેશના મૂડથી વિપરીત છે.