BCCIએ વર્ષની શરૂઆતમાં જ મુંબઈમાં રિવ્યૂ મીટિંગ યોજી હતી. એમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ રાહુલ દ્રવિડ, NCA ચીફ વીવીએસ લક્ષ્મણ, BCCIના અધ્યક્ષ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને પૂર્વ ચીફ સિલેક્ટર ચેતન શર્માએ હાજરી આપી હતી. આ મીટિંગમાં એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં મળેલી હારનાં કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે 2023માં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ માટે પણ 20 પ્લેયર્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા.
BCCIની રિવ્યૂ મીટિંગના 3 મુદ્દા...
માત્ર 20 ખેલાડીને જ અજમાવાશે
ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે, 20 ખેલાડી 2023 વન-ડે વર્લ્ડ કપ માટે શોર્ટલિસ્ટ થયા છે. વર્લ્ડ કપ પહેલાં ટીમ ઈન્ડિયામાં સિલેક્ટ કરીને વર્લ્ડ કપ માટે અજમાવવામાં આવશે. એમાંથી વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા વન-ડે વર્લ્ડ કપ પહેલાં 5 સિરીઝ રમશે. કુલ 3-3 મેચ રમાશે. 50 ઓવરનો એશિયા કપ પણ રમાશે.
20 ખેલાડી પોતાની જાતને સાબિત કરવા માટે 15થી વધુ વન-ડે મેચ રમશે. આ વખતે આખો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે. એનું આયોજન ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે કરવામાં આવશે. જોકે શોર્ટલિસ્ટ કરાયેલા 20 ખેલાડીનાં નામ હજુ જાહેર કરવામાં આવ્યાં નથી.
4 કલાક મીટિંગ ચાલી
મુંબઈમાં રોહિત શર્મા, રાહુલ દ્રવિડ, નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ વીવીએસ લક્ષ્મણ અને ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટર ચેતન શર્મા સાથે લગભગ 4 કલાક સુધી મીટિંગ ચાલી હતી. 2023માં ટીમ ઈન્ડિયાના ટાર્ગેટ પર બ્રેઇનસ્ટોર્મિંગ પણ કરવામાં આવ્યું હતું.
ભારતમાં 2023માં વન-ડે વર્લ્ડ કપ રમવાનો છે. આ સાથે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ યોજાવાની છે. જો ભારત ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટ મેચની સિરીઝ જીતે છે તો ટીમ સતત બીજી વખત WTCની ફાઈનલ રમી શકે છે. ગત વખતે પણ ટીમ ફાઈનલ રમી હતી, પરંતુ ત્યાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
2023માં મેન્સ ક્રિકેટની 4 મોટી ઇવેન્ટ્સ...
ઈન્ટરનેશનલ ક્રિકેટને પ્રાથમિકતા...
BCCIના અધ્યક્ષ રોજર બિન્નીએ વીડિયો-કોન્ફરન્સિંગથી મીટિંગમાં હાજરી આપી હતી. એમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીમ ઈન્ડિયા આગામી દિવસોમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ અને બાઈલેટરલ સિરીઝને વધુમાં વધુ મહત્ત્વ આપશે. BCCIનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આ દરમિયાન IPLનું પણ ધ્યાન રાખવામાં આવશે.
NCA IPLમાં ખેલાડીઓ પર નજર રાખશે
આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) IPL ફ્રેન્ચાઇઝી સાથે મળીને ભારતીય ખેલાડીઓની રમત અને ફિટનેસ પર નજર રાખશે. NCA ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર પણ નજર રાખશે. જસપ્રીત બુમરાહ અને દીપક ચહરની ફિટનેસને લઈને ઘણીવાર સવાલો ઊભા થયા છે.
ફિટનેસને લઈને કડક વલણ અપનાવશે
આ રિવ્યૂ મીટિંગમાં ફરી એકવાર યો-યો ટેસ્ટને ફિટનેસ ટેસ્ટના સ્કેલ તરીકે જણાવવામાં આવ્યું હતું. BCCIએ નિર્ણય લીધો છે કે ખેલાડીઓની ફિટનેસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયાનો ભાગ બનવા માટે તેમણે ડેક્સા સ્કેન અને યો-યો ટેસ્ટ પણ પાસ કરવી પડશે. ડેક્સા બોન સ્કેન ટેસ્ટ છે અને યો-યો ટેસ્ટમાં ખેલાડીઓએ 20 મીટર સુધી દોડવાનું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.