આઈપીએલ:BCCIને અમદાવાદ ટીમનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાશે તેવી આશા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બીસીસીઆઈએ આઈપીએલની 2 નવી ફ્રેન્ચાઈઝ લખનૌ અને અમદાવાદ માટે ખેલાડીઓની પસંદગીનો સમય 25 ડિસેમ્બર સુધીનો નક્કી કર્યો છે. એક તરફ લખનૌ ફ્રેન્ચાઈઝ ટીમોની જાહેરાતના દિવસથી જ સતત કામ કરી રહી છે. જ્યારે અમદાવાદની ટીમ હજુ સુધી કોઈ કામ કરી શકી નથી, ઓછામાં ઓછું સત્તાવાર રીતે તો નહીં જ.

લખનૌની ટીમે ઝિમ્બાબ્વેના એન્ડી ફ્લાવરને કોચ બનાવ્યો છે. જ્યારે અમદાવાદ તરફથી હજુ સુધી કોઈ નામ પર ચર્ચા કરાયાનું સામે આવ્યું નથી. લખનૌની ટીમ સંજીવ ગોયનકાએ ખરીદી હતી અને તેઓ પ્રથમ દિવસથી ટીમને ડેવલપ કરવાના કાર્યમાં લાગ્યા હતા. અમદાવાદનો માલિકી હક સીવીસી કેપિટલ પાસે છે, જેની હજુ સુધી બોર્ડ તરફથી ક્લિનચીટ મળી નથી.

સીવીસી વિદેશમાં સટ્ટેબાજીની કંપની સાથે જોડાયેલી છે અને આ બાબત આઈપીએલના નિયમ વિરુદ્ધ છે. ટૂર્નામેન્ટનો નિયમ સ્પષ્ટ છે કે, માલિક સટ્ટેબાજીની કંપની સાથે જોડાયેલા ન હોવા જોઈએ. બોર્ડના અધિકારીએ કહ્યું કે,‘આ મામલે ઉકેલાય તેવી આશા છે. બોર્ડ અધ્યક્ષ અને સેક્રેટરી આ અંગે જાણ છે.’

લલિત મોદીએ સવાલ ઉઠાવતા તપાસનો નિર્ણય લેવાયો
બીસીસીઆઈએ પ્રારંભમાં સીવીસી કેપિટલ પર કોઈપણ પ્રકારની શંકા ન હોવાની વાત કરી. જોકે આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ સવાલ ઉઠાવ્યા બાદ બોર્ડે આ મામલે નિર્ણય લેવો પડ્યો. તેમણે આ મામલો ભારતના એટર્ની જનરલ તુષાર મેહતા પાસે મોકલ્યો. જે પછી આ મામલે 4 ડિસેમ્બરે એજીએમમાં બોર્ડ દ્વારા રચાયેલી 3 સભ્યોની કમિટી પાસે મોકલાયો. જેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે. આ કમિટીના સભ્યો અંગે માહિતી નથી અને બીસીસીઆઈ એ હાલ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે. હવે ખેલાડીઓને ડ્રાફ્ટ કરવાની તારીખ નજીક આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...