માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા ક્રિકેટર રિષભ પંતને આજે દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. તેની વધુ સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવશે. BCCIએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે પંતની સારવાર હોસ્પિટલના સ્પોર્ટ્સ મેડિસિન અને આર્થ્રોસ્કોપીના હેડ ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ થશે. પારડીવાલાએ અગાઉ સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, જસપ્રિત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા જેવા ક્રિકેટર્સની સારવાર કરી છે.
BCCIએ એ પણ માહિતી આપી છે કે પંતની ઘૂંટણના લિગામેન્ટની સર્જરી કરવામાં આવશે. આ પછી બોર્ડ પંતની રિકવરી ઉપર પણ સતત નજર રાખશે. 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં ઈજા પહોંચ્યા પછી પંતને રૂરકીની સક્ષમ હોસ્પિટલમાં પહેલા ઇમરજન્સી સારવાર આપવામાં આવી હતી. ત્યારથી તે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.
અકસ્માતમાં પંતને માથા, ઘૂંટણ અને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેના ઘૂંટણના લિગામેન્ટ ફાટી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આવી સ્થિતિમાં હવે BCCIની મેડિકલ ટીમે તેને સારી સારવાર માટે દહેરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કર્યો છે.
એરલિફ્ટિંગનો ખર્ચ BCCI ઉઠાવશે
BCCIએ જણાવ્યું હતું કે પંતની સારવારનો ખર્ચ તેના મેડિકલ ઇન્સ્યોરન્સથી કવર કરવામાં આવશે. તો, બોર્ડ દેહરાદૂનથી મુંબઈ એરલિફ્ટ કરવાનો ખર્ચ ઉઠાવશે. BCCIએ ઉત્તરાખંડની બન્ને હોસ્પિટલ્સની પ્રશંસા કરી છે, જેમણે આ મામલે અત્યારસુધી પંતની સારવાર કરી છે. જોકે બોર્ડ ઇચ્છે છે કે તે જલદીથી ઠીક થઈ જાય એટલે રિષભને મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.
દિલ્હીથી ઘરે પરત જતા 3 ડિસેમ્બરે થયો હતો અકસ્માત
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિષભ પંત રોડ એક્સિડન્ટમાં માંડ માંડ બચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હતો. તેની મર્સિડીઝ અનિયંત્રિત થઈ ડિવાઇડર સાથે અથડાઈ હતી, અને ત્યારપછી તેમાં આગ લાગી ગઈ અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત પછી પંત સળગતી કારનો કાચ તોડીને જાતે બહાર આવ્યો હતો. લોકો બચાવવા પહોંચ્યા હતા, ત્યારે તેણે કહ્યું હતું કે 'હું રિષભ પંત છું.' પંતને માથામાં, ઘૂંટણી અને પગની ઘૂંટીમાં ઈજા પહોંચી હતી.
પ્રત્યક્ષર્શી બોલ્યા- હાઇવેના ખાડાના કારણે 5 ફૂટ ઉછળી હતી મર્સિડીઝ
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ ભાસ્કરને જણાવ્યું હતું કે રિષભ પંતની મર્સિડીઝ આશરે 150 કિમી પ્રતિ કલાકની સ્પીડ પર ચાલી રહી હતી. તેણે એક કારને ઓવરટેક કરી હતી. ત્યારે સામે એક ખાડો આવી ગયો હતો. જેનાથી તેની કાર 5 ફૂટ સુધી ઉછળીને પહેલા બસ સાથે અથડાઈ હતી અને પછી ડિવાઇડર સાથે અથડાતા તેમાં આગી લાગી ગઈ હતી. કારમાંથી નીકળી પંત રોડ ડિવાઇડર પર જઈ બેસી ગયો હતો.
એક્સપર્ટ્સ બોલ્યા-રિકવરીમાં લાંબો સમય લાગી શકે છે
ઘટનામાં પંતને પાંચ જગ્યાએ ઈજાઓ પહોંચી છે. જેમાં માથે, જમણા હાથનું કાંડું, ઘૂંટણ, પગની ઘૂંટી અને અંગૂઠો સામેલ છે. ઘૂંટણ, પગની ઘૂંટી અને કાંડાની ઈજાઓના કારણે તેને વિકેટકીપિંગ કરવી અઘરી પડી શકે છે. એટલે હવે તે સંપૂર્ણરીતે સાજો થયા પછી જ રમી શકશે.
પૂર્વ ઈન્ટરનેશનલ વિકેટકીપર નમન ઓઝાએ કહ્યું હતું કે 'જો ઘૂંટણના લિગામેન્ટ ફાટી જાય છે, તો રિકવરીમાં ટાઇમ લાગે છે. ઘૂંટણની સામાન્યમાં સામાન્ય ઈજામાંથી પણ રિકવરી થતાં ઓછામાં ઓછા 6થી 8 અઠવાડિયા લાગે છે. વિકેટકીપિંગમાં દરેક પોઇન્ટ મહત્ત્વના છે. ઈજા ક્યાંય પણ થઈ હોય, પ્રભાવિત કરતી જ હોય છે. પછી તે આંગળીની જ ઈજા કેમ ના હોય. પંતને તો કાંડા, ઘૂંટણ અને પગની ઘૂંટી એમ ત્રણ જગ્યાએ ગંભીર ઈજા પહોંચી છે. તેને હવે મેદાનમાં પરત ફરતાં ટાઇમ લાગશે. જોકે તે યંગ છે...જલદીથી રિકવરી કરી લેશે...'
પંત સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો...
ભારતીય ટીમે પંતને ફાઇટર ગણાવ્યો; કોચ દ્રવિડ અને તેના સાથી ખેલાડીઓએ કહ્યું- મિસ યુ, ચહલે કહ્યું- આવી જા, ચોગ્ગા-છગ્ગા ફટકારીએ
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભારતીય વિકેટકીપરને કોચ રાહુલ દ્રવિડ અને સાથી ખેલાડીઓએ ફાઇટર ગણાવ્યો છે. રાહુલ દ્રવિડ અને સાથી ખેલાડીઓએ એક વીડિયો સંદેશમાં પંતને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે ચાલ... આવી જા, ચોગ્ગા-છગ્ગા ફટકારીએ. વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.