વિકેટ લીધા બાદ અનોખું સેલિબ્રેશન:બિગ બેશ લીગમાં પાકિસ્તાની બોલર રઉફે હેન્ડ સેનિટાઇઝર લગાવવાની એક્ટિંગ કરી માસ્ક પહેરી લીધું

9 દિવસ પહેલા

કોરોનાએ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંગળવારે આ જ લીગમાં પાકિસ્તાની બોલર હરીસ રઉફે વિકેટ લીધા બાદ અનોખી ઉજવણી કરી હતી. પર્થ સ્કોર્ચર્સના ઓપનર કર્ટિસ પેટરસનને આઉટ કર્યા પછી રઉફે તેના હાથને સેનિટાઈઝ કરવાનો મેસેજ આપ્યો અને તરત જ તેણે ખિસ્સામાંથી કાઢીને માસ્ક પહેર્યું. આ પ્રકારની ઉજવણી પ્રથમ વખત જોવા મળી છે. એનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

મેચમાં હારિસે 2 વિકેટ ઝડપી
પ્રથમ બેટિંગ કરતાં પર્થ સ્કોર્ચર્સે 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા હતા. મેલબર્ન સ્ટાર્સ તરફથી રઉફે 2 વિકેટ લઈને ટીમનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે મેચમાં 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. રઉફે બે વિકેટ લેવા ઉપરાંત પર્થ સ્કોર્ચર્સના ઓપનર નિક હોબસનનો કેચ પણ પકડ્યો હતો.

સેલિબ્રેશન પર વિવાદ થઈ ચૂક્યો છે
બે વર્ષ પહેલાં બિગ બેશ લીગ દરમિયાન પાકિસ્તાની ફાસ્ટ બોલર હરીસ રઉફ તેના 'ગળાકાપ' સેલિબ્રેશનને કારણે વિવાદમાં આવ્યો હતો. રઉફ જ્યારે પણ વિકેટ લે ત્યારે ગળું કાપવાની એક્ટિંગ કરતો હતો. ઘણા લોકોએ આનો વિરોધ કર્યો હતો. BBLના ટ્વિટર હેન્ડલે જ તેમના સેલિબ્રેશનનો વીડિયો શેર કરતાં તેને ક્રૂર અને અસભ્ય ગણાવ્યો હતો.

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન રગ્બી લીગ ફૂટબોલર ડેરેલ બ્રોમેને પણ ટ્વીટ કરીને પાકિસ્તાની ખેલાડીની ઉશ્કેરણીજનક ઉજવણીની ટીકા કરી હતી. તેણે લખ્યું હતું કે 'મને નથી લાગતું કે હરીસ રઉફ જ્યારે પણ વિકેટ લે છે ત્યારે તેને ગળા કાપવાની જરૂર હોય. અલબત્ત, તે સારો બોલર છે, પરંતુ વિકેટ લીધા બાદ તેની મૂવમેન્ટ સારી નથી રહેતી.

અન્ય સમાચારો પણ છે...