ટીમ ઈન્ડિયાની સેમીફાઇનલ માટેની રણનીતિ:બેટિંગમાં મદાર સૂર્યા-કોહલી પર, તો ચહલને લેવામાં આવી શકે છે; જાણો ટીમનો વ્યૂહ

25 દિવસ પહેલા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમી-ફાઈનલ મેચ આજે એડિલેડમાં રમાશે. બન્ને ટીમે ગ્રુપ સ્ટેજમાં શાનદાર દેખાવ કર્યો હતો. 6 વર્ષ પછી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની સેમી-ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2016ના T20 વર્લ્ડ કપમાં ટોપ-4માં એન્ટ્રી મારી હતી. આ સ્ટોરીમાં આપણે જાણીશું કે ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાની સ્ટ્રેટેજી શું હોય શકે છે. સાથે જ આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સ્ટ્રેન્થ અને વિકનેસ વિશે પણ જાણીશું...

પહેલા જાણો કે ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ શું છે...
સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી, આ બન્ને પ્લેયર્સ આ વખતના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સ્ટ્રેન્થ સાબિત થયા છે. સૂર્યાએ આ વર્લ્ડ કપમાં 3 ફિફ્ટી ફટકારી છે, ઉપરાંત તેના 360 ડિગ્રી શોટ્સની પણ ચર્ચાઓ થઈ રહી છે.

ભારત અને પાકિસ્તાન સામેની મેચ તો તેઓ ચાલ્યા નહોતા. પણ સાઉથ આફ્રિકા સામની પ્રેશરવાળી પરિસ્થિતિમાં તેઓએ 40 બોલમાં 68 રન બનાવીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડ્યું હતું. તો ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ સામેની મેચમાં તેઓ નોટઆઉટ રહ્યા હતા. તેમણે નેધરલેન્ડ્સ સામેની મેચમાં 25 બોલમાં 51 રન ફટકાર્યા હતા. તો ઝિમ્બાબ્વે સામે તેમણે 25 બોલમાં 61 રન બનાવ્યા હતા. ત્યારે સેમી-ફાઈનલમાં પણ આ ખેલાડી પાસેથી શાનદાર દેખાવની આશા રહેશે.

કોહલી શાનદાર ફોર્મમાં છે
લગભગ એક મહિના પહેલા સુધી તો વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સદી ફટકારી અને તેઓએ ફરી પોતાના જુના રૂપમાં આવી ગયા હતા. T20 વર્લ્ડ કપમાં સુપર-12ની પ્રથમ મેચમાં વિરાટે પાકિસ્તાન સામે 53 બોલમાં 82 રનની અણનમ અને ઐતિહાસિક ઇનિંગ રમી હતી.

19મી ઓવરમાં હારિસ રઉફના બોલ પર કોહલીની બે છગ્ગાએ મેચને ફેરવી નાખી હતી. નેધરલેન્ડ્સ સામેની મેચમાં વિરાટે 44 બોલમાં 62 રન ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા હતા. કોહલી બાંગ્લાદેશ સામે 44 બોલમાં 64 રન બનાવીને અણનમ રહ્યા અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. આ મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યા હતા. ત્યારે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે પણ આવા જ ફોર્મની અપેક્ષા રહેશે.

અર્શદીપ-મોહમ્મદ શમી શાનદાર બોલિંગ કરી રહ્યા છે
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટે શાનદાર કરી છે. અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમીની સાથે ભુવનેશ્વર કુમારે પણ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી છે. ભુવીએ 5 મેચમાં 4 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમની ઇકોનોમી તો 6થી પણ ઓછી રહી છે.

અર્શદીપ સિંહે તો કમાલ કરી બતાવ્યો છે. પાકિસ્તાન સામે તેમણે બાબર આઝમને 0 રને આઉટ કર્યો હતો. આ પછી મોહમ્મદ રિઝવાન અને આસિફ અલીને પણ પેવેલિયન મોકલી દીધા હતા. તેણે 4 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી.

નેધરલેન્ડ્સ સામે પણ અર્શદીપનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું હતું. તેણે ટીમને 2 વિકેટ સફળતા અપાવી હતી. જો કે ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે હારી ગઈ હતી, પરંતુ અહીં પણ અર્શદીપે સાઉથ આફ્રિકાની ટીમના બે મહત્વપૂર્ણ બેટર, ક્વિન્ટન ડી કોક અને રિલી રોસોયુને આઉટ કર્યા હતા.

બાંગ્લાદેશ સામેની મેચમાં પણ અર્શદીપે ધારદાર બોલિંગ કરી હતી અને 2 વિકેટ લીધી હતી. તેણે શાકિબ-અલ-હસનની ખૂબ જ મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. આ પછી બાંગ્લાદેશની હારની સ્થિતિમાં આવી ગયું હતું.

મોહમ્મદ શમીએ પણ શાનદાર દેખાવ કર્યો છે
મોહમ્મદ શમીએ પણ આ T20 વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો છે. તેમણે ઇકોનોમિકલ બોલિંગ નાખી છે. તેમણે વધુ વિકેટ તો નથી લીધી, પરંતુ જરૂર પડે, સામેની ટીમના બેટરને બાંધી રાખ્યા હતા.

આવી સ્થિતિમાં તેમની ઓવર્સ મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી. ખાસ કરીને ભારત-પાકિસ્તાન મેચમાં શમીએ ઇફ્તિખાર અહેમદની વિકેટ ત્યારે લીધી, જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. શમીના સાતત્યનો ભારતને આ T20 વર્લ્ડ કપમાં ઘણો ફાયદો થયો છે.

સેમિફાઈનલ મેચમાં ભારતની નબળી કડી શું હોઈ શકે?
T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ત્રણ નબળાઈઓ સામે આવી છે. આ છે ઓપનિંગ જોડી, સ્પિન બોલિંગ અને નબળી ફિલ્ડિંગ.

ટીમ ઈન્ડિયાના બન્ને ઓપનર એક વખત પણ 50 રનની ભાગીદારી કરી શક્યા નથી. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં કુલ 89 રન જ બનાવ્યા છે. તો કેએલ રાહુલ શરૂઆતની મેચમાં ફ્લોપ રહ્યા હતા, પરંતુ તે પછી તેમણે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામે ફિફ્ટી ફટકારી હતી. ત્યારે ઇંગ્લેન્ડ સામે પણ તેમના પાસેથી આવી સારી ઇનિંગની આશા રહેશે.

રોહિત શર્મા મંગળવારે પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે ફિટ છે. સેમિફાઈનલમાં હવે તેમની પાસેથી કેપ્ટન ઇનિંગની આશા રહેશે. તેમણે તેમનું ગુમાવેલું ફોર્મ પરત મેળવવું પડશે. આ માટે તેમણે નેટ્સમાં આકરી પ્રેક્ટિસ પણ કરી છે.

સ્પિનર્સે સારો દેખાવ કરવો પડશે

આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સ્પિન બોલિંગ એવરેજ રહી છે. અક્ષર પટેલને પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે એક પણ વિકેટ મળી ન હતી. તેમણે ઝિમ્બાબ્વે સામે 40 રન આપ્યા હતા. અશ્વિન પણ આ વર્લ્ડ કપમાં કંઈ ખાસ કમાલ દેખાડી શક્યા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે તેમને એક પણ વિકેટ મળી ન હતી. તેમણે સાઉથ આફ્રિકા સામે 4 ઓવરમાં 43 રન આપી દીધા હતા.

આવી સ્થિતિમાં તેમના સ્થાને યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી શકે છે. ચહલનો ઇંગ્લેન્ડ સામે શાનદાર રેકોર્ડ છે. તેમણે 11 મેચ રમી છે અને 16 વિકેટ લીધી છે. તેમના T20 કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, 25 રનમાં 6 વિકેટ પણ ઇંગ્લેન્ડ સામે જ આવી છે. આ પ્રદર્શન વર્ષ 2017માં આવ્યું હતું.

તો અશ્વિને ઇંગ્લેન્ડ સામે કુલ 5 T20 મેચ રમી છે અને તેમને માત્ર એક જ વિકેટ મળી છે.

ખરાબ ફિલ્ડિંગમાં પણ સુધારો કરવાની જરૂર છે
આ વખતના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામેની મેચ હારી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ નબળી ફિલ્ડિંગ જ હતી. સૂર્યકુમાર યાદવે એક અને રોહિત શર્માએ બે રનઆઉટની તક ગુમાવી હતી.

તો વિરાટ કોહલીએ માર્કરમનો સરળ કેચ છોડ્યો હતો. આ મેચમાં માર્કરમને ઘણી વખત જીવતદાન મળ્યું હતું. તેનું કારણે ટીમ ઈન્ડિયાએ કરેલી ખરાબ ફિલ્ડિંગ જ હતી. જેના કારણે માર્કરમે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 41 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ ઇનિંગના કારણે તેણે પોતાની ટીમને જીતની નજીક લાવી દીધું હતું.

ત્યારે આજે ટીમ ઈન્ડિયા હવે ફરી આ જ ભૂલોનું પુનરાવર્તન કરવાનું ઇચ્છશે નહિ.

હવે સમજીએ કે ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામેની મેચ કેવી રીતે જીતી શકે છે...

માર્ક વુડથી બચવું પડશે
માર્ક વુડ આ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડનો સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે અત્યાર સુધી 4 મેચ રમી છે અને 9 વિકેટ લીધી છે. 32 વર્ષીય માર્ક વુડે અફઘાનિસ્તાન સામે 4 ઓવરમાં 149.02 કિમી પ્રતિ કલાકની એવરેજથી બોલિંગ કરી હતી. તો ન્યૂઝીલેન્ડ સામે તેણે 154.74ની ઝડપે એટલે કે લગભગ 155 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. વર્તમાન વર્લ્ડ કપમાં આ સૌથી ફાસ્ટેસ્ટ બોલ છે.

માર્ક વુડ સામે વિરાટ કોહલીનું પ્રદર્શન ઘણું સારું છે. તેણે T20 ક્રિકેટમાં માર્ક વુડની સામે 19 બોલમાં 46 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. તો આ દરમિયાન વિરાટનો સ્ટ્રાઈક રેટ 242 રહ્યો છે.

આવી સ્થિતિમાં જો વુડ બોલિંગ કરવા આવે અને વિરાટ મહત્તમ સ્ટ્રાઈક પર રહે તો ભારતીય ટીમને ફાયદો થશે.

ઇંગ્લેન્ડનો સ્પિન એટેક જોરદાર
ઇંગ્લેન્ડની સ્પિન બોલિંગ ટીમ ઈન્ડિયા માટે માથાનો દુખાવો બની શકે છે. લિયામ લિવિંગસ્ટને ટીમ ઈન્ડિયા સામે કુલ 5 મેચ રમી છે અને તેમાં તેણે 6થી પણ ઓછીની ઇકોનોમી સાથે બોલિંગ કરી છે. ત્યારે તેને 2 વિકેટ મળી છે. મોઈન અલી ભારત સામે 10ની ઇકોનોમીથી રન દે છે, પરંતુ તે વિકેટ ઝડપે છે. પરંતુ આ વર્લ્ડ કપમાં તેની ઇકોનોમી 4.50ની રહી છે. આદિલ રાશિદે પણ ભારતની સામે 11 મેચ રમી છે અને તેણે 7 વિકેટ લીધી હતી.

સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત, આ બે એવા બેટર છે, કે જેઓ આ સ્પિન એટેક સામે સારી રીતે રમી શકે છે. આ બન્ને જ બેટર્સ, સ્પિનને સારી રીતે રમી જાણે છે. સૂર્યા તો હાલ ગજબના ફોર્મમાં છે. તેમણે આ વર્લ્ડ કપમાં 193ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. તો રિષભ પંત ભલે એક જ મેચ રમ્યા હોય, પરંતુ સૌ કોઈ જાણે છે કે તેઓ સ્પિનને કેવી સારી રીતે રમે છે!

ઇંગ્લેન્ડના બેટર્સ સામે રણનીતિ બનાવવી પડશે
ઇંગ્લેન્ડની ટીમનું સૌથી મજબૂત પાસું તેમની બેટિંગ છે. ટીમ પાસે 9મા નંબર સુધીના બેટર્સ છે. આવી સ્થિતિમાં ભારતે પાવરપ્લેમાં ઓછામાં ઓછી 3 વિકેટ લેવી પડશે. પાવરપ્લેમાં મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ અને ભુવનેશ્વર કુમારે આ કામ કરવાનું રહેશે.

મિડલ ઓવર્સમાં સ્પિનર્સ પર નિર્ભર રહેશે. ઇંગ્લેન્ડ સામે ભારતને એવા સ્પિનરની જરૂર પડશે જે મિડલ ઓવર્સમાં વિકેટ લઈ શકે. એટલે ટીમ ઈન્ડિયા યુઝવેન્દ્ર ચહલને રમાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...