પાકિસ્તાનીની એન્ટિક ફિલ્ડિંગ:બાબરે કીપિંગ ગ્લોવ્સ પહેરી ફિલ્ડિંગ કરી, અમ્પાયરે પાકિસ્તાનને 5 રનનો દંડ ફટકાર્યો; ટીમે 120 રનથી મેચ જીતી

18 દિવસ પહેલા

પાકિસ્તાનના ખેલાડીઓ આમ જોવા જઈએ તો હાસ્યાસ્પદ પાત્ર તરીકે અવારનવાર ટ્રોલ થતા આવે છે. ખરાબ અંગ્રેજી બોલવાની વાત હોય કે પછી મેદાન પર વિચિત્ર હરકતો કરવાની, ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનીઓની મજાક ઊડતી જ આવે છે. શુક્રવારે પાકિસ્તાન-વેસ્ટ ઈન્ડીઝની વન-ડે મેચમાં પણ આવું જ થયું હતું. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ એક હાથમાં વિકેટ કીપિંગ ગ્લોવ્ઝ પહેરીને મેદાનમાં ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. આ ભૂલને કારણે ઓન-ફિલ્ડ અમ્પાયરે પાકિસ્તાની ટીમ પર 5 રનનો દંડ ફટકાર્યો અથવા એમ કહીએ કે વેસ્ટ ઈન્ડીઝને બોનસ તરીકે 5 રન આપી દીધા હતા.

આ પેનલ્ટી પછી પાકિસ્તાની ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એકે ક્રિકેટના પુસ્તકનો ઉર્દૂમાં અનુવાદ કરવાની માગ કરી હતી, જેથી પાકિસ્તાની ખેલાડીઓ ક્રિકેટના નિયમો સારી રીતે જાણી શકે.

જાણો ક્રિકેટનો નિયમ શું કહે છે?
28.1 હેઠળ અમ્પાયરે આ દંડ આપ્યો છે, જેમાં લખ્યું છે કે વિકેટકીપર સિવાય કોઈપણ ખેલાડી ગ્લોવ્ઝ અને આઉટર લેગ ગાર્ડ જેવી વસ્તુઓ પહેરી શકશે નહીં. હા, બેટરની સૌથી નજીકનો ખેલાડી હેલ્મેટનો ઉપયોગ કરી શકે છે.

મેચ વચ્ચે ફેન ઘૂસ્યો

મેચમાં પાકિસ્તાની ઇનિંગ દરમિયાન એક પ્રશંસક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. આવી સ્થિતિમાં મેચ અધવચ્ચે અટકાવવી પડી હતી. જોકે તે 39મી ઓવરમાં શાદાબને મળી પાછો ફર્યો હતો.

ઇમામ 72 રન કરી આઉટ
પાકિસ્તાની ઇનિંગ્સની 28મી ઓવરમાં ઇમામ-ઉલ-હક 72 રન કરીને આઉટ થયો હતો. આનાથી ગુસ્સે થઈને ઈમામ પિચ પર જ પોતાનું બેટ પછાડતો જોવા મળ્યો હતો. ઇમામ મિડવિકેટ તરફ સિંગલ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા કેપ્ટન બાબર આઝમે જરા પણ રસ દાખવ્યો નહોતો. જ્યારે ઈમામ બીજા છેડે દોડી ગયો હતો ત્યારે બાબરે રન લેવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં ઈમામે પાછા ફરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.

વેસ્ટ ઈન્ડીઝને મળ્યો 276 રનનો ટાર્ગેટ
આ પેનલ્ટી પછી વેસ્ટ ઈન્ડીઝની ટીમને 276 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે કેરિબિયન ટીમ 32.2 ઓવરમાં 155 રન જ કરી શકી હતી. તેની તરફથી એસ. બ્રૂક્સે 42 રન કર્યા હતા, જ્યારે કાયલ મેયરે 33 રનનું યોગદાન આપ્યું હતું. પાક. બોલર મોહમ્મદ નવાઝે 4 અને મોહમ્મદ વસીમે 3 વિકેટ લીધી હતી.

અગાઉ પાકિસ્તાનની ઇનિંગમાં કેપ્ટન બાબર આઝમે 77 અને ઇમામ-ઉલ-હકે 72 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ અને ખુશદિલે 22-22 રન ઉમેર્યા હતા, જ્યારે અકીલ હુસૈને ત્રણ વિકેટ લીધી હતી. અલ્ઝારી જોસેફ અને એન્ડરસન ફિલિપ્સે બે-બે વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની મોટી જીત
ત્રણ મેચની વન-ડે સિરીઝની બીજી મેચ પાકિસ્તાનની ટીમે 120 રનના વિશાળ અંતરથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમે સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. તેણે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડીઝને પાંચ વિકેટે હરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...