તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Axar Patel Exclusive Interview Team India Spinner Would Like To Marry A Girl Who Can Adapt In His Family

અક્ષર પટેલનો EXCLUSIVE ઈન્ટરવ્યૂ:સ્ટાર સ્પિનર કોઈ મોડલ સાથે વિવાહ નહીં કરે, કહ્યું- એવી જીવનસાથી જોઈએ છે જે મારા ઘરમાં ખુશ રહે અને જેનાથી મારા ઘરવાળા પણ ખુશ રહે

3 મહિનો પહેલાલેખક: શીલા ભટ્ટ / વિક્રમ પ્રતાપ સિંહ
  • કૉપી લિંક
  • સુરતમાં રણજીની મેચમાં સારુ પ્રદર્શન કરતાની સાથે જ મારી કારકિર્દીને અલગ રાહ મળી હતીઃ અક્ષર પટેલ

માણસ ભલે ગમે તેટલા સફળતાના શીખરો સર કરે પરંતું તેના કદમ જમીનથી સ્પર્શ થયેલા જ હોવા જોઈએ. વર્તમાનમાં જીવો અને મહેનત કરો, ભવિષ્યની ચિંતા ન કરો. જીવનસાથી એવી હોવી જોઈએ જે ઘરના વાતાવરણમાં ભળી જાય અને ઘરવાળા પણ તેનાથી ખુશ રહે. જીવનનો આ બીજ મંત્ર કોઈ સંત-મહંતનો નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ધાકડ લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલનો છે.

ઈંગ્લેન્ડના વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણીમાં 3 મેચોમાં 27 વિકેટ ઝડપીને ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચાડનારા અક્ષર પટેલે ક્રિકેટ અને જીવન સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ અંગે divyabhaskar સાથે વિશેષ વાતચીત કરી હતી. જેમાં અક્ષરે તેની કારકિર્દીના ટર્નિંગ પોઈંન્ટ્સ, ભવિષ્યની યોજનાઓ, IPL સહિત બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી. ઈન્ટરવ્યૂના મુખ્ય અંશો.....

પહેલા પઠાણ બંધુઓ, પછી પંડ્યા બ્રધર્સ અને હવે તમે આવતાની સાથે જ સફળતાનો ડંકો વગાડી દીધો છે. એવું તો શું ગુજરાતમાં ખાસ થઈ રહ્યું છે, જેના કારણે આટલા બધા ટેલેન્ટેડ ખેલાડીઓ રાજ્યમાંથી આવી રહ્યા છે?
જે ખેલાડીઓ ઉચ્ચ સ્તરની ક્રિકેટમાં પ્રવેશ કરે છે તેમનો એ પ્રયાસ હોય છે કે, આવનારી પેઢી માટે તેઓ દૃષ્ટાંત ઊભું કરે. પંડ્યા બ્રધર્સ, જાડેજા, ઉનડકટ, પુજારા જેવા ખેલાડીઓ ગુજરાતથી આવ્યા છે. અમારી એજ કોશિશ હોય છે કે આવનારી પેઢીના ખેલાડીઓને અમે એક સ્ટેપ ઉપર લઈ જઈએ. યુવા ખેલાડીઓ અમારાથી શીખ પ્રાપ્ત કરતા હોય છે, જેના કારણે અમે બધા ખેલાડીઓ ગેમમાં અમારુ બેસ્ટ પર્ફોર્મન્સ આપીએ છીએ.

શું તમને લાગે છે કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સિલેક્ટ થવું એ તમારી કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતો?
મારા 2 ટર્નિંગ પોઈન્ટ હતા, 1 ગુજરાતની ટેસ્ટ ક્રિકેટ ટીમમાં મારું સિલેકશન અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બનવું. રણજી ક્રિકેટમાં સિલેક્ટ થયાના પહેલા વર્ષમાં હું અંડર-19 ઝોનલ ક્રિકેટનો હિસ્સો બની ગયો હતો. બીજા વર્ષે મને એકપણ મેચમાં રમવાની તક આપ્યા વગર અંડર-25માં મોકલી દીધો હતો.

તે સમયે સુરતમાં રણજીની મેચમાં ગુજરાતનો સામનો દિલ્હી જોડે થવાનો હતો. દિલ્હીની ટીમ મજબૂત હતી, તેમાં વીરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, મિથુન મન્સાહ જેવા બેટ્સમેનો હતા. ગુજરાતની મેનેજમેન્ટ ટીમને લાગ્યું કે આ પિચ પરથી સ્પિનર્સને સારી મદદ મળશે. તેથી તેઓએ રાતો-રાત ફોન કરીને મને અમદાવાદથી સુરત બોલાવ્યો હતો. તે મેચમાં મેં દિલ્હીની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટો લીધી હતી. આ મેચ તો ડ્રો રહી હતી, પરંતુ પહેલી ઈનિંગમાં ગુજરાત આગળ હોવાને લીધે અમને વધારે પોઈન્ટ્સ મળ્યા હતા. બસ આ મેચના મારા પ્રદર્શનથી મારી કારકિર્દી બદલાઈ ગઈ હતી.

ત્યારપછી 2013ની IPLમાં મારી પસંદગી થઈ હતી. જે મારી કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ હતો. હું જ્યારે 2014માં પંજાબ તરફથી રમતો હતો, ત્યારે પણ મેં કહ્યું હતું કે મુંબઈની ટીમનો ભાગ હોવું મને ઘણું ફાયદાકારક રહ્યું હતું. ત્યાં મને રિકી પોંન્ટિંગ, સચિન ટેન્ડુલકર, અનિલ કુંબલે, હરભજનસિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સાથ મળ્યો હતો. એમની પાસેથી મેં ઘણું સીખ્યું અને જેનાથી મને વિશ્વાસ આવ્યો કે અગર હું મહેનત કરીશ તો જરૂર ક્રિકેટ જગતમાં આગળ આવી શકીશ.

સચિન, પોંન્ટિંગ જેવા ખેલાડીઓ સાથે પહેલીવાર મુલાકાત કર્યાનો કેવો અનુભવ રહ્યો?
2013માં મુંબઈ ઈન્ડિયન્સમાં હું અને જસપ્રીત બુમરાહ એકસાથે ટીમમાં પસંદગી પામ્યા હતા. અમે બન્ને તો 2-3 દીવસ સુધી તેમને નિહાળતા રહ્યા હતા. આ તમામ ખેલાડીઓની માનસિકતા અને મહેનત કરવાની ધગસને જોઈને અમને પણ થયું હતું કે આગળ આવવું હોય તો સંપૂર્ણ સમર્પણ દાખવવું અત્યંત આવશ્યક છે. 2013માં મુંબઈ ઈન્ડિયન્સ ચેંમ્પિયન બન્યું હતું અને ચેમ્પિયન્સ લીગ પણ જીતી હતી. બસ આ સમય મારા માટે ટર્નિંગ પોઈન્ટ હતો અને ત્યારપછી હું એક અલગ જ ક્રિકેટર બની ગયો હતો.

તમારી કારકિર્દી નડિયાદ જેવા નાના શહેરથી શરૂ થઈ. કૌટુંબિક પૃષ્ઠભૂમિ પણ એકદમ સામાન્ય રહી છે. હવે તમે મોટા સ્ટાર છો. સ્ટારડમને કેવી રીતે સંભાળી રહ્યા છો?
માતા-પિતા અને તેમની પાસેથી શીખેલા પાઠ આ બાબતમાં મને મદદ કરે છે. પિતાએ શીખવ્યું હતું કે, ભૂલશો નહીં કે તમે ક્યાંથી આવ્યા છો અને તમે કેવી રીતે આવ્યા છો. તેથી, જ્યારે મિત્રો કહે છે કે તમે સ્ટાર બની ગયા છો અથવા તો કંઇક મારા મનમાં આવે છે કે હું આટલી મોંઘી વસ્તુઓ લઈ લઉં, પરંતું તે સમયે પિતાની વાત યાદ આવે છે અને હું પાછો જમીન પર આવી જઉં છું.

શું નાના શહેરથી આવવાના કારણે શરૂઆતમાં વાતાવરણમાં સમાયોજિત થવું મુશ્કેલ બને છે?
તમારી માનસિકતા કેટલી મજબૂત છે તેના પર નિર્ભર છે. નાના શહેરથી હોવાના કારણે ઘણીવાર વાતચિત કરવામાં તકલીફ પડતી હોય છે. જો કોઈ ગુજરાતથી જાય છે, તો શરૂઆતમાં તે ન તો હિન્દી બરાબર બોલી શકે છે કે ન તો અંગ્રેજી બોલી શકે છે. એટલા માટે ઘણીવાર વાત કરવામાં અચકાઈ જવાતું હોય છે. મારા મનમાં પ્રશ્નો આવતા હતા કે હું વાત કરું કે નહીં? શું કહેવું, શું પૂછવું? આ લોકો શું વિચારશે? આ લોકો મોટા શહેરમાં રહ્યા છે, તઓ મારા વિશે શું વિચારશે? પરંતુ, જ્યારે તમારી આસપાસની વ્યક્તિ પણ સારી હોય, ત્યારે તે તમને યોગ્ય મહેસૂસ કરાવે છે. તેને ખબર પડી જાય છે કે નવો માણસ થોડોક ખચકાઈ રહ્યો છે, અથવા તેને ભાષાની સમસ્યા છે.

જ્યારે હું મુંબઇ ઇન્ડિયન્સમાં જોડાયો હતો ત્યારે મને ઘણું એક્સપોઝર મળ્યું હતું. અનિલભાઈ તે સમયે કોચ હતા. તે આવીને વાતો કરતા હતા. ભજ્જુ પા (હરભજન સિંહ) આસપાસ મસ્તી-મજાકનું વાતાવરણ ઊભું કરતા હતા. તેઓ અમને ખુલીને વાત કરવા માટે તૈયાર કરી રહ્યા હતા. મને લાગે છે કે તમારા વરિષ્ઠ ખેલાડીઓ તમારી સાથે કેવું વર્તન કરે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમને કોણે સૌથી વધુ મદદ કરી હતી?
હું અને જસપ્રીત અંડર -19માં સાથે ગયા હતા. અમે બંન્ને એકબીજાને ખૂબ મદદ કરતા હતા. એકલા સાથી સાથે સમસ્યા થઈ શકે છે, પરંતુ મારી અને જસપ્રિતનું એક સાથે સિલેકશન થયું હોવાને કારણે અમારો માર્ગ સરળ થયો હતો. અમારી ટ્યુનિંગ એકદમ સારી હતી. આ સિવાય મેં કહ્યું તેમ ભજ્જુ પા, અનિલ કુંબલે, રિકી પોન્ટિંગ બધા જ અમારા પાસે આવતા અને મળતાં હતા જેથી અમને ઘણી મદદ રહી હતી.

તમે વ્હાઈટ બોલ ક્રિકેટમાં પહેલેથી જ એક સ્ટાર છો. તમે ઘણા વર્ષોથી IPLમાં રમી રહ્યા છો, પરંતુ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં આખી દુનિયાએ જોયું કે, અક્ષર પટેલની સાચી ક્ષમતા શું છે? તમારી કારકિર્દીમાં તમે આ શ્રેણીનું કેટલું યોગદાન ગણો છો?
આ શ્રેણીની યાદો મારી કારકિર્દીની શ્રેષ્ઠ યાદોમાં સામેલ છે અને તે હંમેશાં મારા માટે નંબર-1 પર રહેશે. જ્યારે પણ તમે ક્રિકેટ રમવાનું શરૂ કરો છો, ત્યારે તમારું લક્ષ્ય ભારત તરફથી રમવાનું હોવું જોઈએ. ભારતની ટેસ્ટ કેપ મેળવવી એ ખૂબ મોટી વાત છે. તમે વનડે અને ટી-20 રમવાનું ચાલુ રાખો છો, પરંતુ પાંચ દિવસીય રમત એક વાસ્તવિક પડકાર છે. થોડાક સમયમાં સાંભળ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટનું ભવિષ્ય બહુ સારું નથી, પરંતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને કારણે ઉત્તેજના વધી ગઈ છે. દેખીતી રીતે ભારત માટે ટેસ્ટમાં રમવાનું એક સ્વપ્ન મારું સાકાર થયું છે.

જ્યારે મેં રમવાનું શરૂ કર્યું, ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે હું ફ્લેટ બોલિંગ કરૂ છું, ફ્લાઈટ બોલિંગ ઓછી કરૂ છું. તું ટેસ્ટમાં સારું પ્રદર્શન નહીં કરી શકો. જ્યારે હું NCA (બેંગાલુરુ) માં જતો ત્યારે પણ બધા મને બોલ ફ્લાઈટ કરવા માટે કહેતા હતા, પરંતું મેં હંમેશાં મારી ક્ષમતા અને મારી કુશળતાને બેક કરી હતી.

હું માનું છું કે જે શૈલીએ મને અત્યાર સુધી સફળતા અપાવી છે તે મને આગળ પમ સફળ બનાવશે. મેં નક્કી કર્યું છે કે લોકોને મારા ગેમ પર જે પણ ટિપ્પણીઓ કરવી હોય તે કરે હું મારી કુશળતાને ધ્યાનમાં રાખીને જ રમતો રહીશ. પાછળથી મેં વિવિધતાના રૂપે સ્લોઅર બોલ પણ ફેંકવાનું શરૂ કર્યું હતું. ફાસ્ટ બોલ નાખવો એ મારી તાકાત છે અને હું માનું છું કે જો તમે તમારી તાકાત પ્રમાણે સખત મહેનત કરો છો તો તમને પરિણામ પણ સારૂ મળશે. હું ખુશ છું કે મારી રણનિતીએ ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં મને સફળતા અપાવી.

ભવિષ્યમાં, હું પિચ અને સ્થિતિને આધારે બોલિંગમાં બદલાવ લાવી શકું છું. હું એ પણ જાણું છું કે દરેક શ્રેણીમાં એક સરખું પ્રદર્શન મારાથી થશે નહીં, પરંતુ તેમ છતાં હું મારી શૈલી અને શક્તિને વળગી રહીશ.

તમે, રવિન્દ્ર જાડેજા અને કૃણાલ પંડ્યા, બધા લેફ્ટ હેન્ડ સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરો છો. સામાન્ય રીતે ટીમમાં આ ભૂમિકા માટે એક જ જગ્યા હોય છે. ખાસ વાત એ છે કે તમે ત્રણેય ગુજરાતના છો. તમે તેને કેવા પ્રકારે જોવો છો?
અમારા વચ્ચે હેલ્ધી સ્પર્ધા છે. આ બંન્ને મારા ઘણા સારા મિત્રો પણ છે. પંડ્યા બ્રધર્સ મારા માટે ભાઈઓની જેમ છે. હું તેમના સાથે એકદમ ક્લોઝ છું. જો તમે અમારા ત્રણેયને એક સાથે જોશો, તો એમ કહેશો કે અમે ભાઈઓ છીએ. જાડેજા અને ક્રુણાલ પણ જબરદસ્ત ક્રિકેટર છે. જ્યારે હેલ્ધી હરીફાઈ હોય, ત્યારે તમે એક ક્ષણ માટે પણ કંઈપણ હળવાશથી લેતા નથી. તમે જાણો છો કે જો તમે થોડુંક પણ કશું હળવાશથી લધું તો પછી કોઈ બીજું તમારું સ્થાન લઈ શકે. તેથી હું આ સ્પર્ધાને સકારાત્મક રીતે લઉં છું. હું જ્યારે પણ પ્રેક્ટિસ કરું છું, ત્યારે મને ખબર હોય છે કે જરાક પણ ઢીલાશ મને ભારે પડી શકે છે. તેથી હું વધુ સખત મહેનત કરું છું અને સતત કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરું છું.

અક્ષર તમારી શ્રેષ્ઠ બોલિંગને આખી દુનિયાએ જોઈ છે, પરંતુ તમે બેટિંગમાં પણ શ્રેષ્ઠ રહ્યા છો. તમે પહેલા પણ કહેતા આવ્યાં છો કે તમે એક બેટ્સમેન છો જે બોલિંગ પણ કરી શકે છે. હવે તમે શું માનો છો? અત્યારની પરિસ્થિતિએ મને બોલર વ્હૂ કેન બેટ (બોલર જે બેટિંગ કરી શકે છે) બનાવ્યો છે, પરંતુ હું હજી પણ મારી જાતને એક બેટ્સમેન ગણું છું. જ્યારે પણ મને એક પસંદ કરવાનું કહેવામાં આવે છે, ત્યારે હું બેટિંગ પસંદ કરું છું. જો કોચ પણ પૂછે કે તમારે પહેલા શું કરવાનું છે, તો હું પહેલા બેટિંગ કરું છું અને પછી બોલિંગ કરું છું.

બાળપણમાં તમે બેટિંગ અને બોલિંગમાંથી શું પસંદ કરતા હતા?
અંડર -19 સુધી હું બેટ્સમેન જ હતો. NCAમાં બેટ્સમેન્સ વધારે હોવાથી મને ઓલરાઉન્ડર તરીકે બોલર (સ્પિનર)ના જૂથમાં મૂકવામાં આવ્યો હતો. મેં નાણાવટી સાહેબને પણ કહ્યું હતું કે હું સ્પિનર ​​જૂથમાં શું કરીશ? મને સ્પિન નહીં કરી શકું, હું બેટિંગ કરીશ. સરએ કહ્યું હતું કે બેટિંગ પણ સ્પિનર ​​જૂથમાં ઉપલબ્ધ રહેશે. ત્યારથી, મેં 30 દિવસ સુધી એટલી બોલિંગ કરી કે તેના પછી મારું ધ્યાન બોલિંગ પર વધારે રહેવા લાગ્યું હતું. જેથી બેટિંગ ક્રમમાં મારું સ્થાન નીચે ખસકતું જતું હતું. 3 થી 4 ત્યારબાદ મેં 5, 6, 7 નંબર પર બેટિંગ શરૂ કરી દીધી હતી.

અક્ષર તમે ટેસ્ટ સિરીઝમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ આ પછી તમને T20 શ્રેણીમાં એક જ મેચ મળી અને વનડે ટીમમાં તમને સામેલ કરવામાં નહોતા આવ્યા. આ અંગે તમારે શું કહેવું છે?
હું પ્રથમ T20 રમ્યો હતો, પરંતુ ઇંગ્લેન્ડની ટીમમાં વધુ લેફ્ટ હેન્ડ ખેલાડીઓ હતા, તેથી હું ટીમના સંયોજનમાં ફિટ થઈ શક્યો ન હતો. સાથોસાથ યુઝી (યુઝવેન્દ્ર ચહલ) સારી બોલિંહ કરી રહ્યો હતો. તેથી, હું છેલ્લી ચાર મેચ રમ્યો ન હતો. આ સિવાય, ટેસ્ટ સિરીઝ દરમિયાન મને મારા ડાબા ઘૂંટણમાં થોડી સમસ્યા આવી હતી. તેથી વનડે શ્રેણીમાંથી બહાર રહેવું મારા માટે ઠીક હતું.

ભારતને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચાડવા માટે તમારી મોટી ભૂમિકા હતી. શું તમને લાગે છે કે ટેસ્ટ ચેમ્પિયનશીપની અંતિમ મેચમાં રમવાની તક તમને અપાશે?
આ અંગે હાલ કોઈપણ પ્રકારની પૂર્વ ધારણા બાંધવી મુશ્કેલ છે. જો અત્યારથી જ હું આ વિશે વિચારવા લાગીશ, તો તેનો અર્થ એ થશે કે હું વર્તમાનમાં નથી જીવી રહ્યો. આની અસર IPLના મારા પ્રદર્શન ઉપર પણ પડશે. હું હંમેશા એક-એક મેચના આધારે વસ્તુઓ પ્લાન કરું છું. જ્યારે પણ તમે વધારે આગળનું વિચારો છો ત્યારે તેનો પ્રભાવ તમારા વર્તમાન પરફોર્મન્સ ઉપર પડે છે. માત્ર આગળનું વિચાર કરવાથી, તમે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, પ્રક્રિયા પર ધ્યાન આપતા નથી. તેથી હું ફક્ત પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને વર્તમાનમાં જીવવાનો પ્રયાસ કરું છું.

અત્યારે મોટાભાગના યુવાનો સ્ટાર ક્રિકેટર બનવા માટે રમતા હોય છે. IPLમાં રમવા માંગતા હોય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પૈસા કમાવવાનો હોય છે. જેમાંથી કેટલાક ફેલ થાય છે, તો કેટલાક પાસ થાય છે. તમે આ યુવાનોને શું સલાહ આપવા ઈચ્છો છો?
પૈસા કમાવવા માટે નહીં પરંતુ પોતાના પેશન માટે રમવું જોઈએ. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે રિપ્રેઝેન્ટ કરવું છે એ માનસિકતાથી રમવું જોઇએ. છેલ્લે તો ગેમને એન્જોય કરવાની હોય છે. આવું કરવાથી તમે ટેસ્ટ ટીમમાં પણ આવશો અને IPLમાં પણ આવશો. દેશના માટે રમવાની માનસિકતા સાથે રમવું હોય તો બીજી તકો મળતી જ રહેશે. અત્યારે જેટલા પણ યુવા ક્રિકેટરોને હું જોઉં છું એ બધા IPL અને રણજીમાં રમવાની તક મળે બસ એવી વાતો ઉચ્ચારતા હોય છે. જે મારા મત અનુસાર યોગ્ય નથી.

તમે અત્યારે ક્રિકેટ જગતમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરી લીધા છે, આગળ તમારા શું પ્લાનિંગ છે?
ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું સપનું હતું મારા દિલમાં જે સાકાર થઈ ગયું છે. દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવવાથી વધારે મારું બીજું કોઈ સપનું નથી અને તેનાથી વધુ ખુશી પણ મને નહીં મળે. અત્યારે મારે ત્રણેય ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવું છે. આનાથી વિશેષ મારા મનમાં બીજા કોઈ સપનાઓ નથી. મારા માતા-પિતાને ખુશ રાખી તેમના દરેક સપના પુરા કરવા, એજ મારો પડાવ છે. મને જ્યારે પણ સમય મળે છે હું તેમની સાથે બેસું છું અને વાતો કરતો હોઉં છું. મારા આસપાસના લોકો મારાથી ખુશ છે બસ એજ મારા માટે એક મોટી ઉપલબ્ધિ છે.

એવું સાંભળવામાં આવ્યું છે કે ક્રિકેટમાં પોલિટિક્સ પણ બહું છે, આના પર તમારા શું વિચારો છે?
હું એવું માનું છું કે જો તમારા પાસે યોગ્ય કૌશલ્ય છે અને મહેનત કરો છો, તો કોઈપણ પોલિટિક્સ તમારું કશું બગાડી શકતું નથી. દરેક ટીમની ઈચ્છા હોય છે કે તેની પાસે સારા ખેલાડીઓ હોય અને પ્રત્યેક મેચ જીતે. કેટલાક લોકો પોતાના મનને મનાવવા માટે કહેતા હોય છે કે પોલિટિક્સના કારણે તેમને તક ના મળી. પરંતુ એ વાત તદ્દન તથ્ય વગરની છે. જો તમારા પાસે યોગ્ય કૌશલ્ય હશે તો મને કહો કઈ ટીમ તમને પસંદ નહીં કરે? જે વસ્તુ તમારા હાથમાં છે તેના પર ફોકસ કરશો તો સારું રહેશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તમે શાનદાર પ્રદર્શન દર્શાવ્યું હતું. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ વિશે તમે શું કહેવા માંગો છો? મેચ દરમિયાન પિચને લઈને પણ ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું હતુ, તમારો શું મત છે આના પર?
હું પોતાને ઘણો ખુશનસીબ માનું છે કે આ સ્ટેડિયમ મારા રાજ્યમાં છે. હું મોટાભાગે આ સ્ટેડિયમમાંજ અભ્યાસ કરતો રહું છું. એક ક્રિકટરને જ પણ જોઈએ છે એ તમામ સુવિધાઓ આ સ્ટેડિયમમાં ઉપલબ્ધ છે. ગુજરાતી હોવાના કારણે હું ઘણો નસીબદાર છું કારણ કે ડોમેસ્ટિક ક્રિકેટ માટે અમે આ સ્ટેડિયમનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ.

જ્યાં સુધી પિચની કોન્ટ્રોવર્સીની વાત રહી તો 30 માંથી 21 વિકેટો તો સીધા બોલ ઉપર પડી છે, તો તેમા પિચને ખોટી કહેવી યોગ્ય નથી. જ્યારે અમે ગ્રીન ટોપ વિકેટો પર રમીએ છીએ તો ક્યારેય પણ અમે પિચનો વાંક નથી કાઢતા. જ્યારે અમે સાઉથ આફ્રિકા ગયા હતા ત્યારે પિચ અસમતલ હતી અને તેમાં તિરાડો હતી. હું પણ તે ટીમનો હિસ્સો હતો, તેવામાં કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે બન્ને ટીમો માટે પિચ એક સરખી છે, આપણે ગેમ પર ધ્યાન આપવું જોઈએ પિચ પર નહીં.

અક્ષર પટેલના માતા-પિતા તેમના નિવાસ સ્થાન પર
અક્ષર પટેલના માતા-પિતા તેમના નિવાસ સ્થાન પર

તેમે એમ કહો છો કે હું લકીમેન છું, તો શું આ લકીમેનને જીવનસાથી મળી ગઈ?
ના, હજું સુધી આ લકીમેનને જીવનસાથી નથી મળી. જો આવું થઈ જાય તો હું વધારે નસીબદાર થઈ જઈશ.

હવે તો તમે ફેમસ છો, સેલિબ્રિટી સ્ટાર છો. તો કેમ નથી મળી? કાં તો તમે હજું સુધી શોધી નથી કે શું?
આમ જોવા જઈએ તો મળી જ જાય મને પણ. પરંતુ હું ઈચ્છું છું કે મારી જીવનસાથી મારા માં-બાપને પણ સારી રીતે રાખે. મારા ઘરવાળા પણ એનાથી ખુશ હોય. અગર મેં કોઈ મોડલ જોડે લગ્ન કરી લીધા તો એ મારા ઘરના વાતાવરણમાં એડજસ્ટ નહીં થઈ શકે. મને તો અમેરિકાથી પણ સંબંધોના માંગા આવે છે. પરંતું મારા મત મુજબ સંબંધ એવો હોવો જોઈએ જે ઘરવાળા અને છોકરીવાળા એમ બન્ને માટે યોગ્ય હોય. હું બહાર મેચ માટે વિદેશના પ્રવાસે હોઉં અને મને ખબર પડે કે ઘરમાં કંકાશ ચાલી રહ્યો છે, તો મારું મન ક્યાંય નહીં લાગી શકે. તેવામાં પત્ની-માતા એમ બન્નેના પક્ષમાં રહીને મારે સંબંધોને સાચવવા પડશે નહીંતર બેન્ને મારાથી નારાજ રહેશે.

અક્ષર એવું કહેવાય છે કે ક્રિકેટ ફિઝિકલ અને મેન્ટલ એમ બન્ને દૃષ્ટિએ ઘણું પડકારરૂપ છે, તમારે આના પર શું કહેવું છે?
હાં, એક ક્રિકેટરે માનસિક રૂપે મજબૂત રહેવાની જરૂર હોય છે, કોઈપણ પરિસ્થિતિમાં માનસિક રૂપે સક્ષમ રહીને સાચો નિર્ણય લેવો એજ એક ક્રિકેટરની કારકિર્દીને આગળ લઈ જાય છે.