અફઘાનિસ્તાન સામેની સિરીઝ ઓસ્ટ્રેલિયા નહીં રમે:તાલિબાનના મહિલાઓ પ્રતિ પ્રતિબંધોના કારણે ઓસ્ટ્રેલિયન બોર્ડ નારાજ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ(CA)એ અફઘાનિસ્તાનના સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝને રમવાથી ઈન્કાર કરી દીધો છે. આ સિરીઝ માર્ચના અંતમાં UAEમાં રમાવવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડે તાલિબાનના કેટલાક નિર્ણયોના કારણે આ મોટું પગલું ભર્યું છે અને સિરીઝ રમવાથી ઈન્કાર કરી દીધો છે.

ઓસ્ટ્રેલિયન ટીમ ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસે છે, જેમાં તે ચાર ટેસ્ટ અને ત્રણ વન-ડે મેચની સિરીઝ રમવાની છે. ત્યારબાદ UAEમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ ત્રણ વન-ડે મેચની સિરીઝ શેડ્યુલ હતી. પરંતુ હવે ઓસ્ટ્રેલિયન ટીમ આ સિરીઝ નહીં રમે.

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ઘણા પ્રતિબંધ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનું રાજ છે. તેઓએ તેમના દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર ઘણા પ્રકારે પ્રતિબંધો લાદી રાખ્યા છે. તેમને અભ્યાસ સાથે ઘરની બહાર કામ કરવાનો પણ અધિકાર નથી. રમતોમાં પણ છોકરીઓને આવવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. ત્યારે તાલિબાનના આ નિર્ણયના કારણે ઓસ્ટ્રેલિયન બોર્ટે ક્રિકેટની સિરીઝ રમવાથી ઈન્કાર કરી દીધો છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડે તેમના એક નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, 'CA (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા) અફઘાનિસ્તાન સહિત વિશ્વભરમાં મહિલાઓ અને પુરૂષોને રમતમાં લાવવા અને તેમના વિકાસને લઈ પ્રતિબદ્ધ છે. સાથે જ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે તેમના દેશની મહિલાઓ અને છોકરીઓની સ્થિતિને સારી બનાવવા માટે સતત સંપર્ક કરવામાં આવી રહ્યા છે.'

ICC પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી
CAએ સપોર્ટ માટે પોતાની ઓસ્ટ્રેલિયન સરકારનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું હતું કે 'અમારા આ નિર્ણય(અફઘાનિસ્તાન સાથેની સિરીઝ રદ્દ કરવા બદલ)ને સપોર્ટ કરવા માટે આભાર.' તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના CEO જીઓફ એલાર્ડિસે પણ અફઘાનિસ્તાનમાં વધતા આ મુદ્દાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

વન-ડે સુપર લીગમાં અફઘાન ટીમને મળશે પોઇન્ટ્સ
અફઘાનિસ્તાન એવો એકલો આઈસીસીનો ફુલ મેમ્બર છે, જેમાં મહિલા ટીમ નથી. 14 જાન્યુઆરીથી શરૂ થનારી અંડર 19 મહિલા T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમે ભાગ નથી લીધો. ત્યારે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે સિરીઝની વાત કરીએ, તો આ ICC વન-ડે સુપર લીગ હેઠળ રમાવવાની હતી.

એટલે જીતનાર ટીમને વન-ડે વર્લ્ડ કપમાં ICC વન-ડે સુપર લીગના અંક મળવાના હતા. ત્યારે હવે જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝને રદ્દ કરી દીધું છે, તો સિરીઝના 30 ટકા અંક અફઘાનિસ્તાનના ખાતામાં જોડી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...