એશિઝની રોમાંચક 258 મિનિટ:બટલરે 4 કલાક અને 207 બોલ સુધી હાર ટાળી, AUSની રણનીતિ ફ્લોપ રહી; હિટવિકેટ થતા કાંગારુએ મેચ જીતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડરે હાર માની લીધી હોય તેમ લાગ્યું

એડિલેડમાં રમાયેલી એશિઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 275 રનથી હરાવી સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. પિંક બોલ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે 468 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં રૂટ એન્ડ ટીમ માત્ર 192 રન કરી શકી હતી. આ દરમિયાન ક્રિસ વોક્સ 44 રન કરી ટોપ સ્કોરર રહ્યો હતો. વળી ઓસ્ટ્રેલિયાના ઝાય રિચર્ડસને શાનદાર બોલિંગ કરી 5 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં સદી અને બીજીમાં ફિફ્ટી મારી માર્નસ લાબુશેનને મેન ઓફ ધ મેચ પસંદ કરાયો છે.

બટલર મેચ બચાવી શક્યો નહીં
છેલ્લા દિવસે ઇંગ્લેન્ડના બેટર જોસ બટલરે મેચ બચાવવા પોતાનું સંપૂર્ણ સમર્પણ આપી દીધું હતું. તેણે પહેલા 2 સેશનમાં ઓસ્ટ્રેલિયન બેટરનો સામનો કર્યો હતો. પરંતુ છેલ્લા સેશનમાં ટીમ માટે મેચ બચાવવામાં તે નિષ્ફળ રહ્યો હતો અને 207 બોલમાં 26 રન કરી વિચિત્ર રીતે હિટવિકેટ આઉટ થયો હતો. આની સાથે જ ઓસ્ટ્રોલિયાએ મેચમાં દબદબો જાળવી રાખી ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટ મેચમાં પણ હરાવ્યું હતું.

ટોપ ઓર્ડરે હાર માની લીધી
ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. 86ના સ્કોર પર ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઓપનર હસીબ હમીદ 0, રોરી બર્ન્સ 34, કેપ્ટન જો રૂટ 24, ડેવિડ મલાન 20 અને ઓલી પોપ 4 રને આઉટ થયા હતા. ત્યારપછી, ટીમ માટે મેચ બચાવવાની સંપૂર્ણ જવાબદારી બેન સ્ટોક્સ અને જોસ બટલર પાસે હતી, પરંતુ સ્ટોક્સ 2019 લીડ્ઝ ટેસ્ટમાં જેવું પ્રદર્શન કર્યું હતું તેનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ ગયો અને પેવેલિયન ભેગો થયો હતો.

ઇંગ્લેન્ડે પહેલા બે સેશનમાં તાકાત બતાવી
બટલર અને ક્રિસ વોક્સે 7મી વિકેટ માટે 61 રન જોડીને કાંગારૂ બોલરોને વિકેટ લેવા માટે વિચારતા કરી દીધા હતા. તેવામાં ઝાઈ રિચર્ડસને વોક્સ (44)ની વિકેટ લઈને આ ભાગીદારી તોડી હતી. ઓલી રોબિન્સન અને બટલરે પણ 8મી વિકેટ માટે 87 બોલ રમ્યા અને 12 રન જોડ્યા હતા.

AUSને આઠમી સફળતા અપાવવા માટે નેથન લાયને રોબિન્સનને આઉટ કર્યો હતો. જોકે, જોસ બટલરે હિંમત હારી નહતી અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું હતું.

ઇંગ્લેન્ડ પહેલી એકતરફી મેચમાં પણ હાર્યું
એશિઝ સિરીઝની પહેલી મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી,જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે એકતરફા અંદાજે 9 વિકેટથી મેચ જીતી સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. તેવામાં હવે બીજી મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન ટીમ મેલબર્ન ખાતે ઇંગ્લેન્ડ સામે 26 ડિસેમ્બરે મેચ રમશે.

અન્ય સમાચારો પણ છે...