• Gujarati News
  • Sports
  • Cricket
  • At The Ashes, Spectators Clashed With England Players, Saying: "Bairstow, Take Off Your Clothes And Stokes, You Are Fat."

અંગ્રેજો સાથે અવળચંડાઈ:એશિઝમાં દર્શકો ઇંગ્લેન્ડના પ્લેયર્સ સામે ભડક્યા, કહ્યું- સ્ટોક્સ, તું તો જાડો થઈ ગયો છે; બેયરસ્ટો તારાં કપડાં ઉતારી દે

16 દિવસ પહેલા
  • ઇંગ્લેન્ડ ટીમના ડાયરેક્ટર પણ દર્શકોની વાતો સાંભળી સ્તબ્ધ થઈ ગયા

એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઈ રહી છે, જેના ત્રીજા દિવસે જ્યારે સેશન પૂરું થયું ત્યારે ઇંગ્લેન્ડના બેટર બેન સ્ટોક્સ અને જોની બેયરસ્ટો ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન દર્શકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને પછી તો બંને ખેલાડીઓ પણ તેમની સાથે વિવાદમાં ઊતરી ગયા હતા, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. તો ચલો, આપણે આ અંગે વિગતવાર માહિતી મેળવીએ....

દર્શકોએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો
ડ્રેસિંગ રૂમ પાસે બેઠેલા કેટલાક દર્શકોએ ઇંગ્લેન્ડના પ્લેયર્સને કહ્યું હતું કે સ્ટોક્સ, તું તો જાડો થઈ ગયો છે અને ઓ બેયરસ્ટો, અહીં શું જુએ છે ?, તારાં કપડાં ઉતારી દે ચલ જલદીથી. આવું કરવાથી બેયરસ્ટો તારું વજન ઓછું લાગશે.

બેયરસ્ટો અને સ્ટોક્સ ભડક્યા
પહેલાં તો દર્શકોને અવગણી તેઓ ડ્રેસિંગ રૂમ તરફ આગળ વધ્યા, પરંતુ કેટલાક લોકો અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા રહ્યા એટલે બંને બેટર ગુસ્સે થયા હતા. બેયરસ્ટોએ કહ્યું હતું કે દોસ્ત, આમ જોવા જઈએ તો તમને અવગણીને દૂર જતા રહેવામાં જ અમારી ભલાઈ છે, તમે લોકો તો સાવ નબળા છો.

ઇંગ્લેન્ડ ટીમના ડાયરેક્ટર પણ સ્તબ્ધ
આ ઘટના ઘટી ત્યારે ઇંગ્લેન્ડ ટીમના ડાયરેક્ટર એશ્લે જાઈલ્સ પણ ત્યાં જ ઊભા હતા. તેઓ પણ પહેલા તો આ વિવાદ થતા જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પછી જોકે એશ્લે વચ્ચે ના પડ્યા. બેયરસ્ટો અને સ્ટોક્સે જ્યારે ઉગ્ર ચર્ચા કરી પરત ફર્યા ત્યારે એશ્લે જાઈલ્સે બંનેની પીઠ થાબડી હતી. જોકે આ ત્રણેય દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કાઢી મુકાયા હતા.

પ્રેસ-કોન્ફરન્સમાં બેયરસ્ટોનો ઘટસ્ફોટ
મેચ પછી બેયરસ્ટોએ કહ્યું હતું કે જ્યારે દિવસ પૂરો થયો ત્યારે તેઓ ત્યાં હોત તો સારું થાત, પરંતુ દુર્ભાગ્યવશ, અંતે આ લોકો ત્યાં નહોતા. તેઓ ટેસ્ટ ક્રિકેટનો શાનદાર દિવસ ચૂકી ગયા છે. દર્શકો તરફથી જે ખરાબ ભાષાનો પ્રયોગ થયો હતો એ દેખીતી રીતે સારો નહોતો અને એની જરૂર પણ નહોતી. અમે અમારું કામ કરવા ત્યાં ગયા હતા. વળી, તેમની સાથે અન્ય દર્શકો ત્યાં ક્રિકેટની મજા માણી રહ્યા હતા, પરંતુ આ વાતને પણ નકારી ન શકાય કે કેટલીકવાર લોકો તમામ મર્યાદા ઓળંગી જાય છે, જેથી આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો મહત્ત્વપૂર્ણ છે.

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે શાનદાર ફિફ્ટી ફટકારી હતી. આ એશિઝમાં તેની આ પ્રથમ ફિફ્ટી છે. આની સાથે જ જોની બેયરસ્ટોએ મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સમગ્ર સિરીઝમાં ઈંગ્લેન્ડની બેટિંગ ઘણી નબળી રહી છે, જેથી ટીમ સિરીઝમાં 3-0થી પાછળ છે અને એશિઝ પણ હારી ગઈ છે. એ જ સમયે ચોથી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમે ઈંગ્લેન્ડ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...