ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં વિરાટ કોહલીના ફોર્મ અંગેનો સવાલ પુછવા પર ગુસ્સે થયા હતા. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ T-20 સિરીઝ માટે આયોજીત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેણે વિરાટ કોહલીનો બચાવ કર્યો હતો.
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વન-ડે સિરીઝમાં સંપૂર્ણરીતે ફ્લોપ રહ્યો હતો, જ્યારે રોહિતને આ મામલે સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું, આ બધી વાતો તો મીડિયા જ શરુ કરે છે. જો થોડા સમય માટે મીડિયા શાંત થઈ જાય તો બધુ બરાબર થઈ જશે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ T-20 સિરીઝ 16 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે.
જણાવી દઇએ કે વેસ્ટઈન્ડિઝ સિરીઝ પહેલા સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન બંને વચ્ચે કેપ્ટનશીપ મુદ્દે અણબનાવના સમાચાર સામે આવ્યા હતા, ટેસ્ટ સિરીઝ બાદ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી.
કેપ્ટને કહ્યું- કોહલી પર કોઈ દબાણ નથી
રોહિતે આગળ કહ્યું કે જો વિરાટને લઈને થનારી ચર્ચા તમે (મીડિયા) બંધ કરી દેશે તો બધુ બરાબર થઈ જશે. કોહલી પર કોઈ દબાણ નથી અને તે ટૂંક સમયમાં સારુ પ્રદર્શન કરશે. રોહિતને વારંવાર કોહલી મુદ્દે સવાલો પુછવામાં આવી રહ્યા હતા તેથી તે પ્રેસ કોન્ફરન્સમાં ખુશ નહોતો જણાતો.
હાર્દિક પંડ્યા અંગે પણ રોહિતે સ્પષ્ટતા કરી
ટીમ ઈન્ડિયાની બહાર રહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સવાલ પર રોહિત શર્માએ કહ્યું અમારું શિડ્યુલ ખુબ જ વ્યસ્થ છે જેથી ખેલાડીઓને ઈજા તો થવાની છે. મુદ્દો એ મહત્વનો છે કે અમે તે ખેલાડીઓને રમવાની તક આપીએ કે જે ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ સારુ પ્રદર્શન કરી શકે. હાર્દિક પંડ્યા એક મહત્વપૂર્ણ ખેલાડી છે, તે કમાલનો ઓલરાઉન્ડર છે. અમે તે મુદ્દે ચર્ચા કરી નથી કે તેઓ માત્ર એક બેટ્સમેનના સ્વરુપે રમી શકે છે કે નહીં. તે જ્યારે સાજો થાય ત્યારે અમે આ વિશે વાત કરીશું.
રોહિતે કહ્યું, ટીમનો દરવાજો દરેક માટે ખુલ્લો જ છે. અમે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી લેતા. અમે યોગ્ય ટીમ સાથે દરેક મેચમાં ઉતરવા ઈચ્છીએ છીએ. T-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં થવાનો છે અને ત્યા અમારે જુદી-જુદી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. અમને દરેક પ્રકારના ખેલાડીની જરુર પડશે. આ જ કારણે અમે દરેક તબક્કે અમારો પક્ષ મજબૂત કરવા ઈચ્છીએ છીએ.
વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઈન્ડિયન ટી-20 ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (વાઈસકેપ્ટન), વેંકટેશ અય્યર, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ, ઋતુરાજ ગાયકવાડ, દીપક હુડા અને કુલદીપ યાદવ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.