એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને ટકરાશે. ગુરુવારે એશિયા ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે એશિયન ક્રિકેટનો 3 વર્ષનો રોડ મેપ બહાર પાડ્યો હતો. એશિયા કપ આ વખતે વન-ડે વર્લ્ડ કપની પહેલા સપ્ટેમ્બરમાં રમાશે. વન-ડે વર્લ્ડ કપ ભારતમાં જ રમાવવાનો છે. એશિયા કપ પણ વન-ડે ફોર્મેટમાં જ રમાશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. આ ઉપરાંત ભારત-પાકિસ્તાન વુમન્સ T20 ઇમર્જીંગ એશિયા કપ, મેન્સ ઇમર્જીંગ 50 ઓવર એશિયા કપ અને મેન્સ અંડર-19 એશિયા કપમાં પણ આમને-સામને ટકરાશે.
પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે યજમાની
એશિયા કપની યજમાની પાકિસ્તાનને આપવામાં આવી હતી. પણ થોડા દિવસો પહેલા જ એશિયા ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે જાહેરાત કરી હતી કે એશિયા કપ પાકિસ્તાન સિવાય ન્યૂટ્રલ વેન્યૂ પર રમાડવામાં આવશે. તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ આનો વિરોધ કર્યો હતો અને તેણે વન-ડે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. જોકે તે હવે અધ્યક્ષ રહ્યો નથી. તો બીજીબાજુ એશિયન ક્રિકેટ કાઉન્સિલે હજુ આ વાતની પુષ્ટી કરી નથી કે ટૂર્નામેન્ટ ક્યાં રમાશે.
6 ટીમ ભાગ લેશે
વન-ડે એશિયા કપમાં કુલ 6 ટીમ ભાગ લેશે. એક ગ્રુપમાં ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર-1 છે. જ્યારે બીજા ગ્રુપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. લીગ સ્ટેજમાં કુલ 6 મેચ હશે. લીગ સ્ટેજમાંથી એક ગ્રુપની બે ટીમ આગલા રાઉન્ડમાં જશે. આ પછી રાઉન્ડ રોબિન ફોર્મેટમાં સુપર-4 મેચ રમાશે. આ દરમિયાન 4 ટીમની વચ્ચે કુલ 6 મેચ રમાશે. પછી ફાઈનલ રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે.
ગત વર્ષે શ્રીલંકા ચેમ્પિયન બન્યું હતું
ગત વર્ષે એશિયા કપ ઑગસ્ટમાં UAEમાં રમાયો હતો. જોકે તેની યજમાની શ્રીલંકાએ કરી હતી. શ્રીલંકામાં આર્થિક અને રાજનૈતિક ઉથલ પાથલના કારણે UAEમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો. એશિયા કપ ગત વર્ષે T20 ફોર્મેટમાં રમાયો હતો. શ્રીલંકાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં બન્ને મેચ જીતીને સુપર-4માં પહોંચી હતી, પરંતુ પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારીને બહાર થઈ ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.