અર્જુન તેંડુલકરે પિતા જેવી જ કમાલ કરી:રણજી ડેબ્યુમાં સેન્ચુરી ફટકારી, 34 વર્ષ પહેલાં સચિને તેંડુલકરે પણ આવું પરાક્રમ કર્યું હતું

3 મહિનો પહેલા

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડ્સ આજે ઘર-ઘરમાં જાણીતા છે. અમુક લોકોને તો તેમની રણજી ડેબ્યુ મેચ વિશેની પણ ખબર હોય છે. સચિન તેંડુલકરે વર્ષ 1988માં પોતાનું રણજી ટ્રોફી ડેબ્યુ કર્યું હતું. ત્યારે તેમણે પોતાની પહેલી જ મેચમાં સેન્ચુરી ફટકારીને સૌકોઈનું ધ્યાન દોર્યું હતું. આ પછી ઈતિહાસ બની ગયો. ત્યારે હવે આજે 34 વર્ષ પછી તેમના પુત્ર અર્જુન તેંડુલકરે પણ આવું જ પરાક્રમ કરી બતાવ્યું છે. અર્જુને પોતાની રણજી ડેબ્યુ મેચમાં જ સેન્ચુરી ફટકારી દીધી છે. અર્જુને ગોવા તરફથી રમતાં રાજસ્થાનની સામે આ સદી મારી છે.

મજાની વાત એ છે કે સચિન તેંડુલકરે પણ પોતાની રણજી મેચમાં પહેલી સદી ડિસેમ્બર મહિનામાં મારી હતી અને આજે અર્જુને પણ ડિસેમ્બર મહિનામાં ડેબ્યુ મેચમાં જ સેન્ચુરી ફટકારી દીધી હતી. હાલ અર્જુન તેંડુલકર સેન્ચુરી મારીને નોટઆઉટ રહ્યો છે. તો ગોવાની ટીમ પહેલી ઇનિંગમાં 400 રનની નજીક પહોંચી ગઈ છે.

સચિન તેંડુલકરે ગુજરાત સામે સદી ફટકારી હતી
સચિને 1988માં પ્રથમ રણજી મેચમાં ગુજરાત સામે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમણે 129 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. એ સમયે તેમની ઉંમર માત્ર 15 વર્ષની હતી. તેમણે પોતાની ઇનિંગમાં 12 ચોગ્ગા ફટકાર્યા હતા. તેમને બીજી ઇનિંગમાં બેટિંગ કરવાની તક મળી નહોતી. આ મેચ ડ્રો રહી હતી. ત્યારે સચિન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી નાની ઉંમરે સદી મારનાર ભારતીય બેટર હતા. સચિને ત્યાર પછી દુલીપ ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં પણ ડેબ્યુ મેચમાં સેન્ચુરી ફટકારી હતી.

રાજસ્થાનની ટીમ બે વખતની રણજી ચેમ્પિયન
અર્જુન તેંડુલકરે કોઈ નાની ટીમ સામે સેન્ચુરી ફટકારી નથી. રાજસ્થાનની ટીમ બે વખતની રણજી ચેમ્પિયન છે. તે ટીમમાં કમલેશ નાગરકોટી, મહિપાલ લોમરોર જેવા IPL સ્ટાર્સ પણ છે.

સચિન તેંડુલકર તેમના પુત્ર અર્જુનને ટિપ્સ આપતા નજરે ચડે છે.
સચિન તેંડુલકર તેમના પુત્ર અર્જુનને ટિપ્સ આપતા નજરે ચડે છે.

સુયશ પ્રભુ દેસાઈએ પણ સદી ફટકારી
ગોવા તરફથી સુયશ પ્રભુ દેસાઈએ સદી ફટકારી હતી. તે અત્યારે અર્જુન સાથે ક્રીઝ પર છે. બન્ને વચ્ચે ગોવા માટે છઠ્ઠી વિકેટની 100+ રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. આ પહેલાં સ્નેહલ કૌથંકરે 104 બોલમાં 59 રન બનાવ્યા હતા. બીજી તરફ, રાજસ્થાન તરફથી અનિકેત ચૌધરી સફળ બોલર છે. તેણે અત્યાર સુધી 23 ઓવરમાં 57 રન આપીને 2 વિકેટ ઝડપી છે, જ્યારે કમલેશ નાગરકોટી, અરફત ખાન, માનવ સુથારને 1-1 સફળતા મળી છે.

અર્જુન IPLમાં મુંબઈ તરફથી રમે છે
અર્જુન તેંડુલકર ઓલરાઉન્ડર છે. તે ઝડપી બોલિંગ સાથે બેટિંગ પણ કરે છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તેને હજુ સુધી ડેબ્યુ કરવાની તક મળી નથી. તેણે અત્યાર સુધી રમાયેલી 9 T20 મેચમાં 12 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પર્ફોર્મન્સ 10 રનમાં 4 વિકેટ હતું, જ્યારે લિસ્ટ-A ક્રિકેટમાં તેણે 7 મેચમાં 8 વિકેટ ઝડપી છે. 32 રનમાં 2 વિકેટ તેનું બેસ્ટ પર્ફોર્મન્સ છે.