ઇંગ્લેન્ડ સામે 5 T-20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડે બેટિંગ અને બોલિંગ બંને ડિપાર્ટમેન્ટમાં ભારતથી સારું પ્રદર્શન કર્યું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી શૂન્ય રને આદિલ રાશિદની બોલિંગમાં આઉટ થયો. તે સતત બીજી ઇનિંગ્સમાં ઝીરો પર આઉટ થયો. આ પહેલાં અમદાવાદ ખાતે જ ચોથી ટેસ્ટમાં પણ ખાતું ખોલાવી શક્યો નહોતો તેમજ છેલ્લી પાંચ ઇનિંગ્સમાં ત્રીજીવાર ઝીરો પર આઉટ થયો. મેચ પછી કોહલીની નિષ્ફ્ળતા ટ્રેન્ડિંગમાં છે. ફેન્સ તેને ટ્રોલ કરી રહ્યા છે.
કેપ્ટન તરીકે 14મી વાર ઝીરો પર આઉટ થયો વિરાટ
વિરાટ આ મેચમાં ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો. તે કપ્તાન તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 14મી વાર શૂન્ય રને આઉટ થયો હતો. તે હવે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ભારતીય કપ્તાન બની ગયો છે. તેણે સૌરવ ગાંગુલીના 13 ઝીરોનો રેકોર્ડ તોડ્યો છે. ધોની કપ્તાન તરીકે 11, કપિલ દેવ 10 વાર ઝીરો પર આઉટ થયા હતા.
છેલ્લી પાંચ ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 3 વાર ઝીરો
કોહલી પોતાની છેલ્લી 5 ઇન્ટરનેશનલ ઇનિંગ્સમાં 3 વાર ઝીરો પર આઉટ થયો છે. આ પહેલાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પોતાની અંતિમ 4 ઇનિંગ્સમાં તેણે 0,62,27,0 રન કર્યા હતા.
સૌથી વધુ શૂન્ય રને આઉટ થનાર ભારતીય બેટ્સમેન
હરીફ ટીમ સામે શૂન્ય રને આઉટ થનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકરનું નામ મોખરે છે. સચિન 34 વખત શૂન્ય પર આઉટ થયો હતો, જ્યારે આ યાદીમાં વિરેન્દ્ર સેહવાગ 31 વખત, સૌરવ ગાંગુલી 29 વખત, તો વિરાટ કોહલી 28 વખત આઉટ થયો છે. આ ઉપરાંત છ બોલમાં છ સિક્સ મારનાર યુવરાજ સિંહ પણ 26 વખત ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો છે.
હું ઇન્સ્ટાગ્રામ મોડલ છું કે બેટ્સમેન?
સોશિયલ મીડિયા પર ફેન્સ વિરાટને ભારે ટ્રોલ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે વિરાટ કન્ફ્યુઝ છે કે હું બેટ્સમેન છું કે ઇન્સ્ટાગ્રામ મોડલ? ઉલ્લેખનીય છે કે કોહલી તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો વટાવનાર પ્રથમ ભારતીય બન્યો હતો. આ સિવાય અન્ય મિમ્સ જે વાઇરલ થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.