ICC તેની દરેક ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરે છે. આ બન્ને કટ્ટર હરીફો 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ટકરાશે. આ વર્લ્ડ કપ વેસ્ટઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે યોજાનાર છે. અમેરિકન ક્રિકેટ બોર્ડના પ્રમુખ અતુલ રાયે દાવો કર્યો છે કે ભારત-પાકિસ્તાનની મેચ વેસ્ટઈન્ડિઝમાં નહીં પણ અમેરિકામાં થશે.
રાયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'ફ્લોરિડામાં ભારત-વેસ્ટઈન્ડિઝની મેચને સ્થાનિક પ્રશંસકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. મેચની તમામ ટિકિટો વેંચાઈ ગઈ હતી. એટલા માટે અમને લાગે છે કે જો ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પણ અહીં યોજાય તો તેને ચાહકોનો જબરદસ્ત સમર્થન મળશે.'
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઑગસ્ટમાં ભારતે વેસ્ટઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ 5 T20 અને 3 વન-ડે સિરીઝ રમી હતી. છેલ્લી T20 ફ્લોરિડામાં રમાઈ હતી, જે ભારતે 88 રને જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ T20 સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી.
હવે જુઓ ફ્લોરિડામાં રમાયેલી ભારત-વેસ્ટઈન્ડિઝની મેચના ફોટોઝ...
ભારત-પાકની મેચ માત્ર અમેરિકામાં જ શા માટે?
ICCની ટૂર્નામેન્ટ કમિટીએ બે વખત અમેરિકાના અલગ-અલગ શહેરોની મુલાકાત લીધી છે. તેમણે અનેક મેદાનોની મુલાકાત લીધી છે. 2024 T20 વર્લ્ડ કપની આ મેચની યજમાની અમેરિકાને આપવામાં આવી રહી છે, કારણ કે ત્યાં ભારત અને પાકિસ્તાન મૂળની મોટી વસ્તી છે.
તેની પાછળનું બીજું કારણ એ છે કે ICC અમેરિકામાં પણ ક્રિકેટને લોકપ્રિય બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યાં બેઝબોલ, બાસ્કેટબોલ, ફૂટબોલ જેવી લોકપ્રિય રમતો છે.
દરેક વર્લ્ડ કપમાં શા માટે ભારત-પાકિસ્તાન મેચ થાય છે?
ભારત-પાકિસ્તાનની દુશ્મનાવટ વિશ્વમાં પ્રખ્યાત છે. છેલ્લા 10 વર્ષથી બન્ને ટીમ વચ્ચે કોઈ બાઇલેટરલ સિરીઝ રમાઈ નથી. ICC આનો ફાયદો ઉઠાવે છે અને દરેક ટૂર્નામેન્ટમાં આ બન્ને ટીમ વચ્ચે મેચનું આયોજન કરે છે. સામાન્ય રીતે આ મેચ ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં થાય છે. આ ટૂર્નામેન્ટને હાઇપ આપે છે. આવી સ્થિતિમાં, ICC અને યજમાન દેશ ટિકિટ, પ્રાયોજકો વગેરેથી મોટી કમાણી કરે છે. આખા વર્લ્ડ કપના દર્શકોની એક તૃતીયાંશ સંખ્યા આ મેચથી આવે છે.
આ પહેલા વન-ડે વર્લ્ડ કપમાં પણ ટક્કર થશે
આગામી T20 વર્લ્ડ કપ 2024માં યોજાવાનો છે. આ વર્ષની શરૂઆતમાં વન-ડે વર્લ્ડ કપ ભારતમાં યોજાવાનો છે. આમાં પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો થવાનો છે. જોકે હાલ તો એશિયા કપને લઈને બન્ને દેશના બોર્ડ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
BCCIના સેક્રેટરી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ જય શાહે કહ્યું હતું કે ભારતીય ટીમ એશિયા કપ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. એટલા માટે એશિયા કપ પાકિસ્તાનની બહાર શિફ્ટ કરવામાં આવશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેનો વિરોધ કરી રહ્યું છે. PCBના પૂર્વ અધ્યક્ષ રમીઝ રાજાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય.
આ પછી રમીઝ રાજાને અધ્યક્ષ પદ ગુમાવવું પડ્યું હતું. હવે નજમ સેઠીને PCBના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે વર્લ્ડ કપ માટે ટીમને ભારત મોકલવી કે નહીં તે પાકિસ્તાનની સરકાર નક્કી કરશે. જે બોર્ડ નિર્ણયનું પાલન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.