ચર્ચામાં-વિરાટ કોહલી:એગ્રેસિવ અને ફાસ્ટેસ્ટ : ક્રિકેટને જીવે છે પણ વિવાદોમાં રહે છે વિરાટ

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવાદો સાથે વિરાટનો જૂનો નાતો રહ્યો છે

જન્મ: 5 નવેમ્બર, 1988 દિલ્હી
શિક્ષણ: ધોરણ-12
પરિવાર: પત્ની અનુષ્કા, પુત્રી વામિકા
સંપત્તિ: 900 કરોડ રૂપિયા
(મીડિયા રિપોર્ટ્સ મુજબ)

ભારતીય ટેસ્ટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ફરી વિવાદમાં છે. જોકે, આ વખતે વિવાદ કોઇ ખેલાડી સાથે નહીં પણ સીધો બીસીસીઆઇ સાથે છે. બીસીસીઆઇએ વન-ડે ટીમનું સુકાનીપદ તેની પાસેથી લઇને રોહિત શર્માને આપી દીધું છે. તેનાથી નારાજ વિરાટે પ્રેસ કોન્ફરન્સ કરીને બોર્ડ દ્વારા તેને હટાવવા અંગે અપાયેલાં નિવેદનોને ખોટાં ગણાવ્યાં છે. તેના આ આક્રમક વર્તન મુદ્દે બીસીસીઆઇના ચેરમેન સૌરવ ગાંગુલી ભારે નારાજ છે. જોકે, વિરાટે તેના વર્તનને કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હોય તેવું આ પહેલીવાર નથી બન્યું.

2018માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાતી ટેસ્ટમેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેન સાથે તેનું આક્રમક વર્તન પણ ચર્ચામાં રહ્યું હતું. તેના આ વર્તન અંગે અભિનેતા નસીરુદ્દીન શાહે ટિ્વટ કરી તેને વિશ્વનો સૌથી ખરાબ વર્તન કરનારો ખેલાડી ગણાવ્યો હતો. પત્રકાર રાજદીપ સરદેસાઇએ તેમની બુક ‘ડેમોક્રસી ઇલેવન’માં એક પસંદગીકારને ટાંકીને લખ્યું છે કે 2009ની આઇપીએલ દરમિયાન વિરાટ ડ્રિન્કિંગ, હેરસ્ટાઇલ અને ટેટૂમાં વધુ રસ ધરાવતો હતો. તેથી તેને લગભગ 13 મહિના સુધી ટીમની બહાર રખાયો.

જોકે, વિરાટે એ બતાવ્યું કે તે રમત પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. તેનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે 2006માં રણજી ટ્રોફી દરમિયાન તેના પિતાનું અવસાન થયું તેના થોડા કલાકો બાદ જ વિરાટ કર્ણાટક-દિલ્હી વચ્ચેની મેચ રમવા મેદાને ઉતર્યો હતો અને દિલ્હીની તેની ટીમ વતી 90 રન કર્યા હતા.

બાળપણ : ત્રણ વર્ષની ઉંમરે બેટ પકડ્યું
1988ની 5 નવેમ્બરે દિલ્હીના એક પંજાબી પરિવારમાં જન્મેલા વિરાટ કોહલીના પિતા પ્રેમ કોહલી વકીલ હતા. માતા સરોજ ગૃહિણી છે. એક મોટો ભાઇ (વિકાસ) અને એક મોટી બહેન (ભાવના) છે. વિરાટે એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે તેણે માત્ર 3 વર્ષની ઉંમરે બેટ પકડી લીધું હતું. તે તેના પિતા સાથે ઘણીવાર ક્રિકેટ રમતો. 9 વર્ષનો હતો ત્યારે તેના પિતાએ એક ક્રિકેટ એકેડમીમાં એડમિશન અપાવ્યું. 2008માં તેની કેપ્ટનશિપમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યો. તે વર્ષે જ તેણે ભારતીય ટીમ માટે રમવાનું શરૂ કર્યું.

સિદ્ધાંત : પેપ્સી, ફેર એન્ડ લવલીની એડ. માટે ના પાડી
વિરાટે પેપ્સી અને ફેર એન્ડ લવલી ક્રીમની એડ. લાંબા સમય સુધી કરી પણ 2017માં બે કારણથી તેણે આ બંને એડ. કરવાની ના પાડી દીધી. પહેલું: તે પોતે આ પ્રોડક્ટ્સ નથી વાપરતો. બીજું: ફિટનેસ માટે તે યુવાઓનો આદર્શ હોવાને કારણે આવી એડ્સ તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

લિજેન્ડ : એક વર્ષમાં આઇસીસીના પાંચ મોટા એવોર્ડ
​​​​​​​વર્ષ 2018માં તેને આઇસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર, આઇસીસી મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, આઇસીસી મેન્સ ઓડીઆઇ ક્રિકેટર ઓફ ધ યર, કેપ્ટન ઓફ આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યર અને કેપ્ટન ઓફ આઇસીસી મેન્સ ઓડીઆઇ ટીમ ઓફ ધ યર એવોર્ડથી નવાજાયો.

ઓસ્ટ્રેલિયન દર્શકોને મિડલ ફિંગર બતાવી- 2011માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે સિડની ટેસ્ટમાં ઓસ્ટ્રે. દર્શકોએ ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહેવાનું શરૂ કરી દેતાં વિરાટે મિડલ ફિંગર બતાવી દીધી. તે બદલ તેને 50% મેચ ફીનો દંડ કરાયો હતો.

નિયમ તોડીને અનુષ્કાને મળવા પહોંચી ગયો- 2015ની IPLમાં દિલ્હી ડેરડેવિલ્સ સામેની મેચ દરમિયાન બોક્સમાં અનુષ્કા શર્મા સાથે વાત કરતો દેખાયો હતો. BCCIના નિયમાનુસાર ખેલાડી માત્ર સાથી ખેલાડીઓ, કોચ અને સ્ટાફ સાથે જ વાત કરી શકે. વોર્નિંગ આપીને છોડી દેવાયો હતો.

કોચ અનિલ કુંબલે સાથે વિવાદ- 2016માં પૂર્વ સુકાની અનિલ કુંબલેના કોચિંગ દરમિયાન તેની શિસ્ત વિરાટ સહિતના ખેલાડીઓને માફક ન આવી. માત્ર 1 વર્ષમાં જ કુંબલેએ કોચપદ છોડી દીધું. બાદમાં તેણે કહેલું કે સુકાની કોહલી અને તેની વચ્ચેનું અંતર ઘણું વધી ગયું હતું.

પત્રકાર સાથે જીભાજોડી કરી- 2015માં ભારતીય ટીમ પર્થમાં પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ત્યાં અંગ્રેજી અખબારના પત્રકારો પહોંચ્યા. તેમને જોતાં જ વિરાટ ગુસ્સામાં મન ફાવે તેમ બોલવા લાગ્યો. મૂળે અખબારમાં અનુષ્કા વિશે ઘણું લખાયું હતું, જેના કારણે વિરાટ નારાજ હતો.

અન્ય સમાચારો પણ છે...