ઈન્ડિયન ટીમ દ.આફ્રિકા વિરૂદ્ધ 5 T20 મેચની સિરીઝ રમવા જઈ રહી છે. રવિવારે કટકમાં રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાના બેટર્સ ફ્લોપ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ મેચમાં એકપણ ભારતીય બેટર ફિફ્ટી ફટકારી શક્યા નહોતા. વળી બીજી બાજુ કેપ્ટન રોહિત અને સ્ટાર બેટર વિરાટ કોહલીલ અત્યારે IPLનો થાક દૂર કરવા માટે રજા લઈને વેકેશન પર પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટ્સના આધારે વિરાટ કોહલી અને રોહિત પોતાના પરિવાર સાથે માલદીવ્સમાં સમય પસાર કરી રહ્યા છે.
સીનિયર ખેલાડીઓ રજા પર અને ટીમનો ધબડકો
હવે અત્યારે સવાલ એ સામે આવી રહ્યો છે કે IPLમાં રમનારા વિદેશી ખેલાડીઓ જો પોતાની ટીમ સાથે જોડાઈ શકે છે તો રોહિત અને વિરાટ કેમ ઈન્ટરનેશનલ મેચ સ્કિપ કરી રહ્યા છે! ભારત સામેની સિરીઝમાં દ.આફ્રિકન ટીમ પોતાના વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી છે, જ્યારે ભારતીય ટીમની કમાન પણ યુવા કેપ્ટનના હાથમાં છે તથા અનુભવી બેટિંગ લાઈનઅપ પણ જોવા મળી રહી નથી.
માત્ર દ.આફ્રિકાની સિરીઝ જ નહીં આપણે જો ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ પર નજર કરીએ તો ટ્રેન્ટ બોલ્ટ, ટિમ સાઉથી અને જોની બેયરસ્ટો પણ ટીમ સાથે જોડાઈ ગયા છે. આ તમામ ખેલાડીઓ પણ IPL રમી ચૂક્યા છે.
રાશિદ ખાન પણ બેસ્ટ આપી રહ્યો છે
ગુજરાત ટાઈટન્સની ટીમનો રાશિદ ખાન પણ અત્યારે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી T20 સિરીઝમાં રમી રહ્યો છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝમાં નિકોલસ પૂરન વેસ્ટઈન્ડિઝ માટે રમી રહ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેની સિરીઝમાં પણ બંને ટીમમાં મોટાભાગના ખેલાડીઓ જોડાઈ ગયા છે. માત્ર ટીમ ઈન્ડિયાના સિનિયર્સ જ અત્યારે આરામ કરી રહ્યા છે.
IPLમાં વિરાટ અને રોહિતનું ખરાબ પ્રદર્શન
રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે-ઓફમાં પહોંચી શકી ન હતી. આની સાથે જ રોહિત પણ બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે 14 મેચમાં 20ની એવરેજથી માત્ર 268 રન કર્યા હતા. જ્યારે વિરાટનું પ્રદર્શન પણ IPLમાં કંઈ ખાસ રહ્યું નહોતું. સિઝનમાં ત્રણ વખત, તે ગોલ્ડન ડકમાં આઉટ થયો હતો. (એટલે કે, પ્રથમ બોલ પર ખાતું ખોલ્યા વિના) કોહલીએ 16 મેચમાં 22.73ની એવરેજથી 341 રન કર્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 115.99 રહ્યો હતો.
આ વર્ષે ટીમ ઈન્ડિયા નવેમ્બરમાં T20 વર્લ્ડ કપ પણ રમવાની છે. વર્લ્ડ કપમાં ભારત જેવા જ ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા છે. આવી સ્થિતિમાં આ મહત્વપૂર્ણ શ્રેણી પહેલા ખેલાડીઓની રજા સમજની બહાર છે. ટીમ ઈન્ડિયા પણ સતત બે પરાજયનો ભોગ બની રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.