• Gujarati News
  • Sports
  • Cricket
  • After Half The Team Returned To The Pavilion For 58 Runs, The Players Made A Strong Comeback, Proving Dubai's History Wrong.

શ્રીલંકા ત્રણ ચમત્કારોથી બન્યું ચેમ્પિયન:58 રનમાં અડધી ટીમ પેવેલિયનમાં પરત ફર્યા બાદ ખેલાડીઓએ જોરદાર વાપસી કરી, દુબઈના ઈતિહાસને ખોટો સાબિત કર્યો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવી એશિયા કપ 2022નું ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ ટુર્નામેન્ટ 1984માં પ્રથમ વખત આયોજિત કરવામાં આવી હતી. 38 વર્ષમાં છઠ્ઠી વાર શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની છે. ટૂર્નામેન્ટની શરૂઆતમાં શ્રીલંકાને નબળી ટીમોમાંથી એક માનવામાં આવી રહી હતી. પરંતુ મેચમાં ખેલાડીઓેએ સર્વશ્રેષ્ઠ દેખાવ કરી સમગ્ર ક્રિકેટ જગતને સ્તબ્ઘ કરી દીધું. પોતાના દેશમાં આર્થિક અને રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે શ્રીલંકાના ક્રિકેટરોએ ખિતાબ જીત્યો છે તે કોઈ ચમત્કારથી ઓછો નથી. ચમત્કારો પણ એક-બે નહીં પણ ત્રણ થયા છે. ચાલો જાણીએ તેના વિશે.

1.અફઘાનિસ્તાનથી હાર્યા પછી લાગ્યું કે શ્રીલંકાની ટીમ રાઉન્ડમાંથી બહાર થઈ જશે

શ્રીલંકા માટે આ એશિયા કપની શરૂઆત કોઈ પડકારથી ઓછી ન હતી. પહેલી જ મેચમાં ટીમ અફઘાનિસ્તાનથી હારી ગઈ. ત્યારે એવું લાગ્યું કે, શ્રીલંકાની ટીમ બાંગ્લાદેશ સામે હારી શકે છે અને પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પરંતુ, શ્રીલંકાની ટીમે આ વખતે અદ્ભુત એકતા દર્શાવીને વાપસી કરી. પહેલા બાંગ્લાદેશને હરાવીને સુપર-4માં જગ્યા બનાવી. ત્યારબાદ અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાનને હરાવીને ટોચ પર રહીને ફાઈનલ માટે ક્વોલિફાય થયું.

અફઘાનિસ્તાન સામેની મેચમાં હાર્યા પછી શ્રીલંકાએ જોરદાર વાપસી કરીને એશિયા કપનું ટાઈટલ જીત્યુ હતુ.
અફઘાનિસ્તાન સામેની મેચમાં હાર્યા પછી શ્રીલંકાએ જોરદાર વાપસી કરીને એશિયા કપનું ટાઈટલ જીત્યુ હતુ.

2. ફાઇનલમાં 100 રનની અંદર ઓલઆઉટ થવાનો ખતરો

પાકિસ્તાન સામે ફાઇનલમાં ટોસ હાર્યા બાદ શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવાની ફરજ પડી હતી. સૌથી ખરાબ ઘટના ત્યારે બની જ્યારે ઓપનર કુશલ મેન્ડિસ પહેલી જ ઓવરમાં ક્લીન બોલ્ડ થયો. તે સમયે ટીમનો સ્કોર માત્ર બે રન હતો. બીજી વિકેટ 23 રનના સ્કોર પર અને ત્રીજી વિકેટ 36 રનના સ્કોર પર પડી. આમ,ચોથી અને પાંચમી વિકેટ પણ પડી. 9 ઓવર પૂરી થવાની હતી અને સ્કોર બોર્ડ પર માત્ર 58 રન હતા. 100 રનમાં ટીમ પર ઓલઆઉટ થવાનો ખતરો હતો. આ પછી ભાનુકા રાજપક્ષે (45 બોલમાં 71 રન) અને વાનિન્દુ હસરંગા (21 બોલમાં 36 રન)એ જોરદાર બેટિંગ કરીને ટીમને વાપસી કરાવી હતી. શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. આ એક સ્કોર એવો હતો જે ફાઈનલ જેવી પ્રેશર મેચમાં હરીફોને દબાણમાં લાવવા માટે પૂરતો હતો.

3. દુબઈના ઈતિહાસને ખોટો પુરવાર કર્યો

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર છેલ્લા T20 વર્લ્ડ કપથી એશિયા કપ સુધી ટોપ-9 ટીમો વચ્ચે કુલ 13 મેચ રમાઈ હતી અને બીજા નંબરે બેટિંગ કરનાર ટીમે તમામ મેચ જીતી હતી. આથી શ્રીલંકાનો 170 રનનો સ્કોર પાકિસ્તાન માટે સરળ હતો. છેવટે, ટ્રેક રેકોર્ડ આમ તો એકતરફી હતો, પરંતુ અહીંથી શ્રીલંકાએ ત્રીજો મોટો ચમત્કાર કર્યો અને પાકિસ્તાનની ટીમ 147 રનમાં જ સિમિત રહી હતી. શ્રીલંકાએ એશિયા કપનો ખિતાબ જીત્યો. હવે શ્રીલંકાની ટીમ સૌથી વધુ વખત એશિયા કપ જીતવાના મામલે ભારત કરતાં માત્ર એક ડગલું પાછળ છે. આગળના ગ્રાફિક્સમાં જુઓ કે કઈ ટીમે કેટલા ટાઈટલ જીત્યા છે.