• Gujarati News
  • Sports
  • Cricket
  • After A Long Break, Neeraj Chopra Starts Special Fitness Training, Video Of Him Doing Various Exercises In The Gym Goes Viral

ગોલ્ડન બોય ફિટનેસ મોડમાં:12 કિલો વજન વધી જતાં નીરજ ચોપરાએ ખાસ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું, જીમમાં કસરત કરતો વીડિયો વાઈરલ

11 દિવસ પહેલા
  • બ્રેક ટાઈમ દરમિયાન નીરજે ડાયટ ચાર્ટ અનુસર્યો નહોતો

ટોક્યો ઓલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કરનારો જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યો છે. તેણે લાંબાગાળાના બ્રેક પછી ફરીથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. તેના કોચે ઈન્સ્ટાગ્રામમાં પ્રેક્ટિસ સેશનનો ખાસ વીડિયો શેર કર્યો હતો, જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે પ્રયત્ન અને મહેનત વચ્ચે કોઈપણ વિકલ્પ હોતો નથી. તેણે જીમમાં વર્કઆઉટ સેશનમાં ભાગ લીધો હતો જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

અમેરિકામાં નીરજ એક્શનમાં આવ્યો
અત્યારે નીરજ ચોપરા અમેરિકામાં છે અને પેરિસ ઓલિમ્પિક માટે ખાસ તૈયારી કરી રહ્યો છે. અત્યારે ત્યાં તે જીમમાં રોપ્સ વડે કસરત કરી રહ્યો છે. તેવામાં વચ્ચે મીડિયાના અહેવાલો પ્રમાણે નીરજનું વજન પણ ઘણું વધી ગયું હતું. તેવામાં પેરિસ ઓલિમ્પિક 2024 પહેલા તે ફરીથી ફિટ થઈ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા પ્રયાસ કરશે. આ સમયે નીરજ જેવી રીતે મહેનત કરી રહ્યો છે તેનો વીડિયો કોચે શૂટ કર્યો હતો.

બ્રેક ટાઈમ દરમિયાન નીરજે ડાયટ ચાર્ટ અનુસર્યો નહોતો
નીરજ ચોપરાના કોચે જણાવ્યું હતું કે ટોક્યોથી પરત ફર્યા પછી નીરજે પોતાને થોડો સમય આપવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેણે પોતાની જીતની ઉજવણી કરી અને ડાયટ ચાર્ટને અનુસર્યા વિના મનગમતું વ્યંજન ખાધું હતું. જેના કારણે 12 કિલો જેટલું તેનું વજન વધી ગયું હતું. પરંતુ હવે જ્યારે ફરી એકવાર તે મિશન મોડમાં આવી ગયો છે, ત્યારે તે રૂટીન ડાયટ અનુસરવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...