• Gujarati News
  • Dvb original
  • A Step Towards Bringing Women On An Equal Footing In Cricket, The BCCI's Decision Will Boost The Passion Of The Women's Team

ભાસ્કર ઓપિનિયનસમાન મેચ ફી:ક્રિકેટમાં મહિલાઓને સમાન સ્તરે લાવવાની દિશામાં એક પગલું, BCCIના નિર્ણયથી મહિલા ટીમનો જુસ્સો વધશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક કવિએ કહ્યું છે કે દુનિયામાં જ્યાં પણ મહિલાઓને સ્થાન (સન્માન) મળી રહ્યું છે... સમજી લેવું ત્યાં મારા આત્માને શાંતિ મળી રહી છે. આજે ભારતમાં માત્ર મહિલા ક્રિકેટ જ નહીં, પરંતુ મહિલા ક્રિકેટરોને પણ મોટું સન્માન મળ્યું છે. નેધરલેન્ડ્સને 56 રને હરાવીને T20 વર્લ્ડ કપમાં ગ્રુપ-2માં આપણી પુરુષ ક્રિકેટ ટીમ ચોક્કસપણે ટોપ પર પહોંચી ગઈ છે, પરંતુ ખરું સન્માન મહિલા ક્રિકેટરોને મળ્યું છે.

BCCIએ પ્રથમ વખત મહિલા ક્રિકેટરોની મેચ ફી પુરુષ ક્રિકેટરોની સમકક્ષ કરવાની જાહેરાત કરી છે. આ માત્ર મેચ ફીની વાત નથી, પરંતુ સ્પોર્ટ્સમાં મહિલાઓના સન્માનની વાત છે. પુરુષોની બરાબર મહિલાની રમતોને લાવવાની જવાબદારી હવે નિભાવવી પડશે. ચોક્કસપણે ક્રિકેટ બોર્ડ જ્યારે મહિલા ક્રિકેટને સન્માન આપી રહ્યું છે, તેમને આગળ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તેમની મેચની સંખ્યામાં વધારો થઈ શકે છે.

હવે ચર્ચા મહિલા IPLની પણ ચાલી રહી છે, એ પણ થશે, જે મહિલા ક્રિકેટના વિકાસમાં ચાર ચાંદ લગાવશે. દર્શકો પણ અત્યારસુધી માત્ર પુરુષોના ક્રિકેટને જ વધુ મહત્ત્વ આપતા આવ્યા છે. મહિલાઓની મેચ દરમિયાન ઘણીવાર સ્ટેડિયમ ખાલી જોવા મળે છે. ક્રિકેટ બોર્ડના પ્રયાસોથી માની શકાય કે હવે મહિલાઓની મેચ દરમિયાન પણ સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જવાના દિવસો આવી રહ્યા છે.

જ્યાં સુધી મેચમાં સમાન ફીની વાત છે, તો કોઈ વિશ્વાસ નહીં કરે કે અત્યારસુધી મહિલા અને પુરુષ ક્રિકેટરોની મેચ ફીમાં ઓછામાં ઓછા છ ગણો તફાવત હતો. અત્યારસુધી ક્રિકેટરોને વન-ડે અને T20 માટે એક લાખ અને ટેસ્ટ મેચ માટે ચાર લાખ મળતા હતા. હવે તેમને T20 માટે ત્રણ લાખ, વન-ડે માટે છ લાખ અને ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા મળશે.

આ વધારો ચોક્કસપણે મહિલા ક્રિકેટને નવી ઊર્જા આપશે અને આ સાથે ક્રિકેટ બોર્ડનો ઉત્સાહ પણ વધશે. જોકે હાલમાં એન્યુઅલ રિટેનર ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જ્યાં સૌથી મોટી અસમાનતા રહેલી છે. મહિલા ક્રિકેટરો માટે આ ફી વધુમાં વધુ પચાસ લાખ રૂપિયા છે, જ્યારે પુરુષો માટે એ મહત્તમ સાત કરોડ રૂપિયા છે, જેમાં ફેરફાર કરવાની જરૂર છે, જેના વિશે હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

ધીમે-ધીમે બધું થશે અને આ વાર્ષિક ફીમાં ફેરફારો પણ યોગ્ય સમયે થશે. મેચ ફી દ્વારા હવે મહિલાઓના સમાન અધિકારની શરૂઆત થઈ ગઈ છે. આવનારાં વર્ષોમાં મહિલા ક્રિકેટ પ્રત્યે દર્શકોનો ગજબનો ઉત્સાહ જોવા મળશે, એવો વિશ્વાસ છે