ઈન્ટરવ્યૂ - મોહમ્મદ આમિર:ભારત-પાક.ની સરકાર ઈચ્છે તો જ બંને દેશ વચ્ચે સીરિઝ શક્ય

ચંદીગઢ12 દિવસ પહેલાલેખક: ગૌરવ મારવાહ
  • કૉપી લિંક

પાકિસ્તાનનો ઝડપી બોલર મોહમ્મદ આમિર કોરોનામાંથી મુક્ત થયા બાદ અબુ ધાબી ટી-10 લીગમાં રમવા તૈયાર છે. તે બાંગ્લા ટાઈગર્સ સાથે જોડાશે. તે રિકવરી બાદ ટીમની સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આમિરે કહ્યું કે, ‘ટી-10 ફોર્મેટ ખેલાડીઓને દબાણમાં રમતા શીખવાડે છે. તેમાં જે ખેલાડી પોતાની રણનીતિને લાગુ કરી શકે તે જ સફળ થાય છે. ’ આમિરે યુએઈમાં ભારત-પાક. સીરિઝના આયોજન અંગે પણ વાત કરી. તેની સાથેની વાતચીતના મુખ્ય અંશ...

  • ટી-10 ફોર્મેટ કેટલું મુશ્કેલ, એક બોલર તરીકે શું વિચારો છો?

આ ફોર્મેટમાં સ્કિલ્સ પર વધુ કામ કરવું પડે છે, ભૂલ ન કરી શકો. રન અપ સમયે જ વિચારી લઈએ છીએ કે શું કરવાનું છે. જે વિચાર્યું તે કરી શકો તો જ સફળ રહો છો. આ ફોર્મેટ દબાણમાં રમતા શીખવાડે છે. ઘણા દેશમાં આ ફોર્મેટમાં મેચો રમાય છે, તેને ઓલિમ્પિકનો ભાગ બનાવવો જોઈએ.

  • યુએઈ દ્વારા ભારત-પાક. સીરિઝનો પ્રસ્તાવ અપાયો છે, શું કહેશો?

આ એક સારો વિચાર છે. પરંતુ બંને દેશની સરકાર નહીં ઈચ્છે ત્યાં સુધી કંઈ જ નહીં થાય. દુબઈ માત્ર પ્રસ્તાવ આપી શકે છે. સરકારની મંજૂરી બાદ જ બંને દેશના ક્રિકેટ બોર્ડ કોઈ વિચાર રજૂ કરી શકે છે. જો દુબઈમાં આઈપીએલ રમાઈ શકે તો ભારત-પાક.ની સીરિઝ પણ શક્ય છે.

  • પાક.ના વર્લ્ડ કપમાં પ્રદર્શન અને હસનને ટ્રોલ કરવા મુદ્દે શું કહેશો?

પાક.નું પ્રદર્શન શાનદાર રહ્યું. ટીમ મેનેજમેન્ટમાં ફેરફાર થયો છે. કોચ 1-2 મહિનાના કોન્ટ્રાક્ટ પર આવ્યા, આવી સ્થિતિમાં રમવું મોટી વાત છે. હસન અલીને ટ્રોલ કરવું ખોટું છે. ક્રિકેટ ના જાણનાર જ આમ કરે છે.

  • તમે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, શું ફરી પાક. માટે રમશો?

મારી સાથે કોઈએ આ અંગે હજુ વાત કરી નથી. મને કમબેકની ઓફર મળશે તો હું રમીશ. હાલ પરિવારને સમય આપી રહ્યો છું, વિવિધ ક્રિકેટ લીગમાં રમી રહ્યો છું. હું કમબેક માટે કોઈના પગે નથી પડવાનો. જો કોઈ તમને તેના ઘરમાં ન પ્રવેશવા દે તો ત્યાં જવું જ શા માટે.

  • કરિયરમાં કોની સામે બોલિંગ કરવી પડકારજનક હતી?

મેં જ્યારે 2009માં રમવાનું શરૂ કર્યું, ત્યારે વન-ડેમાં વૉટ્સન સામે બોલિંગ કરવું મુશ્કેલ હતું. જ્યારે ટેસ્ટમાં ટ્રૉટ સામે બોલિંગ કરવું પડકારજનક હતું. તે પછી કોહલી અને સ્મિથ સામે બોલિંગ કરવું મુશ્કેલ રહ્યું. કોહલી આ દાયકાનો શ્રેષ્ઠ બેટ્સમેન છે, તેની સ્ટાઈલ અલગ છે. સ્મિથની ટેક્નિકથી તેના શૉટ અંગે વિચારી ન શકો.

  • હવે બોલર્સ સ્લોઅર બોલ વધુ વાપરે છે, આ અંગે શું કહેશો?

મારા માટે સ્વિંગ સૌથી વધુ જરૂરી છે. પરંતુ આજના ક્રિકેટમાં ઘણા ફેરફાર આવ્યા છે. બોલની ગુણવત્તા પણ બદલાઈ છે. આ બોલ ઓછી સ્વિંગ થાય છે, મેચ હાઈસ્કોરિંગ રહે છે. જ્યારે બોલર્સને સ્વિંગ ના મળે ત્યારે તે મોટાભાગે સ્લોઅર બોલ, વેરિએશન પર ફોક્સ કરે છે.

અન્ય સમાચારો પણ છે...