ભાસ્કર વિશેષ:વર્લ્ડ કપ અગાઉ થકવનાર કાર્યક્રમ, ભારતીય ટીમ 14 દિવસમાં 8800 કિલો મીટરનો પ્રવાસ કરશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી-20 વર્લ્ડ કપ અગાઉ ટીમ સપ્ટેમ્બર અને ઓક્ટબરમાં 9 મેચ રમશે

ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપના 5 દિવસ પહેલા સુધી ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરશે. ટીમ ઈન્ડિયા સપ્ટે. અને ઓક્ટોબરમાં 9 મેચ ઘરઆંગણે રમશે. ટીમનો ઓસ્ટ્રેલિયા અને દ.આફ્રિકાથી સામનો થશે. ઓસ્ટ્રેલિયા સામે 3 ટી-20 મેચની સીરિઝ, જ્યારે દ.આફ્રિકા સામે 3 વન-ડે અને 3 ટી-20 મેચની સીરિઝ રમશે.

આ દરમિયાન ભારતે દેશમાં 14 દિવસમાં 8800 કિ.મી.નો પ્રવાસ ખેડવાનો રહેશે. એક સ્થળથી બીજા સ્થળે જવા ટીમના ખેલાડીઓએ 11 કલાક જેટલો સમય ફ્લાઈટમાં પસાર કરવાનો રહેશે. એ પણ ત્યારે જ્યારે BCCI ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ કરે. જો ખેલાડીઓ કોમર્શિયલ ફ્લાઈટથી મુસાફરી કરે તો 20 કલાકથી વધુનો સમય લાગશે. ઉદાહરણ તરીકે ભારતે 20 થી 25 સપ્ટેમ્બર દરમિયાન મોહાલી, નાગપુર અને હૈદરાબાદમાં 6 દિવસમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 ટી-20 રમવાની છે. આ દરમિયાન ખેલાડીઓ 5 કલાક ફ્લાઈટમાં પસાર કરશે. ખેલાડી આ દરમિયાન 3000 કિ.મી.થી વધુની મુસાફરી કરશે.

ખેલાડી મોહાલીથી નાગપુર 1330 કિ.મી.ની મુસાફરી 2 કલાકમાં કરશે. તે પછી નાગપુરથી હૈદરાબાદ માટે 1 કલાક અને તે પછી ભારતીય દ.આફ્રિકા વિરુદ્ધ પ્રથમ ટી-20 માટે હૈદરાબાદથી તિરુઅનંતપુરમ માટે 1300 કિ.મી.નો પ્રવાસ દોઢ કલાકમાં પૂર્ણ કરશે. પછી ખેલાડીઓ ગુવાહાટી માટે રવાના થશે, જે તિરુઅંનતપુરમથી 3400 કિ.મી. દૂર છે, ખેલાડીઓએ ગુવાહાટી પહોંચતા 10 કલાક જેટલો સમય લાગશે. અંતિમ ટી-20 માટે ટીમ ઈન્દોર જશે, તે માટે ગુવાહાટીથી ત્યાં પહોંચવા 2200 કિ.મી.ની મુસાફરી કરશે. ડાયરેક્ટ ફ્લાઈટ ન હોવાથી 6 કલાકનો સમય લાગશે. મહત્ત્વપૂર્ણ સવાલ એ છે કે BCCI ખેલાડીઓના ઈજાનું જોખમ નથી ઉઠાવી રહ્યું?

અન્ય સમાચારો પણ છે...