• Gujarati News
  • Sports
  • Cricket
  • A Chance In The ODI Series Against New Zealand, A Chance To Overtake World Champions England In The Rankings

ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો રેકોર્ડ તોડી શકે છે:ન્યૂઝીલેન્ડની સામે વન-ડે સિરીઝમાં તક, તો રેન્કિંગમાં વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને પછાડવાનો મોકો

9 દિવસ પહેલા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આવતીકાલે ઓકલેન્ડમાં રમાશે. આ સિરીઝમાં ભારત પાસે ODI રેન્કિંગમાં વર્લ્ડમાં નંબર-2 ટીમ બનવાની તક છે.

આ સિવાય ટીમ ઈન્ડિયા પાકિસ્તાનના બે મોટા રેકોર્ડ પણ તોડી શકે છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં ભારતીય કેપ્ટન શિખર ધવન, વેસ્ટઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી વિવ રિચર્ડ્સને પાછળ છોડી શકે છે. આ તમામ રેકોર્ડ્સ વિશે વધુ વિગતવાર વાત કરીશું. ચાલો... રેન્કિંગથી શરૂઆત કરીએ.

ટીમ ઈન્ડિયા અત્યારે નંબર-3 પર છે
ભારત હાલમાં T20 ક્રિકેટમાં વિશ્વની નંબર 1 ટીમ છે, જ્યારે ટેસ્ટમાં તેઓ બીજા સ્થાને છે. વન-ડે ક્રિકેટમાં ભારત ત્રીજા નંબર પર છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા પાસે નંબર-2 પર જવાની તક છે. હાલમાં ન્યૂઝીલેન્ડ 114 રેટિંગ્સ સાથે પહેલા સ્થાને છે. તો ઇંગ્લેન્ડ 113 રેટિંગ્સ સાથે બીજા નંબરે છે. અગાઉ તેઓ ટેબલ ટોપર્સ હતા, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે 0-3થી સિરીઝ હારી જતાં બીજા ક્રમે ધકેલાઈ ગયા છે. તો ટીમ ઈન્ડિયા 112 રેટિંગ્સ સાથે ત્રીજા નંબરે છે.

એટલે જો ટીમ ઈન્ડિયા આ સિરીઝ 2-1થી અથવા તો 3-0થી જીતી જાય છે, તો તેઓ વન-ડે રેન્કિંગમાં ઇંગ્લેન્ડની ખસેડીને બીજા સ્થાને પહોંચી જશે.

રેન્કિંગટીમકુલ મેચપોઇન્ટ્સરેટિંગ્સ
1.ન્યૂઝીલેન્ડ302508114
2.ઇંગ્લેન્ડ433400113
3.ભારત473802112
4.ઓસ્ટ્રેલિયા433572112
5.પાકિસ્તાન322354107

હવે જાણીએ ધવન કેવી રીતે વિવ રિચાર્ડ્સથી આગળ નીકળશે
આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને વન-ડે ક્રિકેટમાં અત્યારસુધીમાં 161 મેચમાં 6,672 રન બનાવ્યા છે. તે ઓવરઓલ ટૈલીમાં 53માં નંબરે છે. વેસ્ટઈન્ડિઝના લેજેન્ડરી બેટર વિવિયન રિચાર્ડ્સ 187 મેચમાં 6,721 રન બનાવીને 51મા નંબરે છે.

જો શિખર ધવન આ સિરીઝમાં 50 રન બનાવી લે છે, તો તેઓ રિચર્ડ્સથી આગળ નીકળી જશે. રિચર્ડ્સ અને ધવનની વચ્ચે 52મા નંબર પર ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલર છે. તેમણે 205 મેચમાં 6,684 રન બનાવ્યા છે.

પ્લેયરરેન્કરનટીમ
શાકિબ અલ હસન506755બાંગ્લાદેશ
વિવિયન રિચર્ડ્સ516721વેસ્ટઈન્ડીઝ
બ્રેન્ડન ટેલર526684ઝિમ્બાબ્વે
શિખર ધવન536672ભારત

સતત છઠ્ઠી સિરીઝ જીતવાની તક
ટીમ ઈન્ડિયા આ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ પહેલાં સતત 5 વન-ડે સિરીઝ જીતી ચૂકી છે. જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકાની સામે સાઉથ આફ્રિકામાં જ વન-ડે સિરીઝ 0-3થી ગુમાવ્યા પછી ભારતે વેસ્ટઈન્ડીઝની સામે 2, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાને 1-1 વખત વન-ડે સિરીઝ જીતી લીધી છે.

આ રીતે જો ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડની સામે પણ સિરીઝ જીતી લે છે, તો આ તેમની સતત વન-ડે સિરીઝ જીત રહેશે. આની પહેલાં ભારતે વર્ષ 2008-09માં અને 2017-2018માં સતત 6 બાઇલેટરલ સિરીઝ જીતી હતી. ભારતની ટીમ ક્યારેય પણ સતત 6થી વધુ બાઇટેલટર સિરીઝ જીતી શકી નથી.

એક મેચ જીતતાં જ પાકિસ્તાનનો પહેલા રેકોર્ડ તોડીશું
ટીમ ઈન્ડિયા જો આ સિરીઝમાં એક મેચ પણ જીતી લે છે, તો તે ન્યૂઝીલેન્ડની સામે સૌથી વધુ મેચ જીતવાના મામલે પાકિસ્તાનથી આગળ નીકળી જશે. બીજી તરફ, જો ભારતીય ટીમ સિરીઝમાં બે મેચ જીતી જશે તો તે પાકિસ્તાનને પાછળ છોડીને ન્યૂઝીલેન્ડમાં સૌથી વધુ વખત ન્યૂઝીલેન્ડને હરાવવાના મામલે ત્રીજા નંબર પર પહોંચી જશે. ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 110 વન-ડેમાં અત્યારસુધીમાં 55 મેચ જીતી છે. પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામેની 107 વન-ડેમાં 55 મેચ જીતી છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતે તેની સામે 42માંથી 14 મેચ જીતી છે, તો પાકિસ્તાને 49 મેચમાં 15 મેચ જીતી છે.