ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની સિરીઝની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ અત્યારે અમદાવાદમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો આજે ચોથો દિવસ છે. ત્યારે જે રીતની પિચ છે અને હજુ બે દિવસ બાકી છે, તેને જોતા લાગી રહ્યું છે કે આ ટેસ્ટ મેચ ડ્રો જઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત માટે અમદાવાદ ટેસ્ટ મેચ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં એન્ટ્રી કરવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ જીતી જશે, તો WTCની ફાઈનલમાં જગ્યા પાક્કી કરી લેશે.
WTCની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં સ્થાન પાક્કું કરી લીધું છે. તેમની ટીમે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ જીતી લેતા, ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. જ્યારે હવે બીજી ફાઈનલિસ્ટ માટે ભારત અને શ્રીલંકા વચ્ચે હોડ જામી છે. એટલે સ્વાભાવિક રૂતે હવે ભારત માટે અમદાવાદ ટેસ્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ત્યારે જો આ મેચ ડ્રો જાય છે, અથવા તો ટીમ હારે છે, તો WTC ફાઈનલમાં પહોંચવું ટીમ માટે મુશ્કેલ થઈ જશે...
ફાઈનલ માટે ભારત અને શ્રીલંકા વચ્ચે જંગ
બે વર્ષથી ચાલતી આવતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ બીજી સિઝન છે. આ ચેમ્પિયનશિપમાં હવે ચાર જ મેચ બાકી છે. જેમાં સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝની મેચ મહત્ત્વની નથી. કારણ કે આ બન્ને જ ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. એક ટેસ્ટ મેચ અત્યારે અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહી છે. જો આ ટેસ્ટ મેચ ડ્રો થાય છે અથવા તો આપણે હારી જઈએ છીએ, તો પછી ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પર બધો મદાર રહેશે.
આ સ્થિતિમાં WTCની ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડની સામે સિરીઝ 2-0થી ક્લિન સ્વિપ કરીને જીતવી પડશે. આ સિરીઝ અત્યારે ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહી છે. જો આ સિરીઝની એકપણ મેચ ડ્રો જશે, અથવા તો શ્રીલંકા એકપણ મેચ હારે છે, તો તેવી સ્થિતિમાં અમદાવાદ ટેસ્ટ હારે, તો પણ ભારત WTCની ફાઈનલમાં પહોંચી જશે.
અમદાવાદ ટેસ્ટ ડ્રો અથવા તો ભારતની હાર પર WTC ફાઈનલનું સમીકરણ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)માં ભારત 2-1થી આગળ
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઘરઆંગણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની 4 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. જેમાં અત્યારે ભારત 2-1થી આગળ છે. ત્યારે બન્ને ટીમની વચ્ચે સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચ અત્યારે અમદાવાદમાં રમાઈ રહી છે.
7 જૂને લંડનમાં રમાશે WTCની ફાઈનલ
WTC ફાઈનલ 7મી જૂને લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં રમાશે. તેવામાં પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર રહેતા ઓસ્ટ્રેલિયન ટીમે WTC ફાઈનલમાં પહેલાથી જ જગ્યા પાક્કી કરી લીધી છે. ત્યારે હવે બીજી ફાઈનલિસ્ટની રાહ છે. બીજી ફાઈનલિસ્ટ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે હોડ જામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.