વુમન્સ પ્રીમિયર લીગ માટે ટીમની હરાજી:રૂ.4670 કરોડમાં 5 ટીમ વેચાઈ; દિલ્હી-મુંબઈ-અમદાવાદ-બેંગલુરુ અને લખનઉની ટીમ રમશે

12 દિવસ પહેલા

વુમન્સ IPLની 5 ટીમની હરાજી થઈ ગઈ છે. બુધવારે બોર્ડે આ ટીમ ખરીદનાર કંપનીઓના નામ જાહેર કર્યા છે. આ હરાજીથી બોર્ડને કુલ 4669.99 કરોડની રકમ મળશે. સૌથી વધારે બોલી અમદાવાદ ફ્રેન્ચાઈઝી માટે લગાવવામાં આવી છે. આ ટીમ અદાણી ગ્રૂપે રૂ.1289 કરોડમાં ખરીદી છે.

અમદાવાદ સિવાય મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને લખનઉની ફ્રેન્ચાઈઝી ઉપર પણ બોલી લાગી હતી. એટલે કે પાંચ ટીમો વુમન્સ આઈપીએલમાં ભાગ લેશે. વુમન્સ આઈપીએલની પહેલી સિઝન આ વર્ષે માર્ચ મહિનામાં થવાની છે. ફેબ્રુઆરીમાં ખેલાડીઓની હરાજી થશે.

મેન્સ IPL ટીમની શરૂઆતની કિંમતથી મોંઘી છે મહિલા ટીમ
15 વર્ષ પહેલાં 2008માં BCCIએ મેન્સ IPL માટે 8 ટીમની હરાજી કરી હતી. તેનાથી બોર્ડને 72.35 કરોડ ડોલર મળ્યા હતા. જો ડોલરની હાલની કિંમત પ્રમાણે ગણતરી કરવામાં આવે તો આ આંકડો રૂ. 5,907 કરોડ થાય છે. 2008માં 1 ડોલરની કિંમત અંદાજે 40 રૂપિયા હતા. તે પ્રમાણે બોર્ડને મેન્સ આઈપીએલ ફ્રેન્ચાઈઝીની હરાજીથી અંદાજે રૂ. 2900 કરોડ મળ્યા હતા. એટલે કે દરેક ટીમ માટે 362.5 કરોડ મળ્યા હતા. જ્યારે વુમન્સ આઈપીએલ માટે બોર્ડને 4670 કરોડ રૂપિયા મળ્યા છે. એટલે કે એક ટીમના રૂ. 934 કરોડ મળ્યા છે.

30થી વધુ કંપનીઓએ ખરીદ્યા હતા ટેન્ડર, 17 કંપની મેદાને આવી
ટીમ ખરીદવા માટે 17 કંપનીઓ આગળ આવી છે. જોકે 30થી વધારે કંપનીઓએ તેના માટે ટેન્ડર ભર્યા હતા. ટીમ ખરીદવા માટે મેન્સ આઈપીએલની 7 ટીમ મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, સનરાઈઝર્સ હૈજરાબાદ અને દિલ્હી કેપિટલે રસ દાખવ્યો હતો. તે સાથે જ દેશના મોટા ઉદ્યોગપતિ અદાણી ગ્રુપ, કેપ્રી ગ્લોબલ હલ્દીરામ ગ્રુપ, ટોરેન્ટ ફાર્મા, અપોલો પાઈપ્સ, અમૃતલીલા એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ગ્રુપ અને સ્લિંગશોટ 369 વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ આગળ આવ્યા છે.

મીડિયા રાઈટ્સમાં ટીમની 80% હિસ્સેદારી
થોડા દિવસો પહેલા, બોર્ડે 5 વર્ષ માટે 951 કરોડ રૂપિયામાં વુમન્સ પ્રીમિયર લીગના મીડિયા રાઈટ્સ વેચ્યા હતા. એટલે કે એક મેચ 7 કરોડ રૂપિયાની હશે. બોર્ડ પ્રથમ પાંચ વર્ષ માટે ટીમ વચ્ચે મીડિયા રાઈટ્સની કમાણીનો 80% વહેંચશે. આ 5 વર્ષ પછી 60% અને તે પછી 50% શેર ટીમના ખાતામાં જશે. આ ઉપરાંત, ફ્રેન્ચાઇઝીને સેન્ટ્રલ લાયસન્સિંગ રાઇટ્સમાંથી મળેલી રકમમાંથી 80 ટકા રકમ પણ મળશે. બાકીની આવક સ્પોન્સર્સ, સેલ્સ અને ટિકિટમાંથી આવશે.

આ વર્ષે માર્ચમાં યોજાશે પહેલી સિઝન
WPLની પહેલી સિઝન આ વર્ષે માર્ચમાં યોજાશે. 5 ટીમ વચ્ચે કુલ 22 મેચ મુંબઈના DY પાટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં યોજાશે. વાનખેડે સ્ટેડિયમને મેન્સ IPL માટે તૈયાર કરવામાં આવશે.

ટીમની હરાજી માટે 12 કરોડ મળશે
WPL ટીમને હરાજીમાં ખેલાડી ખરીદવા માટે 12 કરોડ રૂપિયાનું પર્સ મળશે. દર વર્ષે પર્સમાં 1.5 કરોડ રૂપિયાનો વધારો થશે. પાંચ ટીમોના નામ જાહેર થયા બાદ 25 જાન્યુઆરીએ હરાજી થશે.

લીગનું ફોર્મેટ આવું હશે
5 ટીમની ટુર્નામેન્ટમાં 20 લીગ મેચ રમાશે. દરેક ટીમ બાકીની ટીમ સામે 2-2 મેચ રમશે. પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ ફાઇનલમાં પહોંચશે. પોઈન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા નંબરની ટીમ એલિમિનેટર રમશે. એલિમિનેટર જીતનારી ટીમ ફાઇનલમાં જશે અને હારનાર ટીમ ત્રીજા સ્થાને રહેશે.

અન્ય સમાચારો પણ છે...