ટીમ ઈન્ડિયા સામે શું છુપાવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા:વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા 4 ખેલાડીઓ ભારત આવ્યા નહીં, જાણો 3 પોઈન્ટમાં શું છે કારણ

સ્પોર્ટ્સ ડેસ્ક7 દિવસ પહેલા

T20 વર્લ્ડ કપ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાવાની છે. પ્રથમ મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં રમવામાં આવશે. આ સીરિઝને વર્લ્ડ કપની તૈયારી કરવાની તક કહેવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં દરેકને લાગ્યું કે બંને ટીમો પોતાની બેસ્ટ ઈલેવન સાથે ઊતરશે, પરંતુ સિરીઝની શરૂઆત પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમે ગેમ કરી છે. તેણે પોતાના 4 સ્ટાર ખેલાડીઓને ટીમની સાથે મોકલ્યા નથી. આ ચાર ખેલાડીઓ છે ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, મિશેલ સ્ટાર્ક અને માર્ક્સ સ્ટોઈનિસ. એવું કહેવાય છે કે વોર્નરને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે જ્યારે માર્શ, સ્ટાર્ક અને સ્ટોઈનિસ ઈજાગ્રસ્ત છે. થોડા દિવસ પહેલાં આ ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં રમી રહ્યા હતા તો અચાનક કેવી રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. આ વાત સરળતાથી ગળે ઊતરતી નથી. તેની પાછળનાં કારણો શું હોઈ શકે, ચાલો 3 મુદ્દામાં સમજીએ...

3. ઓસ્ટ્રેલિયા તેની વ્યૂહરચના જાહેર કરવા માંગતું નથી
ઓસ્ટ્રેલિયાની ટીમ 2021માં યોજાયેલા T20 વર્લ્ડ કપની ચેમ્પિયન હતી. આ વખતે આ મેગા ટુર્નામેન્ટ તેમના ઘરઆંગણે યોજાઈ રહી છે. જેથી કોઈ પણ સંજોગોમાં, તે ઈચ્છે છે કે ટ્રોફી તેના નામે થાય. ભારતને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. એવામાં ઓસ્ટ્રેલિયા નથી ઈચ્છતું કે ભારતીય ટીમ સિરીઝ દરમિયાન તેમના મુખ્ય ખેલાડીઓના પ્લાનિંગને જાણી શકે. તેથી એવું માનવામાં આવે છે ઓસ્ટ્રેલિયાએ તેના ચાર મેચ વિનરને ભારત આવતા અટકાવ્યા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ 2021 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન રહી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ 2021 T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન રહી હતી.

2. કાંગારુઓ મેચ વિનર્સને ખુલ્લા પાડવા માંગતા નથી
ઓસ્ટ્રેલિયાની ટીમે તેની છેલ્લી મેચ 11 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં મિચેલ સ્ટાર્ક ટીમનો ભાગ હતો, અને તેણે 9.5 ઓવર નાખી 60 રન આપ્યા અને 3 વિકેટ પણ લીધી, પરંતુ તેને ભારત સામેની સિરીઝ માટે કહેવામાં આવ્યું કે તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને કેમેરોન ગ્રીનને ટીમનો ભાગ બનાવવામાં આવ્યા છે. ગ્રીન ભારત સામેની શ્રેણીમાં રમશે, પરંતુ તે વર્લ્ડ કપની ટીમનો ભાગ નથી.

મિશેલ માર્શે ઓસ્ટ્રેલિયાને 2021 વર્લ્ડ કપ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે આ શ્રેણીનો પણ ભાગ નહીં હોય. તેણે તેની છેલ્લી મેચ 28 ઓગસ્ટે રમી હતી. ઓસ્ટ્રેલિયન બોર્ડે કહ્યું કે તેને પગની ઘૂંટણમાં સમસ્યા છે. માર્શ પણ વર્લ્ડ કપ ટીમનો ભાગ છે અને મુખ્ય ખેલાડી છે.

ટીમના અન્ય મહત્ત્વના ખેલાડી માર્કસ સ્ટોઈનિસને પણ પડતો મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે તેના સ્નાયુઓમાં તકલીફ છે. જ્યારે, તેણે તેની છેલ્લી મેચ પણ 8 સપ્ટેમ્બરના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.

મિચેલ સ્ટાર્કે તેની છેલ્લી મેચ 11 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, પરંતુ હવે તે ભારત સામેની T20 શ્રેણીનો ભાગ નથી.
મિચેલ સ્ટાર્કે તેની છેલ્લી મેચ 11 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, પરંતુ હવે તે ભારત સામેની T20 શ્રેણીનો ભાગ નથી.

આ ચારેય ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે ઘણી વખત પોતાને સાબિત કરી ચૂક્યા છે. ડેવિડ વોર્નર ગયા ટી20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો. જ્યારે, મિચેલ સ્ટાર્ક 2015 વનડે વર્લ્ડ કપનો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો છે. ઓલરાઉન્ડર હોવા બદલ મિશેલ માર્સ અને માર્ક્સ સ્ટોઇનિસ ઓસ્ટ્રેલિયાનું ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે. તેથી જ વર્લ્ડ કપ પહેલાં ઓસ્ટ્રેલિયા પાસે આ ચાર ખેલાડીઓ ભારત જેવી મજબૂત હરીફ ટીમ સામે વધુ એક્સપોઝ કરવા માગતું નથી .

મિશેલ માર્શે T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 77 રન બનાવ્યા હતા.
મિશેલ માર્શે T20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 77 રન બનાવ્યા હતા.

1. ઓસ્ટ્રેલિયન ટીમ પોતાના ખેલાડીઓને જુસ્સામાં રાખવા માગે છે
ઓસ્ટ્રેલિયાની ટીમ તેના સ્ટાર ખેલાડીઓને થકવી દેવા ​​માંગતી નથી. જો ખેલાડીઓ જુસ્સામાં રહેશે તો તેઓ વધુ સારું પ્રદર્શન કરશે. તાજેતરમાં જ એશિયા કપમાં અફઘાનિસ્તાન સતત બે દિવસમાં 2 મેચ રમ્યું હતું. પ્રથમ મેચમાં તેણે પાકિસ્તાનને આકરો પડકાર આપ્યો હતો, પરંતુ ભારત સામે બીજા દિવસે તેના ખેલાડીઓ થાકેલા દેખાતા હતા.

મોટાભાગના ભારતીય ખેલાડીઓએ તેનો લાભ લીધો હતો. વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે પણ સદી ફટકારી હતી. તેથી ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે તેની સંપૂર્ણ તાકાત લગાવવા માંગશે નહીં.

ઓસ્ટ્રેલિયા વિશ્વ કપમાં સંપૂર્ણ એનર્જી સાથે ઊતરવા માંગશે. તે તેની મુખ્ય ટીમ સાથે ભારત ન આવવાનું સૌથી મોટું કારણ હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...