ભારતીય ટીમમાં ગુજ્જુ પ્લેયર્સનો દબદબો:T20 વર્લ્ડ કપ માટે જાહેર થયેલી ટીમમાં 4 ગુજરાતી ખેલાડી; બુમરાહ, હાર્દિક, અક્ષર અને હર્ષલને સ્થાન

23 દિવસ પહેલા

ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં કુલ 15 ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. તો ચાર અન્ય ખેલાડીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થશે. તો ભારતીય ટીમ તેની પહેલી મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ એવા પાકિસ્તાનની સામે રમશે. આ અગાઉ 10 ઓક્ટોબરથી વોર્મઅપ મેચ રમાશે, જેમાં ટીમ ઈન્ડિયા 2 વોર્મઅપ મેચ (17 ઓક્ટોબર અને 19 ઓક્ટોબર) પણ રમશે.

T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરાયેલા કુલ 15 પ્લેયર્સમાંથી 4 તો ગુજરાતી પ્લેયર્સ છે. આ બતાવે છે કે ક્રિકેટના ફિલ્ડમાં ગુજરાતી ખેલાડીઓની બાલબાલા રહી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ T20 વર્લ્ડ કપ માટેની સ્ક્વોડમાં છે. તો ચાલો... જાણીએ આ 4 ગુજ્જુ પ્લેયર્સ વિશે...

1. જસપ્રીત બુમરાહ

ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમે છે. તેનો જન્મ અમદાવાદમાં થયો હતો. બુમરાહ હાલ ટીમનો મુખ્ય પ્લેયર છે. તે BCCIના A+ કોન્ટ્રેક્ટમાં આવે છે. આ કોન્ટ્રેક્ટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી પછી ત્રીજા નંબરે તે આવે છે. જસપ્રીત બુમરાહના T20 ઈન્ટરનેશનલમાં આંકડા જોરદાર છે.

જસપ્રીત બુમરાહે 58 મેચમાં 19.46ની એવરેજથી 69 વિકેટ ઝડપી છે. તે નવા બોલથી વિકેટ ઝડપે છે, તો ડેથ ઓવર્સમાં પણ તે કમાલની બોલિંગ કરે છે. તે ડેથ ઓવર્સનો સ્પેશિયલિસ્ટ છે. આ ઉપરાંત તે સુપર ઓવરમાં પણ શાનદાર બોલિંગ કરી બતાવે છે. જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડિયાનો બોલિંગ ડિપાર્ટમેન્ટનો આધારસ્તંભ છે. તેનો પુરાવો એશિયા કપ છે. એશિયા કપમાં બુમરાહની ગેરહાજરીથી ટીમની બોલિંગ નબળી રહી હતી. જોકે હવે તે ઈજામાંથી બહાર આવી જતાં આ વર્લ્ડ કપમાં તેના પર ફરી એકવાર ટીમના બોલિંગ વિભાગની જવાબદારી રહેશે.

2. હાર્દિક પંડ્યા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જન્મ સુરત પાસેના ચોર્યાસીમાં થયો હતો. તે હાલ બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી રમે છે. બુમરાહની જેમ હાર્દિક પણ ટીમનો મુખ્ય ખેલાડી છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. તે બેટિંગમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સંભાળે છે, તો જરૂર પડે ટીમને સારું ફિનિશિંગ પણ અપાવે છે.

હાર્દિક પંડ્યાના T20 આંતરરાષ્ટ્રીયમાં આંકડા સારા છે. આમ તો તે બેટિંગ ઓલરાઉન્ડર છે, પરંતુ તેના બોલિંગમાં પણ સારા આંકડા છે. તેણે 70 મેચમાં 54 વિકેટ ઝડપી છે. તેની બેસ્ટ બોલિંગ ફિગર્સ 4/33ની રહી છે. તો તેણે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યા સારું ફિનિશિંગ કરીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી દે છે અથવા તો ટાર્ગેટને ચેઝ કરી દે છે. હાલમાં જ એશિયા કપમાં તેણે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું. પાકિસ્તાન સામેની મેચમાં તેણે બોલિંગમાં 3 વિકેટ લીધા ઉપરાંત 17 બોલમાં 33 રન ફટકારીને ટીમને જિતાડી દીધું હતું. આમ હાર્દિક પંડ્યા પર સૌની નજર રહેશે.

3. હર્ષલ પટેલ

હર્ષલ પટેલનો જન્મ સાણંદમાં થયો હતો. આમ તો તે હાલ ડોમેસ્ટિક ક્રિકેટમાં હરિયાણા ક્રિકેટ એસોસિયેશનનું પ્રતિનિધિત્વ કરે છે. હર્ષલ પટેલે છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયા માટે T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેનું ફળ તેને આજે મળ્યું છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ડેથ ઓવર્સમાં કમાલની બોલિંગ કરી છે. જસપ્રીત બુમરાહ સાથે ડેથ ઓવર્સમાં તે કારગર સાબિત થઈ શકે છે. તેના સ્લોઅર બોલ્સ તેનું હથિયાર છે. એને મારવા માટે બેટર્સને પરસેવા છૂટી જાય છે. હર્ષલે ભારત માટે T20માં 17 મેચમાં 23 વિકેટ ઝડપી છે.

તેણે IPLમાં RCB માટે 2021માં શાનદાર પર્ફોર્મંસ આપ્યું હતું. તેણે 14 મેચમાં 33 વિકેટ ઝડપી હતી, અને પર્પલ કપ જીતી હતી. આ ઉપરાંત તેણે 2022ની સીઝનમાં પણ 15 મેચમાં 19 વિકેટ ઝડપી હતી. તેના લેગ કટર્સ અને ઑફ કટર્સ ખતરનાક હોય છે. તેના બોલને શોટ્સ ફટકારવા માટે બેટર્સને પૂરી તાકાત લગાવવી પડે છે. હર્ષલ પટેલે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. એશિયા કપમાં બુમરાહની સાથે હર્ષલની પણ ખોટ વર્તાઈ હતી. ટીમે ડેથ ઓવર્સમાં ઘણા રન આપ્યા હતા, જેના કારણે ભારતને સુપર-4ની બન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

4. અક્ષર પટેલ

ટીમ ઈન્ડિયામાં વધુ એક ગુજ્જુ પ્લેયરને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. અક્ષર પટેલનો જન્મ આણંદમાં થયો હતો. તે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમે છે. તેનું T20માં પર્ફોર્મંસ શાનદાર છે. બોલિંગમાં તે ઘણો જ ઇકોનોમિકલ રહે છે. તે બેટરને એક સાઈડથી જકડીને રાખે છે. બેટરને આસાનીથી રન બનાવવા દેતો નથી. અક્ષર પટેલે ટીમ ઈન્ડિયા માટે T20માં 26 મેચમાં 28.33ની એવરેજથી 21 વિકેટ લીધી છે.

અક્ષર પટેલને આમ તો ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યાએ સ્થાન મળ્યું છે. અક્ષર પટેલને બોલિંગ ઓલરાઉન્ડર ગણવામાં આવે છે. જોકે તે છેલ્લા થોડા સમયથી બેટિંગમાં પણ કમાલનું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે હાલમાં જ વેસ્ટઈન્ડીઝ સામે રમાયેલી વન-ડે મેચમાં 64* રન બનાવીને મેચને પલટી નાખી હતી. તો આ વર્ષના IPLમાં પણ તેણે MI સામેની મેચમાં 17 બોલમાં 38* રન બનાવીને પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને જીતાડી દીધું હતું. આમ આને કારણે તે T20 વર્લ્ડ કપમાં ટીમ માટે મહત્ત્વનો પ્લેયર છે.

પ્લેઇંગ-11માં આ ચારમાંથી ત્રણનું સ્થાન નક્કી
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11ની વાત કરીએ તો આ ચાર ગુજરાતી ખેલાડીમાંથી ત્રણનું તો સ્થાન લગભગ નક્કી જ છે, જેમાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને હર્ષલ પટેલનો સમાવેશ થાય છે, કારણ કે જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા તો સીધી રીતે જ પ્લેઇંગ-11માં સ્થાન પામે છે. પરંતુ હર્ષલ પટેલ પણ પ્લેંઇગ-11માં હશે જ. કારણ કે તે ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ કરે છે. અને વધુમાં ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમાવવાનો હોવાથી ત્યાંની બાઉન્ડરી મોટી હશે, જેના કારણે હર્ષલના સ્લોઅર બોલ્સને રમવા માટે બેટરને મુશ્કેલી પડી શકે છે. તો તે બોલને રમવા જતાં બેટર કેચ આઉટ થઈ શકે છે.

રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત ના થયો હોત તો ટીમમાં તેનું પણ સ્થાન નક્કી હોત

જાડેજાએ હાલમાં જ ઘૂંટણની સર્જરી કરાવી હતી, જેની તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરીને જાણ કરી હતી.
જાડેજાએ હાલમાં જ ઘૂંટણની સર્જરી કરાવી હતી, જેની તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરીને જાણ કરી હતી.

ટીમ ઈન્ડિયાના વધુ એક સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હાલ ઘૂંટણની ઈજાના કારણે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ ગયો છે. જો તે ઠીક હોત અથવા તો વર્લ્ડ કપ પહેલાં ઈજામાંથી બહાર આવી ગયો હોત તો તેનું પણ ટીમમાં સ્થાન નિશ્ચિત હોત, કારણ કે તે તો ગેમના ત્રણેય ડિપાર્ટમેન્ટમાં શાનદાર પર્ફોર્મંસ આપે છે. બેટિંગમાં તે હાલ ગજબના ફોર્મમાં છે. બોલિંગમાં પણ તે ઇકોનોમિકલ રહે છે અને ફિલ્ડિંગમાં તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ફિલ્ડર છે.