શ્રદ્ધાંજલિ / ટીમ ઈન્ડિયાના 'સુપરફેન' ચારુબાનો જન્મ તાન્ઝાનિયામાં થયો હતો, કદી ભારતમાં રહ્યા નહોતા છતાં ક્રિકેટ પાછળ ગાંડા હતા

Team Indias 87 year old superfan Charulata Patel passes away

  •  1930ની આસપાસના ગાળામાં મૂળ ચરોતરના ચારુલતાબેન પટેલના માતા-પિતા ઈસ્ટ આફ્રિકાના તાન્ઝાનિયામાં સ્થાયી થયા હતા
  • ચારુબાનો આખો પરિવાર 1975માં યુ.કે.માં સ્થાયી થયો હતો, સરે કાઉન્ટીમાં રમતા બંને પુત્રોની રમતે તેમને ક્રિકેટ રસિયા બનાવ્યા

Divyabhaskar.com

Jan 16, 2020, 02:40 PM IST

અમદાવાદઃ હજી છ મહિના પહેલાં જ ઈંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના 'સુપરફેન'નું બિરુદ મેળવનારા ચારુબા એટલે કે ચારુલતા પટેલનું 87 વર્ષની વયે નિધન થયું છે. વર્લ્ડકપ દરમિયાન ભારત વિ. બાંગ્લાદેશની એજબેસ્ટન ખાતે રમાયેલી મેચમાં ચારુબાએ પિપુડા વગાડીને જે રીતે ભારતીય ટીમને ચીયર કરી હતી તેણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. મેચ પત્યા બાદ ખુદ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માએ ચારુબા પાસે જઈને તેમનો આભાર માન્યો હતો. જો કે, બહુ ઓછા લોકો જાણે છે કે મૂળ ભારતીય વંશના ચારુબેન પટેલનો જન્મ ભારતમાં નહીં પણ ઈસ્ટ આફ્રિકન દેશ તાન્ઝાનિયામાં થયો હતો અને ત્યારપછી તેમનો પરિવાર ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો હતો.


મૂળ ચરોતરના ચારુબાનો જન્મ તાન્ઝાનિયામાં, કદી ભારત રહ્યા નહોતા

મૂળ ખેડા જિલ્લાના ચારુલતાબેનના માતા-પિતા વર્ષો પહેલાં એટલે કે આશરે 1930ની સાલની આસપાસના ગાળામાં ઈસ્ટ આફ્રિકન દેશ તાન્ઝાનિયા સ્થાયી થયા હતા. ચારુબાનો જન્મ પણ તાન્ઝાનિયામાં 1લી મે, 1932ના રોજ થયો હતો. તેમનું નાગરિકત્વ પણ ભારતીય નહીં પણ તાન્ઝાનિયાનું છે. હકીકતમાં ચારુબેન પટેલ કદી ભારતમાં સ્થાયી થઈને રહ્યા જ નહોતા. તાન્ઝાનિયામાં જ ચારુબાએ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તેમના લગ્ન પણ તાન્ઝાનિયામાં જ થયા હતા.


ચારુબેન પટેલનો પરિવાર 1975માં યુ.કે.માં સ્થાયી થયો હતો

તાન્ઝાનિયા સહિત આફ્રિકન દેશોમાં ભારે અરાજકતા અને આંતરવિગ્રહની પરિસ્થિતિ સર્જાતા ત્યાં રહેનારા સંખ્યાબંધ ભારતીય પરિવારો અન્યત્ર ગયા હતા. આ દરમિયાન જ 1975ની સાલમાં ચારુબા તેમના પતિ, બે પુત્રો સહિતના આખા પરિવાર સાથે યુ.કે. જતા રહ્યા હતા અને ત્યાં જ સ્થાયી થયા હતા. તેમના પુત્રો તથા પરિવારે પછી ઈંગ્લેન્ડને જ પોતાની કર્મભૂમિ બનાવી દીધી હતી અને ત્યારથી ચારુબા ઈંગ્લેન્ડમાં જ રહેતા હતા.


1983માં ભારત પહેલીવાર વર્લ્ડકપ જીત્યું ત્યારે ચારુબા લોર્ડ્ઝમાં હતા

ઉલ્લેખનીય છે કે, ચારુબા વર્ષોથી ટીમ ઈન્ડિયાને ક્રિકેટની રમતમાં ભરપૂર સપોર્ટ કરી રહ્યા છે. ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ કહો કે, પેશન... આજે પણ અકબંધ જ છે. બહુ ઓછા લોકો જાણે છે કે, ચારુબા છેક 1983થી ટીમ ઈન્ડિયાને ક્રિકેટની રમતમાં સપોર્ટ કરી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે 25 જૂન, 1983ના રોજ બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને લોર્ડ્ઝ ખાતે હરાવીને પહેલીવાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો તે સમયે પણ ચારુલતા પટેલ સ્ટેડિયમમાં હાજર હતા. તેમણે આખી મેચ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધાર્યો હતો.


ચારુબાના બંને દિકરા સરે કાઉન્ટી વતી ક્રિકેટ રમતા હતા

ચારુબાને બે દિકરા છે. ક્રિકેટ પ્રત્યે તેમને લગાવ થવાનું મૂળ કારણ આ બંને દિકરાઓ જ છે જેઓ એક સમયે ઈંગ્લેન્ડમાં સરે કાઉન્ટી વતી ક્રિકેટ રમતા હતા. ચારુલતા પટેલને ક્રિકેટની રમતમાં પોતાના બંને દિકરાને રમતા જોઈને રસ જાગ્યો હતો. ત્યારપછી તો ક્રિકેટની રમતને તેઓ બરાબર સમજ્યા અને પછી ટીમ ઈન્ડિયા જ્યારે પણ ઈંગ્લેન્ડ ક્રિકેટ રમવા જતી ત્યારે ચારુબા ખાસ મેદાનમાં જતા હતા અને ટીમ ઈન્ડિયાને પ્રમોટ કરતા હતા. અત્યારે તેમના બંને દિકરા ઈંગ્લેન્ડમાં બિલ્ડર છે.


ખાવાનું ન મળે તો પણ ચારુબા દિવસો સુધી ક્રિકેટ જોયા કરે

ચારુબાના પરિવારજનોએ વર્લ્ડકપ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે બાને ક્રિકેટનો જબરો શોખ છે. વ્હીલચેર પર ચારુબાની સાથે રહેલી તેમની પૌત્રીએ જણાવ્યું હતું કે, બા તો ક્રિકેટની પાછળ ગાંડા છે. બાને ટીવીમાં મેચ આવતી હોય તો સામે બેસાડો, પછી તેમને ખાવા-પીવાની પણ દરકાર ન રહે. ઊલટાનું બા તો દિવસો સુધી ખાવાનું ન મળે તો પણ ફક્ત ક્રિકેટ મેચ જોયા કરે અને ખાવાનું તેમને યાદ પણ ન આવે.


બીસીસીઆઈ-કોહલી-માંજરેકરે સુપરફેન ચારુબાને શ્રદ્ધાંજલિ આપી

ચારુલતાબેન પટેલની વસમી વિદાય અંગે શોક પ્રગટ કરતા ખુદ બીસીસીઆઈ, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર સહિતના ક્રિકેટરો અને ક્રિકેટ પ્રેમીઓએ શોકસંદેશા આપ્યા છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને ચારુબાએ આટલા વર્ષો સુધી ભારતીય ક્રિકેટને જીવંત રાખવામાં જે યોગદાન આપ્યું તે બદલ તેમને બિરદાવ્યા હતા. તો ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા ઉપરાંત સંજય માંજરેકરે પણ ચારુલતાબેનના નિધન અંગે શોક દર્શાવતી ટ્વીટ કરી હતી તેમજ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી.

X
Team Indias 87 year old superfan Charulata Patel passes away
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી