• Gujarati News
  • National
  • South Africa's First Wicket Fell In The Second Innings, Markram Was Also Dismissed In The Second Innings.

ભારતની દક્ષિણ આફ્રિકા પર સૌથી મોટી જીત, એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું; કોહલી મેન ઓફ ધ મેચ બન્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભારતે છેલ્લે દક્ષિણ આફ્રિકાને 2008માં એક ઇનિંગ્સ અને 90 રને હરાવ્યું હતું
  • ટીમ ઇન્ડિયા ઘરઆંગણે 2012 પછી એકપણ ટેસ્ટ સીરિઝ હારી નથી, છેલ્લે ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો
  • ભારતે પ્રથમ દાવમાં 601/5 દાવ ડિક્લેર કર્યો, જવાબમાં દક્ષિણ આફ્રિકા 275 અને 189 રનમાં ઓલઆઉટ
  • વિરાટ કોહલીએ અણનમ 254, મયંક અગ્રવાલે 108 અને રવિન્દ્ર જાડેજાએ 91 રન કર્યા
  • ટેસ્ટની બંને ઇનિંગ્સમાં રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવે 6-6 વિકેટ લીધી
  • ત્રણ ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ 19 ઓક્ટોબરના રોજ રાંચી ખાતે રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતે બીજી ટેસ્ટમાં પુણે ખાતે દક્ષિણ આફ્રિકાને એક ઇનિંગ્સ અને 137 રને હરાવ્યું હતું. ભારતની આ દક્ષિણ આફ્રિકા પર સૌથી મોટી જીત છે. ભારતે દક્ષિણ આફ્રિકાને 2008માં એક ઇનિંગ્સ અને 90 રને હરાવ્યું હતું. ભારતે 3 ટેસ્ટની સીરિઝમાં 2-0ની અજય લીડ મેળવી લીધી છે. તેમજ ઘરઆંગણે સતત 11 સીરિઝ જીતનાર વર્લ્ડની પ્રથમ ટીમ બની છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ 1994-2000 અને 2004-2008માં ઘરઆંગણે સતત 10 ટેસ્ટ સીરિઝ જીતી હતી. ભારત કોહલીની કપ્તાનીમાં આઠમી વાર એક ઇનિંગ્સના માર્જિનથી મેચ જીત્યું છે. કોહલીએ મોહમ્મદ અઝહરની બરોબરી કરી છે. ધોની 9 વાર એક ઇનિંગ્સના માર્જિનની જીત સાથે ભારતીય કપ્તાનોની સૂચિમાં પ્રથમ સ્થાને છે.
પ્રથમ દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. વિરાટ કોહલીએ 254* રન કર્યા હતા, જયારે મયંક અગ્રવાલે 108 અને જાડેજાએ 91 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 275 રનમાં ઓલઆઉટ થતાં ભારતે 326 રનની લીડ મેળવી ફોલોઓન કર્યું હતું. બીજા દાવમાં પ્રોટિયાસ 189 રનમાં ઓલઆઉટ થતાં ભારતે ચોથા દિવસે જ મેચ જીતી હતી.  સીરિઝની અંતિમ ટેસ્ટ 19 ઓક્ટોબરના રોજ રાંચી ખાતે રમાશે.

અશ્વિને લિલી અને વાસને પાછળ છોડ્યા

ડિન એલ્ગર 48 રને અશ્વિનની બોલિંગમાં યાદવના હાથે કેચ આઉટ થયો હતો. આ વિકેટ સાથે અશ્વિને પોતાની 67મી ટેસ્ટમાં 356મી ટેસ્ટ વિકેટ લીધી છે. ડેનિસ લિલી અને ચામિંડા વાસે 70 અને 111 ટેસ્ટમાં 355 વિકેટ ઝડપી હતી. અશ્વિને પ્રથમ ઇનિંગ્સમાં ચાર અને બીજી ઇનિંગ્સમાં બે વિકેટ લીધી હતી.
કોહલીની કપ્તાનીમાં ભારતે સાતમી વાર ફોલોઓન કર્યું:

ટીમજગ્યાવર્ષરિઝલ્ટ
બાંગ્લાદેશફાતુલ્લાહ2015ડ્રો
વેસ્ટ ઇન્ડિઝનોર્થ સાઉન્ડ2016જીત
શ્રીલંકાકોલંબો2017જીત
શ્રીલંકાપાલેકેલ્લે2017જીત
વેસ્ટ ઇન્ડિઝરાજકોટ2018જીત
ઓસ્ટ્રેલિયાસિડની2019ડ્રો
દક્ષિણ આફ્રિકાપુણે2019જીત

કોહલી હેઠળ ભારતે 7 વાર ફોલોઓન કર્યું છે. ટીમ ઇન્ડિયાએ તેમાંથી 5મેચ જીતી હતી, જયારે 2 મેચ ડ્રો રહી હતી. કોહલી પાસે જયારે ફોલોઓન કરવાનો વિકલ્પ હોય પરંતુ તેણે ફોલોઓન ન કર્યું હોય, તેવી સાત મેચ રહી છે. ભારતે તે સાતેય મેચ જીતી છે.

મહારાજ અને ફિલેન્ડરની લડત થકી દ.આફ્રિકાએ 275 રન કર્યા
કેશવ મહારાજ અને વર્નોન ફિલેન્ડરની લડત થકી દક્ષિણ આફ્રિકા ભારત સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે પ્રથમ દાવમાં 275 રન કર્યા હતા. 162 રનમાં 8 વિકેટ ગુમાવી ત્યારે પ્રોટિયાસની ચોથા દિવસે હાર નિશ્ચિત જણાતી હતી, પરંતુ મહારાજ અને ફિલેન્ડરે 109 રનની ભાગીદારી કરીને ભારત પાસે 105.4 ઓવર બોલિંગ કરાવી હતી. મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો. ભારત માટે અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

ભારતે 601/5 દાવ ડિક્લેર કર્યો, કોહલી 254 રન*, જાડેજા 9 રન માટે સદી ચૂક્યો
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો છે. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો છે. અગાઉ તેણે શ્રીલંકા સામે 2017માં 243 રન કર્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે.