રાજકોટ / પિચનો મિજાજ સારો હશે તો ભારત આક્રમક એપ્રોચથી રમશે: રોહિત શર્મા

  • રોહિતે કહ્યું કે, સારો દેખાવ કરવાનું પ્રેસર બોલર્સ પર નહિ પરંતુ આખી ટીમ પર છે, ગઈ મેચ ટીમ હારી હતી, બોલર્સ નહી
  • હું 1.5 બિલિયન લોકોને રિપ્રેઝન્ટ કરું છું, તે વાત મારા કરિયરના અંત સુધી મને સારો દેખાવ કરવા પ્રેરણા આપતી રહેશે
  • રાજકોટમાં હું અને શિખર આક્રમક રીતે ઇનિંગ્સની શરૂઆત કરીશું

Divyabhaskar.com

Nov 07, 2019, 01:07 AM IST

રાજકોટ: બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્માએ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજકોટની પિચ હંમેશા બેટિંગ ફ્રેન્ડલી રહી છે. તેમજ બોલર્સને પણ થોડી ઘણી મદદ કરે છે. દિલ્હી ખાતે ઓપનર્સ દ્વારા કરવામાં આવેલી ધીમી શરૂઆત (6 ઓવરમાં 35 રન) અંગે રોહિતે કહ્યું કે, તે શરુઆતને બેટ્સમેનની માનસિકતા કરતા વધારે પિચ સાથે લેવા દેવા હતા. રાજકોટમાં અમે આક્રમક અંદાજ સાથે ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળીશું. દિલ્હીમાં બાંગ્લાદેશે સારી રમત દાખવી હતી.


મહેમાન ટીમે ગઈ મેચમાં સારી બેટિંગ કરી હતી. દબાણમાં તેમણે સારી રમત દાખવી હતી. અમે દરેક ડિપાર્ટમેન્ટમાં નબળા પૂરવાર થયા હતા. અમારી ટીમ યુવા છે અને સમય સાથે તેઓ પોતાની રમતમાં સુધારો કરતી રહેશે. સારી ટીમ એ છે જે પોતાની ભૂલો રિપીટ ન કરે.

રાજકોટમાં ભારતની સ્ટ્રેટેજી
હું તમને અમારી સ્ટ્રેટેજી નહિ કહું. પરંતુ એ ચોક્કસ છે કે અમે આક્રમક એપ્રોચ સાથે મેદાને ઉતરીશું. આવતીકાલે અમે બેટિંગ લાઈનઅપમાં ફેરફાર કરવા અંગે અત્યારે વિચારી રહ્યા નથી. કાલે પિચને જોઈને નક્કી કરીશું કે કેટલા બોલર્સ અને કેવા પ્રકારના કોમ્બિનેશન સાથે રમવું છે. દિલ્હીમાં બોલ ટર્ન અને ગ્રીપ થતો હતો, અહિયાં એવી સંભાવના નહિવત છે.

બોલર્સ નહિ, ટીમ હારી હતી
ગઈ મેચમાં બોલર્સ નહિ પરંતુ અમારી ટીમ હારી હતી. તે સમજવું જરૂરી છે કે આ બધા બોલર્સ યુવા છે અને સમય સાથે તેમની રમતનું સ્તર ઉપર જ જશે. બધા સારો દેખાવ કરે તે બીજી ટી-20 જીતવા માટે જરૂરી છે. એક ટીમ તરીકે અમારે ગઈ મેચની ભૂલોને સુધારવી જરૂરી છે. અમે તેના પર કામ કર્યું છે. તમે એવું નહિ કહી શકો કે બોલર્સ પર પ્રેસર છે, મેચ જીતવાનું પ્રેસર આખી ટીમ પર છે.

ભારતના ટી20માં નબળા દેખાવ અંગે
અમે આ ફોર્મેટમાં બહુ બધા પ્લેયર્સને તક આપી રહ્યા છીએ. અમારા મુખ્ય ખેલાડીઓ આ સિરીઝમાં રમી રહ્યા નથી. અમે આ ફોર્મેટમાં વધુને વધુ પ્લેયર્સને તક આપીને તેમને ટેસ્ટ અને વનડે માટે પણ તૈયાર કરવા માંગીએ છીએ. આપણે અગાઉ જોયું છે કે પ્લેયર્સ આ ફોર્મેટમાં સારો દેખાવ કરીને વનડે અને ટી-20 ટીમનો ભાગ બન્યા છે. મેં પણ ટી-20થી શરૂઆત કરી હતી. જોકે મેચ જીતવી અમારી ટોપ પ્રાયોરિટી છે અને અમે તેના માટે જ આવતીકાલે રમીશું.

બધા ફોર્મેટમાં સતત સારો દેખાવ
હું ભારત માટે રમું છું. તેનાથી મોટું મોટિવેશન બીજું કઈ ન હોય શકે. તેનાથી ફર્ક નથી પડતો કે તમે ક્યુ ફોર્મેટ રમો છો. દિવસના અંતે દેશ માટે સારો દેખાવ કરવો એકમાત્ર લક્ષ્ય હોય છે. ફોર્મેટ તો બદલાતા રહેશે, હું અત્યારે ટી-20 રમું છું, થોડા અઠવાડિયામાં ટેસ્ટ રમીશ. હું 1.5 બિલિયન લોકોને રિપ્રેઝન્ટ કરું છું, તે વાત મારા કરિયરના અંત સુધી મને સારો દેખાવ કરવા પ્રેરણા આપતી રહેશે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી