- 17 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં વર્લ્ડ કપ રમાશે, 16 ટીમો ભાગ લેશે, ફાઇનલ 9 ફેબ્રુઆરીના રોજ રમાશે
- ભારતની અંડર-19 ટીમ ચાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે, આ વખતે ભારત ગ્રુપ-Aમાં અને પાકિસ્તાન ગ્રુપ-Cમાં છે
Divyabhaskar.com
Dec 02, 2019, 11:47 AM ISTસ્પોર્ટ્સ ડેસ્ક: બીસીસીઆઈએ અંડર-19 વર્લ્ડ કપ માટે સોમવારે 15 સદસ્યની ટીમ જાહેર કરી છે. પ્રિયમ ગર્ગને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે, જ્યારે વિકેટકીપર ધ્રુવ ચંદ જુરેલને ઉપક્પ્તાન બનાવવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 17 જાન્યુઆરીથી સાઉથ આફ્રિકામાં રમાશે. ફાઇનલ 9 ફેબ્રુઆરીએ છે. ભારતની પહેલી મેચ 19 જાન્યુઆરીના રોજ શ્રીલંકા સામે છે. ભારતની અંડર-19 ટીમ ચાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. આ વખતે ભારત ગ્રુપ-Aમાં અને પાકિસ્તાન ગ્રુપ-Cમાં છે. ભારતની બીજી મેચ જાપાન અને ત્રીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે છે. કુલ 16 ટીમો વર્લ્ડ કપમાં ભાગ લઇ રહી છે. અંડર-19નો આ 13મો વર્લ્ડ કપ રમાશે.
ભારતીય ટીમ: પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવચંદ જુરેલ (વિકેટકીપર અને ઉપ-કપ્તાન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેકર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટીલ.
ચારેય ગ્રુપની ટીમો:
ગ્રુપ-A | ગ્રુપ-B | ગ્રુપ-C | ગ્રુપ-D |
ભારત | ઓસ્ટ્રેલિયા | પાકિસ્તાન | અફઘાનિસ્તાન |
શ્રીલંકા | ઇંગ્લેન્ડ | બાંગ્લાદેશ | સાઉથ આફ્રિકા |
ન્યૂઝીલેન્ડ | વેસ્ટ ઇન્ડિઝ | ઝિમ્બાબ્વે | યુએઈ |
જાપાન | નાઈજેરિયા | સ્કોટલેન્ડ | કેનેડા |
પ્રિયમે ફર્સ્ટ ક્લાસમાં 2 સદી મારી
પ્રિયમનો જન્મ 30 નવેમ્બર 2000ના રોજ ઉત્તર પ્રદેશના મેરઠમાં થયો હતો. તે પોતાના રાજ્યની ટીમ માટે રમે છે. તેણે પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ નવેમ્બર 2018માં ગોવા સામે રમી હતી. તેણે 12 ફર્સ્ટ ક્લાસ મેચમાં 66.69ની એવરેજથી 867 રન કર્યા છે, જેમાં 2 સદી અને 5 ફિફટીનો સમાવેશ થાય છે.
દરેક ગ્રુપમાંથી બે ટીમ સુપર લીગમાં જશે
કુલ ચાર ગ્રુપ છે. દરેક ગ્રુપમાં ચાર ટીમ હશે, અને તેમાંથી બે ટીમ સુપર લીગમાં પહોંચશે. વોર્મ અપ મેચ 12થી 15 જાન્યુઆરી દરમિયાન જોહાનેસબર્ગ અને પ્રિટોરિયામાં રમાશે. ચાર શહેરો અને આઠ મેદાનો પર કુલ 24 મેચ રમાશે. ભારતે અત્યાર સુધીમાં 4, ઓસ્ટ્રેલિયાએ 3, પાકિસ્તાને 2 અને ઇંગ્લેન્ડ, વિન્ડીઝ અને સાઉથ આફ્રિકા 1-1 વાર વર્લ્ડ કપ જીત્યા છે.